Indian Air Force plane crash: ભારતીય એરફોર્સનું એક જગુઆર ટ્રેઇનર વિમાન બુધવાર બપોરે રાજસ્થાનના ચુરુ જિલ્લામાં તૂટી પડતા બે પાયલોટનાં મોત થયા છે.
ઇન્ડિયન એરફોર્સે (આઇએએફ)એ જણાવ્યું છે કે દુર્ઘટના થવા પાછળના કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એરફોર્સનું એક જગુઆર ટ્રેઇનર વિમાન આજે રાજસ્થાનના ચુરુની પાસે એક નિયમિત ટ્રેઇનિંગ દરમિયાન તૂટી પડયું હતું.
આ દુર્ઘટનામાં બંને પાયલોટના મોત થયા છે. કોઇ પણ નાગરિક સંપત્તિને કોઇ પણ પ્રકારનું નુકસાન થયું નથી.
આઇએએફએ દુર્ઘટનામાં બે પાયલોટના મોત અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દુ:ખની આ ક્ષણમાં અમે પીડિતોના પરિવારજનોની સાથે છીએ. દુર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીની રચના કરવામાં આવી છે.
આ અગાઉ રાજસ્થાન પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે બપોરે ૧.૨૫ વાગ્યે વિમાન તૂટી પડયું હતું. રાજલદેસરના એસએચઓ (સ્ટેશન હાઉસ ઓફિસર) કમલેશે જણાવ્યું હતું કે ભાનોડા ગામનાં એક ખેતરમાં બપોરે ૧.૨૫ વાગ્યે વિમાન તૂટી પડયું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ મહિનામાં ત્રીજી વખત જગુઆર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ અગાઉ સાત માર્ચે અંબાલામાં અને બીજી એપ્રિલે ગુજરાતના જામનગરમાં જગુઆર ટ્રેઇનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અંબાલામાં પાયલોટ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યો હતેો. જો કે જામનગર દુર્ઘટનામાં એક પાયલોટનું મોત થયું હતું.