AAP in Saurashtra : વીસાવદર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભજપના કિરીટ પટેલ સામે 17,500થી વધુ મતોથી ભવ્ય વિજય મેળવીને સૌરાષ્ટ્રના રાજકારણમાં નવો ધબકારો ભરી દીધો છે. ગોપાલ ઇટાલિયાની આ જીત માત્ર એક બેઠક પરનો વિજય નથી, પરંતુ રાજ્યના રાજકારણમાં ‘આપ’ના વલણ અને શક્યતાઓ અંગે અનેક ચર્ચાઓને જમાવટ આપે છે.
પરંતુ એ જ સમયે, જ્યારે ‘આપ’ પોતાને મજબૂત બનાવી રહી છે, ત્યારે પાર્ટીમાંથી આંતરિક ઉથલપાથલ પણ જોવા મળી રહી છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગુસ્સામાં હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું અને દલિત તેમજ પછાત વર્ગની અવગણનાનો આક્ષેપ કર્યો.
સૌરાષ્ટ્રમાં આપનું ઉદય – રાજકારણમાં નવી ધારા?
પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતે એવા સંકેત આપ્યા છે કે ભાજપ અને કૉંગ્રેસથી નારાજ રહેલા મતદારો હવે ત્રીજા વિકલ્પ તરીકે ‘આપ’ તરફ વળી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ જીત માત્ર સંખ્યાબળનો વિષય નહીં પરંતુ હેતુભર્યું પ્રતિનિધિત્વ દર્શાવે છે.
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહનું માનવું છે કે આગામી સ્થાનિક ચૂંટણી એટલે કે 2026માં થનારી 15 મ્યુનિસિપલ કૉર્પોરેશન અને 31 જિલ્લા પંચાયતની ચૂંટણી ભાજપ માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે. જો ‘આપ’ આ ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કરે છે, તો તે વિધાનસભા 2027 માટે મજબૂત પાયો નાખી શકે છે.
તેમણે વધુમાં કહ્યું, “વીસાવદરની જીતમાં ગોપાલ ઇટાલિયા જે રીતે લોકસંમુખ રાજકારણ, સોશ્યલ મીડિયા અને યુવા વર્ગ સાથે સંવાદ કર્યો, તે તેમનું મજબૂત હથિયાર છે. જો ‘આપ’ આવી ભાષા વાપરી સૌરાષ્ટ્રના વિવિધ વર્ગોને જોડે છે તો તેનું વિસ્તાર થવાનું નિશ્ચિત છે.”
ગોપાલ ઇટાલિયા નવા યુગના લડાયક પટેલ નેતા?
સૌરાષ્ટ્રમાં હાલ પરંપરાગત પાટીદાર નેતાઓનો ખૂંટણો ખાલી થયો છે. પરશોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા નેતાઓ હાંસિયામાં ધકેલાયેલા છે. એવા સમયમાં ગોપાલ ઇટાલિયા મજબૂત ‘પટેલ પ્રતિનિધિ’ તરીકે ઊભરી રહ્યા છે.”
તેઓ માને છે કે ઇટાલિયા સૌરાષ્ટ્રથી સુરત સુધીના પાટીદાર અને ઓબીસી સમુદાયને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તેઓ આ સમીકરણને સફળ બનાવે, તો આવનારી ચૂંટણીઓમાં નવો ચહેરો અને નવો રાજકીય ધબકારો સાબિત થઈ શકે છે.
અંતરકલહ સામે જૂની પાર્ટીઓના પ્રતિસાદ
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે વીસાવદરમાં ‘આપ’એ જે બેઠક સંભાળી તે અગાઉથી તેમના કબજામાં હતી, તેથી કોઈ મોટો બદલાવ થયો છે એવું માનવું યોગ્ય નહીં હોય.
કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે કહ્યું કે વિધાનસભા 2022માં મતોનું વિભાજન થવાના કારણે કોંગ્રેસને નુકસાન થયું હતું, પરંતુ તેમનું વોટબૅન્ક હજુ મજબૂત છે. તેઓ માને છે કે જાતિવાદી રાજકારણ લંબાવામાં “ના તો ભાજપ સફળ થશે, ના તો આપ સફળ થશે.”
‘આપ’ના પ્રવક્તા ડૉ. કરન બારોટે માને છે કે વીસાવદરની જીત માત્ર આરંભ છે. તેઓ આ જીતને ક્વાર્ટર ફાઇનલ માને છે, આગામી મ્યુનિસિપલ અને પંચાયત ચૂંટણીને સેમી ફાઇનલ અને વિધાનસભા 2027ને ફાઇનલ. તેઓ માને છે કે ઓબીસી, દલિત અને પાટીદાર સમુદાયથી સહયોગ મેળવો એ ‘AAP’ની આગલી સ્ટ્રેટેજી હશે.
રાજકારણમાં ત્રીજો વિકલ્પ તૈયાર?
ગોપાલ ઇટાલિયાની જીતે વીસાવદરની સીમાને ઓળંગીને સૌરાષ્ટ્રના રાજકારણમાં નવી ઉમંગ ભરેલી છે. પરંતુ કેવળ એક જીત પર મહેલ ઊભો ન થાય. 2026ની સ્થાનિક ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણી જ નક્કી કરશે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માત્ર ‘વિકલ્પ’ રહી જાય છે કે વાસ્તવમાં મુખ્ય મુકાબલાની પાર્ટી બની શકે છે.