India export growth: ભારતીય નિકાસકારો હવે વિશ્વના વિવિધ દેશો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ૨૪ દેશોમાં નિકાસ વધી હતી, પરંતુ ઊંચા ટેરિફને કારણે સપ્ટેમ્બરમાં અમેરિકા ખાતે થતી નિકાસમાં ઘટાડો થયો હતો. સરકારી ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે બજાર વિસ્તરણ વ્યૂહરચના કામ કરી રહી છે.
જે ૨૪ દેશોમાં નિકાસ વધી હતી તેમાં કોરિયા, યુએઈ, જર્મની, ટોગો, ઇજિપ્ત, વિયેતનામ, ઇરાક, મેક્સિકો, રશિયા, કેન્યા, નાઇજીરીયા, કેનેડા, પોલેન્ડ, શ્રીલંકા, ઓમાન, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, બ્રાઝિલ, બેલ્જિયમ, ઇટાલી અને તાંઝાનિયાનો સમાવેશ થાય છે. એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૫-૨૬ સુધીમાં આ દેશોમાં કુલ નિકાસ ૧૨૯.૩ બિલિયન ડોલર થઈ હતી, જે પાછલા વર્ષની સરખામણીમાં વધારો દર્શાવે છે. આ દેશો ભારતની કુલ નિકાસમાં ૫૯% હિસ્સો ધરાવે છે.
એકંદરે, એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન નિકાસ ૩.૦૨ ટકા વધીને ૨૨૦.૧૨ બિલિયન ડોલર થઈ હતી. આયાત પણ ૪.૫૩ ટકા વધીને ૩૭૫.૧૧ બિલિયન ડોલર થઈ હતી. જેના પરિણામે વેપાર ખાધ ૧૫૪.૯૯ બિલિયન ડોલર થઈ હતી. જોકે, નિકાસ ૧૬ દેશોમાં ઘટી હતી, જે ભારતની કુલ નિકાસના ૨૭ ટકા અથવા ૬૦.૩ બિલિયન ડોલર જેટલી છે.
ઊંચા ટેરિફને કારણે સપ્ટેમ્બરમાં અમેરિકામાં નિકાસ ૧૧.૯૩ ટકા ઘટીને ૫.૪૬ બિલિયન ડોલર થઈ હતી. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન અમેરિકામાં નિકાસ ૧૩.૩૭ ટકા વધીને ૪૫.૮૨ બિલિયન ડોલર થઈ હતી. જયારે આયાત ૯ ટકા વધીને ૨૫.૬ બિલિયન ડોલર થઈ હતી. અમેરિકાએ ૨૭ ઓગસ્ટના રોજ ભારતીય માલ પર ૫૦% ટેરિફ લાદ્યો હતો.