Ahmedabad Dosa Case FSL Report: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના મોતની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી હતી. લાંબા સમયની રાહ જોયા બાદ આ કેસમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)નો રિપોર્ટ આવી ચૂક્યો છે. જોકે, પોલીસે હજુ સુધી મોતનું સત્તાવાર કારણ જાહેર કર્યું નથી. એસીપી ડીવી રાણાના જણાવ્યા અનુસાર, એફએસએલના તારણો હવે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની પેનલને મોકલવામાં આવશે, જેઓ તમામ તબીબી અહેવાલોનો અભ્યાસ કરીને અંતિમ ‘કોઝ ઓફ ડેથ’ સર્ટિફિકેટ રજૂ કરશે. આ પ્રક્રિયાને કારણે મોતનું રહસ્ય હજુ પણ અકબંધ છે.
લોહીમાં ઝેરી તત્ત્વોની હાજરી અને તપાસના નવા પાસાં
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક બાળકીઓના માતા-પિતાના લોહીના નમૂનામાં ‘એલ્યુમિનિયમ ફોસ્ફેટ’ અને ‘ઝિંક’ જેવા ઝેરી તત્ત્વો મળી આવ્યા છે. આ તત્ત્વો સામાન્ય રીતે અનાજમાં નાખવાની દવા (ટીકડી)માં જોવા મળે છે. બાળકીઓના પિતાએ કબૂલાત કરી છે કે તેઓ ઘઉંમાં નાખવા માટે દવાની પડીકીઓ લાવ્યા હતા. આ સંજોગોમાં પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ કેસ માત્ર ખોરાકી ઝેરનો છે કે પછી ઘરમાં રાખેલી દવાની અસર અથવા કોઈ અન્ય માનસિક તણાવને કારણે આ દુર્ઘટના બની છે.
ખીરાના વેપારીનો બચાવ અને સીસીટીવી પુરાવા
બીજી તરફ, જે ડેરીમાંથી ઢોસાનું ખીરું ખરીદવામાં આવ્યું હતું તેના માલિકે આક્ષેપોને નકારી કાઢ્યા છે. ડેરી માલિકના જણાવ્યા મુજબ, તે દિવસે અનેક લોકો ખીરું લઈ ગયા હતા પરંતુ અન્ય કોઈને કોઈ તકલીફ થઈ નથી. સીસીટીવી ફૂટેજ મુજબ, પરિવારે ૩ કિલો ખીરું ખરીદ્યું હતું જેમાંથી ૨.૭ કિલો જેટલું ખીરું પરત આપી દીધું હતું, એટલે કે માત્ર ૩૦૦ ગ્રામ જ વપરાયું હતું. નિષ્ણાત ડોક્ટરોનું પણ માનવું છે કે અઢી મહિનાની બાળકીને ધાવણ દ્વારા ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા નહિવત્ છે, જે કેસને વધુ જટિલ બનાવે છે.
પુત્રપ્રાપ્તિની માનતા અને ઘરકંકાસની શંકા
પોલીસને તપાસ દરમિયાન બાળકીની માતાની એક ડાયરી મળી આવી છે, જેમાં પુત્રપ્રાપ્તિ માટેની તીવ્ર ઈચ્છા અને માનતાઓ વિશે લખાયેલું છે. સતત બે દીકરીઓના જન્મ બાદ પરિવારમાં કોઈ માનસિક દબાણ હતું કે કેમ, તે અંગે પણ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ ઈન્સ્પેક્ટર જે.કે. મકવાણાએ જણાવ્યું કે જ્યાં સુધી ડોક્ટરોનો અંતિમ અભિપ્રાય ન આવે ત્યાં સુધી એફઆઈઆર નોંધી શકાય નહીં. હાલમાં પરિવારના અન્ય સભ્યોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે જેથી સત્ય બહાર આવી શકે.

