Javed Habib fraud case 2025: દેશભરમાં 900થી વધુ સલૂન અને એકેડમીઓ ધરાવતા જાણીતા હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ હાલમાં કોઈ ફેશન શોને લીધે નહીં પરંતુ મોટા ઠગાઈના કેસને લઈને ચર્ચામાં છે. સંભલ પોલીસે તેમના પુત્ર અનસ હબીબ સહિત પરિવારના સભ્યો વિરુદ્ધ અત્યાર સુધીમાં 20 FIR નોંધી છે. આરોપ છે કે તેમણે 100થી વધુ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે. પોલીસે દિલ્હી-મુંબઈના ઠેકાણાઓ પર દરોડાની તૈયારી શરૂ કરી છે, જ્યારે પરિવાર વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર થઈ ચૂકી છે.
બિટકોઇન અને નફાની લાલચ આપી રોકાણ કરાવી કંપની ગાયબ
પોલીસ તપાસ મુજબ, આ આખો મામલો બે વર્ષ જૂનો છે. વર્ષ 2023માં સંભલના સરાયતરીન વિસ્તારમાં આવેલા રોયલ પેલેસ વેંકટ હોલમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન FLC (Follicile Global Company)ના નામથી થયું હતું. સ્ટેજ પર ખુદ જાવેદ હબીબ અને તેમના પુત્ર અનસ હબીબ હાજર હતા.
ત્યાં હાજર આશરે 150 લોકોને 50 થી 75 ટકા નફાની લાલચ આપીને કંપનીમાં રોકાણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ વાયદાઓ પર વિશ્વાસ કરીને 100થી વધુ લોકોએ ₹5 થી 7 લાખ સુધીની રકમ બાઇનાન્સ કોઇન અને બિટકોઇનના નામે જમા કરાવી દીધી. જોકે, થોડા જ મહિનામાં કંપની ગાયબ થઈ ગઈ.
રોકાણકારોના લાખો ડૂબ્યા, કંપનીનું શટર ડાઉન
રોકાણ કર્યાના એક વર્ષ પછી પણ રોકાણકારોને કોઈ નફો ન મળતાં તેમણે કંપનીની ઓફિસ અને હબીબ સલૂનના ચક્કર લગાવવાનું શરૂ કર્યું. જ્યારે તેમણે રકમ પાછી માગી, ત્યારે સ્થાનિક પ્રભારી સૈફુલ્લાહએ ટાળવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ કંપનીનું શટર ડાઉન કરી દેવાયું અને જાવેદ હબીબ તેમના પરિવાર સાથે ફરાર થઈ ગયા. સંભલ ખાતેની તેમની ઓફિસને તાળું લાગી ગયું છે.
જાવેદ હબીબ અને પરિવાર પર કુલ 20 કેસ
શરૂઆતમાં રાયસત્તી પોલીસ સ્ટેશનમાં હિલાલ, રેહાન, અમાન, માજિદ હુસૈન અને મોહમ્મદ નઈમ સહિતના પીડિતોએ જાવેદ હબીબ સામે લાખોની ઠગાઈનો કેસ નોંધાવ્યો.
એસપી કે.કે. બિશ્નોઈએ પીડિતોને મળીને રકમ પાછી અપાવવાની ખાતરી આપી. પોલીસે તપાસનો દાયરો વધારતાં સામે આવ્યું કે આ કૌભાંડમાં 100થી વધુ પીડિતો છે. ફરિયાદ વધતાં 19 નવા કેસ નોંધાયા.
અત્યાર સુધીમાં જાવેદ હબીબ, પુત્ર અનસ હબીબ, પત્ની અને કંપનીના વડા સૈફુલ્લાહ પર કુલ 20 કેસ નોંધાઈ ચૂક્યા છે. સંભલ પોલીસે તેમના પર ઠગાઈ (કલમ 420) અને ગુનાહિત ધમકી (કલમ 506) હેઠળ કેસ નોંધ્યા છે. પોલીસ મુજબ, આ એક સૂનિયોજિત ઠગાઈ નેટવર્ક છે. કેટલાક રોકાણકારોએ પૈસા પાછા માગતા તેમને ધમકાવવામાં આવ્યા હોવાનું નિવેદન આપ્યું છે.
હબીબની પત્નીનું નામ FLC સ્થાપકમાં, ‘લુક આઉટ નોટિસ’
પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે: FLC કંપનીના સ્થાપક તરીકે જાવેદ હબીબની પત્નીનું નામ નોંધાયેલું છે, જે દર્શાવે છે કે આ ઠગાઈ પારિવારિક સ્તરે આયોજનબદ્ધ હતી.
સંભલ પોલીસને શંકા છે કે કાયદાનો સકંજો કસાય તે પહેલાં હબીબ પરિવાર દેશ છોડવાની તૈયારીમાં હતો, તેથી તેમના વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. એસપી બિશ્નોઈના કહેવા મુજબ, તેમના તમામ બેન્ક ખાતાઓ અને સંપત્તિઓની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
જાવેદ હબીબની ‘બ્રાન્ડ વેલ્યુ’નો ઉપયોગ કરી કૌભાંડ
સંભલ પોલીસ ટૂંક સમયમાં દિલ્હી અને મુંબઈના ઠેકાણાઓ પર જઈને ઠગાઈના પૈસાના ટ્રાન્સફર અને રોકાણની તપાસ કરશે. વરિષ્ઠ અધિકારીના મતે, આ કૌભાંડમાં જાવેદ હબીબની બ્રાન્ડ વેલ્યુનો ઉપયોગ કરીને લોકોને વિશ્વાસમાં લેવાયા, જે તેમના માટે નુકસાનકારક સાબિત થયો.
ઠગાઈનો ભોગ બનેલા રોકાણકારો હવે ખુલ્લેઆમ હબીબ પરિવાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. એક સંભલ નિવાસીએ કહ્યું કે તેમણે જીવનભરની કમાણી લગાવી હતી, પણ હવે બધું બરબાદ થઈ ગયું છે. તેમને જાવેદ હબીબ જેવા મોટા નામ પર શંકા નહોતી.
સંપત્તિ જપ્ત કરવાની તૈયારી
સંભલ પોલીસ હવે આ કેસને માત્ર ઠગાઈ જ નહીં, પરંતુ મલ્ટી-લેયર ફ્રોડ સ્કીમ માની રહી છે. તપાસ અધિકારીઓ મુજબ, હબીબ પરિવારે ઠગાઈના પૈસા અલગ-અલગ કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા છે. એસપી બિશ્નોઈએ કહ્યું, ‘અમારી ટીમો ડિજિટલ ટ્રાન્ઝેક્શન, બેન્ક સ્ટેટમેન્ટ અને બિટકોઇન ટ્રેલ્સની તપાસ કરી રહી છે. જો જરૂર પડી, તો સંપત્તિ જપ્ત કરવામાં આવશે.’