ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ક્રિકેટ જંગ
Saturday, 02 September 2023
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ક્રિકેટ જંગ
પાલેકલ (શ્રીલંકા), તા.1 : ભારત અને પાકિસ્તાનની ટીમ શનિવારે એશિયા કપમાં જ્યારે આમને-સામને હશે ત્યારે આ મેચ આગામી વર્લ્ડ કપના ડ્રેસ રિહર્સલ સમાન હશે. જેમાં ભારતના વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટધરોનો સામનો પાકિસ્તાનના શાહિન અફ્રિદી અને હારિસ રઉફની આગેવાનીમાં પાકિસ્તાનના ઝડપી બોલિંગ આક્રમણ સામે થશે. ભારત અને પાકિસ્તાનની આ મેચને લઇને બન્ને દેશના ચાહકોનો ઉત્સાહ ચરમ પર છે. બન્ને ટીમ વન ડે ફોર્મેટમાં છેલ્લે 2019ના વર્લ્ડ કપમાં ટકરાઇ હતી. આ પછી બન્ને ટીમ ઘણા ઉતાર-ચઢાવ જોઇ ચૂકી છે. હાલ આઇસીસી ક્રમાંકમાં બાબર આઝમની ટીમ નંબર વન છે તો રોહિત શર્માની ટીમ ત્રીજા સ્થાને છે. આઇસીસી ટૂર્નામેન્ટોમાં ટીમ ઇન્ડિયા મોટાભાગે અને ખાસ કરીને વન ડે ફોર્મેટમાં પાક. ટીમ પર હાવી રહી છે. આથી એશિયા કપની શનિવારની મેચમાં પણ ભારતની ટીમ જીત માટે વધુ પ્રબળ દાવેદાર મનાઇ રહી છે. જો કે આ મેચમાં વરસાદ વિલન બને તેવી આગાહી થઇ છે. પાક. સામેના મહામુકાબલામાં ટીમ ઇન્ડિયાને આશા રહેશે કે તેના ટોપ ઓર્ડરના બેટર્સ કપ્તાન રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી પાવર પ્લેમાં પાક. બોલિંગ આક્રમણનો મજબૂતીથી સામનો કરે. વાદળછાયા વાતાવરણને લીધે પાક. ત્રિપુટી અફ્રિદી-નસીમ અને રઉફ વધુ ખતરનાક બની શકે છે. જો કે ભારત માટે સારી નિશાની એ છે કે યોર્કર સ્પેશિયાલિસ્ટ જસપ્રિત બુમરાહની વાપસી થઇ ચૂકી છે અને સારા ફોર્મમાં બોલિંગ કરી રહ્યો છે. બન્ને ટીમમાં મધ્યક્રમને લઇને અસમંજસની સ્થિતિ છે. પહેલી બે મેચમાંથી કેએલ રાહુલ બહાર થવાથી ભારતની મુશ્કેલી વધી છે. આથી વિકેટકીપર ઇશાન કિશનને મીડલ ઓર્ડરમાં તક મળી શકે છે. જો કે ચોથા અને પાંચમા નંબર પર કોણ બેટિંગ કરશે તે હજુ સ્પષ્ટ નથી, પણ શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ રેસમાં આગળ છે. આથી યુવા તિલક વર્માને ઇલેવનની બહાર રહેવું પડી શકે છે જ્યારે બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાની વાપસીથી ભારતની ઝડપી બોલિંગ મજબૂત બની છે. જો કે આખરી ઇલેવનમાં ત્રણ ઝડપી બોલરના રૂપમાં બુમરાહ સાથે અનુભવી શમી અને સિરાઝ હશે. સ્પિનર રવીન્દ્ર જાડેજા પોતાની બેટિંગ ક્ષમતાને લીધે ઇલેવનમાં હશે જ્યારે કુલદીપ યાદવ અને અક્ષર પટેલમાંથી કોઇ એકની સમજી વિચારીને પસંદગી કરવી પડશે. કુલદિપે આ વર્ષે 11 વન ડેમાં 22 વિકેટ લીધી છે જ્યારે અક્ષરે 6 મેચમાં 3 વિકેટ લીધી છે. આથી કુલદીપનો દાવો મજબૂત છે. ભારતના બોલિંગ આક્રમણની પાક. કપ્તાન બાબર આઝમ, ઇમામ ઉલ હક, મોહમ્મદ રિઝવાન ઇફિતખાર અહેમદ અને ફખર જમાન પરીક્ષા કરવા સક્ષમ છે. ખાસ કરીને કપ્તાન બાબર આઝમ શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. એશિયા કપની પહેલી મેચમાં તેણે બિન અનુભવી ટીમ નેપાળ સામે દોઢી સદી ફટકારી હતી. પાલેકલની પીચ પર ટોસ જીતનારી ટીમ પહેલા દાવ પસંદ કરી શકે છે. જો કે વાદળછાયું વાતાવરણ હશે તો બોલિંગ કરવાનો નિર્ણય પણ ટોસ જીતનાર કપ્તાન લઇ શકે છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કરનું જીવંત પ્રસારણ શનિવારે બપોરે 3-00 વાગ્યાથી શરૂ થશે.