Foreign banks India investment: વિદેશી બેન્કો ભારતમાં રોકાણ માટે ઉત્સુક: RBL, YES બેન્ક સહિતના હિસ્સામાં કરોડો ડોલરના રોકાણની યોજના

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Foreign banks India investment: ભારતીય  બેન્કોમાં હિસ્સા ખરીદવા વિદેશી બેન્કો અથવા નાણાં સંસ્થાઓના વધી રહેલા રસને પગલે દેશનું નાણાં ક્ષેત્ર વૈશ્વિક સ્તરે હાલમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. દેશના નાણાંકીય ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણકારોનો રસ એવા સમય ઊભો થયો છે જ્યારે અમેરિકામાં પ્રાદેશિક બેન્કોની વિશ્વસ્નિયતા ઘટી રહી છે અને વેપાર તાણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવી દીધો છે.

ગયા સપ્તાહના અંતે અમિરાતસ એનબીડી બેન્ક પીજેએસસીએ ભારતની આરબીએલ બેન્કમાં અંદાજે ૩ અબજ ડોલરના રોકાણની યોજના હોવાનું નિવેદન કર્યું હતું. એનબીડીનું આ સૂચિત રોકાણ દેશની બેન્કિંગ ક્ષેત્રમાં અત્યારસુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ બની રહેશે.

- Advertisement -

આ અગાઉ વર્તમાન મહિનાના પ્રારંભમામં અબુધાબીની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કું. પીજેએસસીએ એક અબજ ડોલર ઠાલવવા સમ્માન કેપિટલ લિ. સાથે કરાર કર્યા હતા. આ સિવાય સુમિતોમો મિત્સુઈ ફાઈનાન્સિઅલ ગુ્રપ ઈન્ક.ના બેન્કિંગ યુનિટે યસ બેન્કનો વીસ ટકા હિસ્સો મેળવવા ૧.૬૦ અબજ ડોલરનું રોકાણ કરવા સહમતિ દર્શાવી હતી.

વિશ્વમાં ભારત આજે ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે ત્યારે નાણાંકીય સેવા ક્ષેત્રમાં રોકાણ માટે વૈશ્વિક રોકાણકારો ઉત્સાહ ધરાવી રહ્યા છે. રિઝર્વ બેન્ક પણ દેશમાં ધિરાણ વૃદ્ધિને ગતિ આપવા ધિરાણ ધોરણો હળવા બનાવી રહી છે. જે નાણાંકીય સેવા ક્ષેત્ર માટે સ્થિતિ સાનુકૂળ બનાવશે.

અમેરિકામાં ટ્રાયકલર હોલ્ડિંગ્સ અને ફર્સ્ટ બ્રાન્ડસ ગુ્રપ નબળી પડયાના તાજેતરના અહેવાલોએ રોકાણકારોમાં ભયનું વાતાવરણ ઊભુ કર્યું હતું. આ અહેવાલ બાદ અમેરિકામાં બેન્કિંગ ક્ષેત્રના શેરોના ભાવ ગયા સપ્તાહમાં નોંધપાત્ર તૂટી ગયા હતા.

જો કે ભારતીય બેન્કોમાં હિસ્સો હસ્તગત કરી વિદેશી બેન્કોએ સફળતા મેળવી હોવાનું બહુ ઓછું જોવા મળ્યું છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું. વિદેશી બેન્કો દ્વારા હિસ્સાની ખરીદી બાદ સંબંધિત બેન્કના નફા તથા આવકમાં વધારો થયો હોવાનું ભાગ્યેજ પ્રદર્શિત થયું છે. બેન્કિંગ ક્ષેત્રમાં ભારત એક સ્પર્ધાત્મક બજાર છે.

Share This Article