EPF Withdrawal Rules: નોકરીયાત લોકો માટે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPF) રિટાયરમેન્ટ ફંડ (નિવૃત્તિ ભંડોળ) ભેગું કરવાનું સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર માધ્યમ છે. પરંતુ ઘણી વખત લોકો કોઈ નાના-મોટા ખર્ચ અથવા કટોકટીના નામે પીએફ ખાતામાંથી થોડા પૈસા ઉપાડી લે છે. જો તમે પણ એવું વિચારતા હોવ તો રોકાઈ જાઓ! નાણાકીય સલાહકારોના જણાવ્યા અનુસાર, યુવાવસ્થામાં પીએફમાંથી ઉપાડવામાં આવેલી એક નાની રકમ તમારા ઘડપણના મોટા ભંડોળમાં મોટું નુકસાન કરી શકે છે.
આંકડાના ગણિતને સમજીએ તો જો તમે 28 વર્ષની ઉંમરે તમારા ઈપીએફ ખાતામાંથી માત્ર ₹1 લાખ ઉપાડો છો, તો રિટાયરમેન્ટ એટલે કે 60 વર્ષની ઉંમરે તમને આશરે ₹11.78 લાખનું સીધું નુકસાન વેઠવું પડી શકે છે.
પીએફમાંથી પૈસા ઉપાડવા કેમ આટલા મોંઘા પડે છે?
આ મોટા નુકસાન પાછળનું સૌથી મોટું કારણ ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાત (પાવર ઓફ કમ્પાઉન્ડિંગ) છે. પીએફમાં તમારા પૈસા લાંબા સમય સુધી લોક રહે છે, જેના કારણે તેના પર મળતું વ્યાજ આગામી વર્ષે મુદ્દલમાં ઉમેરાઈ જાય છે અને પછી તે વ્યાજ પર પણ વ્યાજ મળે છે.
ફિનટેક પ્લેટફોર્મ કસ્ટોડિયન લાઈફના સ્થાપક કુણાલ કાબરાના જણાવ્યા મુજબ, ‘સમય પહેલાં ઈપીએફમાંથી કરવામાં આવેલો દરેક ઉપાડ તમારા રિટાયરમેન્ટ ફંડ પર એક કાયમી ટેક્સ જેવો છે. તમે જેટલી નાની ઉંમરે પૈસા ઉપાડશો, આ નુકસાન એટલું જ મોટું થતું જશે. ચક્રવૃદ્ધિ વ્યાજનો મલ્ટિપ્લાયર ઇફેક્ટ (ગુણાકાર અસર) બંને રીતે કામ કરે છે. તે ધીરજ સાથે સંપત્તિ બનાવે પણ છે, અને સમય પહેલાં પૈસા ઉપાડવાથી મોટું નુકસાન પણ કરાવે છે.’
₹૧ લાખના ઉપાડથી ₹૧૧.૭૮ લાખની ખોટ કેવી રીતે જાય છે?
ઈપીએફઓ (EPFO) હાલમાં પીએફ કોન્ટ્રિબ્યુશન પર 8.25 ટકાનો શાનદાર વાર્ષિક વ્યાજ દર આપી રહ્યું છે. કુણાલ કાબરાએ એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે કેવી રીતે એક નાનો ઉપાડ તમારા અંતિમ ભંડોળને ઓછો કરી દે છે.
ધારી લો કે એક કર્મચારી 23 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરે છે અને 58 વર્ષની ઉંમર સુધી ઈપીએફમાં યોગદાન આપે છે. તે પહેલા 10 વર્ષ સુધી ₹5000 પ્રતિ માસ રોકાણ કરે છે. આગામી 10 વર્ષ ₹10000 પ્રતિ માસ, પછીના 10 વર્ષ ₹20000 પ્રતિ માસ અને છેલ્લા 5 વર્ષ ₹25000 પ્રતિ માસ નાખે છે. જો તે કર્મચારી આખી 35 વર્ષની કારકિર્દીમાં એક રૂપિયો પણ ઉપાડતો નથી, તો રિટાયરમેન્ટ પર તેનું કુલ ફંડ લગભગ ₹2.11 કરોડ થઈ જશે.
પરંતુ જો તે વચગાળામાં ઉપાડ કરે છે તો:
₹1 લાખ ઉપાડવા પર: જો તે 28 વર્ષની ઉંમરે માત્ર ₹1 લાખ ઉપાડી લે છે, તો રિટાયરમેન્ટ પર તેનું ફાઇનલ ફંડ આશરે ₹11.78 લાખ ઓછું થઈ જશે.
₹5 લાખ ઉપાડવા પર: જો તે કોઈ મોટા ખર્ચ માટે ₹5 લાખ ઉપાડી લે છે, તો રિટાયરમેન્ટના સમયે તેનું કુલ ફંડ આશરે ₹60 લાખ ઓછું થઈ જશે.
નાણાકીય નિષ્ણાતોની સલાહ: પીએફને સેવિંગ્સ એકાઉન્ટ ન સમજો
નિષ્ણાતોનું સ્પષ્ટ કહેવું છે કે EPF કોઈ સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટ કે પિગી બેંક નથી, જેને જિંદગીમાં થોડો ખર્ચ વધતાં જ ખાલી કરી દેવામાં આવે. સીધા શબ્દોમાં કહીએ તો 28 વર્ષની ઉંમરે ઉપાડેલો તમારો દરેક ₹1, રિટાયરમેન્ટના સમયે તમારા ₹12 બરાબર હોય છે.
તેથી, જ્યાં સુધી કોઈ અત્યંત ગંભીર તબીબી કટોકટી કે અનિવાર્ય પરિસ્થિતિ ન હોય, તમારા પીએફ ફંડને બિલકુલ અડશો નહીં. ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે એક અલગ ઈમરજન્સી ફંડ બનાવીને રાખો, જેથી તમારા ઘડપણની લાકડી સુરક્ષિત રહે.

