WhatsApp Paid Subscription 2026: WhatsApp ટૂંક સમયમાં એક નવું સબસ્ક્રિપ્શન બેઝ્ડ મોડલ લોન્ચ કરી શકે છે. અત્યાર સુધી મેટાનું આ મેસેજિંગ પ્લેટફોર્મ ફ્રી એપ તરીકે ઉપયોગમાં લેવાતું રહ્યું છે, પરંતુ કંપની હવે તેનું પેઇડ વર્ઝન (Premium Version) લાવવાની તૈયારી કરી રહી છે. આ નવા વર્ઝનમાં યુઝર્સને કેટલાક એવા ખાસ ફીચર્સ મળશે જે અત્યારે ફ્રી વર્ઝનમાં ઉપલબ્ધ નથી. જોકે, રાહતની વાત એ છે કે આ પેઇડ વર્ઝન લેવું ફરજિયાત નહીં હોય; જે યુઝર્સ પૈસા ચૂકવવા નથી માંગતા તેઓ જૂનું ફ્રી વર્ઝન પહેલાની જેમ જ વાપરી શકશે.
પેઇડ વર્ઝનમાં શું હશે અલગ?
WABetaInfo ના રિપોર્ટ મુજબ, કંપનીએ આ સબસ્ક્રિપ્શન મોડલનું ટેસ્ટિંગ (Beta Version 2.26.4.8) શરૂ કરી દીધું છે. પ્રીમિયમ વર્ઝન લેનારા યુઝર્સને નીચે મુજબના વધારાના લાભ મળી શકે છે:
એક્સક્લુઝિવ સ્ટીકર્સ: પેઇડ યુઝર્સ માટે ખાસ પ્રીમિયમ સ્ટીકર પેક ઉપલબ્ધ હશે.
વધારે ચેટ પિન કરવાની સુવિધા: હાલમાં યુઝર્સ માત્ર ૩ ચેટ પિન કરી શકે છે, પરંતુ પેઇડ વર્ઝનમાં આ મર્યાદા ૨૦ સુધી વધારવામાં આવી શકે છે.
નવી એપ થીમ્સ અને આઈકન્સ: યુઝર્સ પોતાની પસંદગી મુજબ એપનો રંગ, થીમ અને હોમ સ્ક્રીન પર દેખાતા એપ આઈકનને બદલી શકશે.
મેસેજ શેડ્યુલિંગ: આ વર્ઝનમાં મેસેજને અગાઉથી શેડ્યુલ કરવાનો ફીચર પણ મળી શકે છે.
ખાસ રિંગટોન: દરેક ચેટ માટે અલગ અને એક્સક્લુઝિવ એલર્ટ સાઉન્ડ સેટ કરવાની સુવિધા મળશે.
કંપનીનો હેતુ શું છે?
નવું પેઇડ વર્ઝન લાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝર્સને એપ પર વધુ કંટ્રોલ અને પર્સનલાઈઝેશનનો અનુભવ આપવાનો છે. આ ઉપરાંત, મેટા આ પ્લેટફોર્મ પરથી વધારાની કમાણી કરવા માંગે છે. કંપની અત્યારે આ ફીચર્સ માટે ‘વેઇટલિસ્ટ’ (Waitlist) સિસ્ટમ દ્વારા યુઝર્સના ફીડબેક લઈ રહી છે. જો આ મોડલ સફળ રહેશે, તો આવનારા સમયમાં તેમાં વધુ એડવાન્સ AI (Meta AI) ટૂલ્સ અને બિઝનેસ ફીચર્સ પણ ઉમેરવામાં આવી શકે છે.

