Diwali stock market News: આજે સમગ્ર દેશની સાથે ભારતીય શેરબજાર પણ દિવાળીના જશ્નમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે. બજારમાં રોકાણકારો માટે શાનદાર માહોલ બન્યો છે. નિફ્ટી લગભગ 200 પોઈન્ટના ઉછાળા સાથે 25900ના સ્તરે કારોબાર કરી રહ્યો છે, જ્યારે સેન્સેક્સમાં 680 પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બેન્ક નિફ્ટીમાં પણ લગભગ 400 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે.
ચારેબાજુ ખરીદીનો માહોલ
આજે બજારમાં ચારેબાજુ ખરીદીનો માહોલ છે. BSEના ટોચના 30 શેરોમાંથી માત્ર 5 શેરોમાં જ ઘટાડો છે, જ્યારે બાકીના તમામ શેરો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ 2.83%નો ઉછાળો જોવા મળ્યો છે અને તે 1457 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય કોટક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ અને બજાજ ફિનસર્વ જેવા દિગ્ગજ શેરોમાં પણ લગભગ ૨%ની તેજી છે. જોકે, ICICI બેન્કના શેરમાં લગભગ ૨%નો ઘટાડો નોંધાયો છે.
બેન્કિંગ શેર્સમાં જોરદાર ઉછાળો
સેક્ટરની વાત કરીએ તો, આજે મેટલ સેક્ટરને બાદ કરતાં FMCG, ઓટો, આઈટી, મીડિયા, PSU બેન્ક, પ્રાઇવેટ બેન્ક અને ફાઇનાન્શિયલ જેવા તમામ સેક્ટરમાં લગભગ 1% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. આજના બજારના હીરો બેન્કિંગ શેરો રહ્યા છે. ડીસીબી બેન્કના શેરમાં 11%નો જોરદાર ઉછાળો આવ્યો છે, જ્યારે સાઉથ ઇન્ડિયા બેન્કના શેરમાં 10% અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેરમાં 7%ની તેજી જોવા મળી છે. આ ઉપરાંત, જિયો ફાઇનાન્શિયલ બેન્ક, અદાણી પાવર અને કેનેરા બેન્કના શેરોમાં પણ રોકાણકારોએ સારી ખરીદી કરી છે. કુલ મળીને, દિવાળીના દિવસે બેન્કિંગ સ્ટોક્સે રોકાણકારોને ખુશ કરી દીધા છે.