UPI biometric authentication: દેશમાં ડિજિટલ પેમેન્ટને સરળ અને વધુ સુરક્ષિત કરવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)થી લેવડ- દેવડ કરનારા યુઝર્સે પૈસા ટ્રાન્સફર કરવા માટે PIN નંબર નાખવાની જરુર નહી રહે. તેના બદલે હવે તમારો ચહેરો અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા તમારા ટ્રાન્ઝકેશનને મંજૂરી આપી શકશો. આ નવી સુવિધા 8 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહી છે. આ પગલું RBIના નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે છે, જે એક વૈકલ્પિક ઓથેંટિકેશનની મંજૂરી આપે છે.
શું છે સંપૂર્ણ માહિતી
NPCI (જે UPIનું સંચાલન કરે છે) આ ફીચરને ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ, મુંબઈમાં પ્રદર્શિત કરવા જઈ રહ્યું છે. જેમાં ડિજિટલ પેમ્ન્ટ્સ અને ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક બનશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ નવી સુવિધા ભારત સરકારની આધાર સિસ્ટમમાં સંગ્રહિત બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરીને ચુકવણીઓને પ્રમાણિત કરે છે. એટલે કે, વપરાશકર્તાઓના ચહેરા અથવા ફિંગરપ્રિન્ટ્સ તેમના આધાર ડેટા સાથે મેચ કરવામાં આવશે, જેથી પેમેન્ટની મંજૂર મળી જશે.
RBI ની નવી માર્ગદર્શિકા
ઉલ્લેખનીય છે કે, આ પગલું ભારતીય રિઝર્વ બેંક (RBI) ના હાલની માર્ગદર્શિકા પ્રમાણે છે. જેમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનો માટે વૈકલ્પિક પ્રમાણીકરણ પદ્ધતિઓને મંજૂરી આપવામાં આવી હતી. જેનાથી ડિજિટલ ચુકવણીમાં સુરક્ષા અને યુઝર્સના અનુભવ બંનેમાં સુધારો થવાની અપેક્ષા છે.
UPI અનુભવ બનશે વધુ સરળ
હાલમાં દરેક UPI ટ્રાન્ઝેક્શન માટે 4- અથવા 6-અંકનો PIN દાખલ કરવો જરૂરી છે. હવે નવી સુવિધા લાગુ થઈ જાય, પછી ફેસ સ્કેન અથવા ફિંગરપ્રિન્ટ સેન્સરનો ઉપયોગ કરીને તરત પેમેન્ટ કરી શકશો. જેથી ટ્રાન્ઝેક્શનનો સમય ઓછો થશે, સુરક્ષા વધશે અને યુઝર્સનો અનુભવ વધુ સરળ બનશે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે બાયોમેટ્રિક પ્રમાણીકરણ છેતરપિંડીની શક્યતા ઘટશે. કારણ કે અન્ય વ્યક્તિ દ્વારા ચહેરા અથવા ફિંગરપ્રિન્ટની નકલ કરવી મુશ્કેલ છે. જો કે, ડેટા સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે NPCI અને UIDAI વચ્ચે મજબૂત તકનીકી પ્રોટોકોલ અપનાવવામાં આવશે.