નવી દિલ્હી, તા. 1 : સામાન્ય માણસમાં ઉત્સવો વચ્ચે ઉચાટ ફેલાવે તેવા ફેંસલામાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ બાટલામાં 62 રૂપિયાનો વધારો કર્યો હતો. આ વધારા બાદ દેશના અલગ-અલગ શહેરમાં ધંધાદારી સિલિન્ડરોના ભાવ વધી ગયા છે.
તહેવારો વચ્ચે આ નિર્ણયથી સામાન્ય માણસ સાથે નાના વેપારીઓ પર દબાણ વધ્યું છે. ખાસ જાણવા જેવી હકીકત એ છે કે, લગાતાર ચોથા મહિને ધંધાદારી એલપીજી બાટલાના ભાવમાં વધારો થયો છે. છેલ્લા ચાર મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કુલ 156 રૂપિયાનો વધારો થઇ ચૂક્યો છે.
સપ્ટેમ્બરમાં 39 રૂપિયા, ઓક્ટોબરમાં 50 અને આજે 62 રૂપિયાનો વધારો ઝીંકાતાં તહેવારોમાં તાણ જેવી સ્થિતિ સર્જાઇ છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવવધારાની અસર ખાસ કરીને હોટેલ, રેસ્ટોરેન્ટના કારોબાર પર પડશે. બહારનું ખાવાનું તહેવારોમાં જ સિલિન્ડર મોંઘા થવાની અસર હેઠળ મોંઘું થઇ શકે છે.