Biometric fraud Gujarat: સાયબર ફ્રોડના અનેક કિસ્સાઓ બને છે તેમાં પાંચ વર્ષ પછી ફરી એક વખત સલામત ગણાતાં બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસ ભેદીને સાયબર ફ્રોડ થવા લાગ્યાં છે. તાજેતરમાં જ કચ્છમાં આવા અડધો ડઝનથી વઘુ કિસ્સા બની ચૂક્યાં છે. ગુજરાતના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ટાર્ગેટ કરવા માટે બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસને ટાર્ગેટ કરાઈ રહ્યાંની મજબૂત આશંકા છે.
ફીંગરપ્રિન્ટ, ફેસ સ્કેન કે પછી વોઈસ પેટર્નથી ઓપરેટ થતાં બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસનો ડેટા ગઠિયાઓ સુધી કઈ રીતે પહોંચે છે તે સૌથી મોટો સવાલ છે. સરકારી તંત્ર અને બેન્કોમાં આઘુનિકીકરણ વચ્ચે ગુજરાતના સવા કરોડ રેશનકાર્ડ હોલ્ડર્સ ઉપરાંત બેન્કોમાં અપાતાં બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસના ડેટા વેચાયાની પણ શંકા છે.
દિવાળી પહેલા બાયોમેટ્રિક ફ્રોડમાં વધારો
આ વર્ષે દિવાળી અગાઉ સાયબર ગઠિયાઓએ નાગરિકોના બાયોમેટ્રિક ડેટા ચોરીને તરખાટ મચાવ્યો છે. બાયોમેટ્રિક ફ્રોડના કિસ્સાઓમાં દિવાળીના તહેવારો પહેલાંથી ઉછાળો આવ્યો છે. કચ્છ જિલ્લામાં સત્તાવાર ફરિયાદો થઈ ચૂકી છે. બાયોમેટ્રિક ફ્રોડના મૂળમાં સરકારી તંત્ર અને બેન્કોનું આઘુનિકીકરણ અને તેમાં રહેલી ત્રૂટીઓ કારણભૂત હોવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે.
સાયબર ગઠિયાઓની ચોરી અને બેન્ક સિક્યોરિટી જોખમમાં
સરકારી તંત્રમાં ખાસ કરીને રેશનકાર્ડથી વિતરીત થતી ખાદ્ય અને અન્ય સામગ્રી માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલમાં છે. સાથે જ અનેક બેન્કો દ્વારા સરળ અને ઝડપી કાર્યપઘ્ધત માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. આ માટે બેન્ક ખાતેદારની ફીંગરપ્રિન્ટ, ફેસ સ્કેન કે વોઈસ પેટર્ન પઘ્ધતિ અમલમાં મુકાયેલી છે. સાયબર ગઠિયાઓ બેન્ક ખાતેદારોની ફીંગર પ્રિન્ટ ગમે ત્યાંથી ચોરી લે છે. એવી ચોંકાવનારી વિગતો છે કે, બેન્કો કે સરકારી ખાતાંઓમાં રજૂ કરાયેલી ફીંગરપ્રિન્ટના ડેટા ચોરીને સાયબર ક્રાઈમ આચરતા તત્વો માર્કેટમાં 15000રૂ ના ભાવે વેચાઈ રહ્યાં છે.
બાયોમેટ્રિક સિસ્ટમમાં ફીંગરપ્રિન્ટ ઉપરાંત ફેસ સ્કેન પઘ્ધતિ પણ અમલમાં છે. સાયબર ગઠિયાઓ હવે માસ્ક કે થ્રી-ડી મોડેલ પઘ્ધતિનો અમલ કરીને બેન્કોની ચહેરા ઓળખતી સિસ્ટમને પણ મ્હાત આપી રહ્યાં છે. અમુક કિસ્સામાં વોઈસ પેટર્નથી પણ બેન્ક ખાતાં ઓપરેટ થતાં હોય છે તેમાં પણ હવે સાયબર ગઠિયાઓ ધૂસી ચૂક્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સાયબર ગઠિયાઓ દ્વારા બાયોમેટ્રિક ડેટા ચોરી અને બેન્કિંગ સિક્યોરિટી પર ખતરો
બેન્ક એકાઉન્ટ સાથે કનેક્ટેડ વોઈસ પેટર્નની કોપી કરીને કોમ્પ્યુટર ઉપર ખાસ પ્રોગ્રામ્સથી કમાન્ડ આપીને બેન્ક ખાતાંઓમાંથી પૈસા ચોરવામાં આવે છે. સાયબર ક્રાઈમના જાણકારોના મતે સરકારી કે બેન્કોના ડેટાબેઝ હેક કરીને કે તેમાંથી ચોરી કરીને સાયબર ગઠિયાઓ ફિંગરપ્રિન્ટ, ફેસિયલ સ્કેન કે વોઈસ પેટર્ન ચોરી રહ્યાં છે. ડાર્ક વેબ ઉપર સાયબર સ્કેમર્સને આ ડેટા વેચવામાં આવી રહ્યો છે. તો, આધાર કાર્ડ આધારિત પેમેન્ટ ગેટ-વેમાં ધુસીને પણ સાયબર ગઠિયાઓ પૈસા ચોરી જાય છે. પાસવર્ડ આધારિત બેન્કિંગ સિસ્ટમ કરતાં ફિંગરપ્રિન્ટ, ફેસ સ્કેન કે વોઈસ પેટર્ન આધારિત બેન્કિંગ સિસ્ટમ વઘુ સલામત ગણાવાતી રહી છે. હવે સાયબર ચાંચિયાઓએ આ સલામત સિસ્ટમ સામે પણ અનેક સવાલો ઉભાં કર્યાં છે.
ગુજરાતમાં સાયબર ફ્રોડ અને રેશનકાર્ડ ડેટા ચોરીથી બચવા માટે સુરક્ષા ઉપાય
નોંધપાત્ર બાબત એ છે કે, પાંચેક વર્ષ અગાઉ ગુજરાતના અંદાજે સવા કરોડ રેશન કાર્ડધારકોનો ડેટા લિક કરીને સાયબર ગઠિયાઓના બજારમાં વેંચાઈ રહ્યાનો ઘટસ્ફોટ થયો હતો. સુરત પોલીસે આવા રેકેટને પકડી પણ પાડ્યું હતું. આ પછી ગુજરાત સરકારે રેશનકાર્ડ ધારકોનો ડેટા વઘુ સલામત રહે અને રેશનની વસ્તુઓ ગેરકાયદેસર રીતે બજારમાં ધુસાડવાના અનેક કારસ્તાન પણ પકડી પાડ્યાં હતાં. પરંતુ, હવે સાયબર ગઠિયાઓ બેન્કોમાં જ જમા કરાવાયાં હોય તેવા બાયોમેટ્રિક ડેટા ભેદીને સાયબર ફ્રોડ આચરી રહ્યાં છે. આ પ્રકારના સાયબર ક્રાઈમ રોકવા માટે બેન્કોમાં જમા કરાવાયેલાં ફિંગરપ્રિન્ટ, ફેસ સ્કેન કે વોઈસ પેટર્નનો ઉપયોગ કરવા સાથે જ બેન્ક એકાઉન્ટના ઉપયોગ સમયે પાસવર્ડનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ આઘુનિક પઘ્ધતિઓ સાથે ઉપયોગમાં લેવાતાં પાસવર્ડ પણ સમયાંતરે બદલવાથી સાયબર ફ્રોડથી બચી શકાય છે.
માંડવીના જાગૃત મહિલા ડોક્ટરને 10,000 તરત પાછા તો મળ્યાં પણ એકાઉન્ટ હજુ હોલ્ડ!
માંડવીના એક મહિલા તબીબે બેન્ક ખાતું ખોલાવ્યું ત્યારે બાયોમેટ્રિક એકાઉન્ટ માટે થમ્બ ઈમ્પ્રેશન આપી હતી. પણ, બાયોમેટ્રિક ડેટા લિક થઈ ગયો અને તેમના ખાતામાંથી 10,000 રૂપિયા બિહારથી ઉપાડી લેવામાં આવ્યાં છે. ગત શુક્રવારે રાત્રે ઘટના બની તેની દસ જ મિનિટમાં જાગૃત મહિલા તબીબે કાર્યવાહી કરતાં પૈસા તો તેમના એકાઉન્ટમાં પરત આપી દેવામાં આવ્યાં છે. પણ, બેન્કે તેમનું એકાઉન્ટ તા.6 ડિસેમ્બર સુધી હોલ્ડ ઉપર મુકી દેતાં નવી સમસ્યા સર્જાઈ છે.
કચ્છના નખત્રાણા, વિથોણ, લાયજા સહિતના ગામોના લોકો આ પ્રકારે બાયોમેટ્રિક છેતરપિંડીનો ભોગ બન્યાંની રજૂઆત માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટ્રીઝ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદે લેખિતમાં એચડીએફસી બેન્ક ઉપરાંત કેન્દ્ર સરકારમાં પણ કરી છે.
સરકારી યોજનાઓનો લાભ મેળવાય છે તેવી સ્કીમોના આધાર કાર્ડ-બાયોમેટ્રિક ડેટા જોખમી
રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓના સરળ અને ઝડપી અમલીકરણ માટે બાયોમેટ્રિક ડેટા ફરજિયાત બનાવાયો છે. આ ઉપરાંત બેન્કોમાં પણ ગ્રાહકો સરળતાથી અને સલામત રીતે લેવડ-દેવડ કરી શકે તે માટે બાયોમેટ્રિક ડેટા સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. પરંતુ, સરકાર અને બેન્કો દ્વારા અમલમાં મુકાયેલી નવી પઘ્ધતિમાં પણ ધૂસી જઈને ઈ-ચિટર્સ આધાર કાર્ડ અને બાયોમેટ્રિક ડેટાને જોખમી બનાવી ચૂક્યાં છે. સરકાર અને બેન્કો હસ્તક રહેલી બાયોમેટ્રિક સિસ્ટમ અને તેના ડેટા જોખમમાં હોવાથી આ પઘ્ધતિ ફરજિયાતને બદલે મરજિયાત બનાવવા માટે પણ પ્રબળ માગણી ઉઠી છે.
દાહોદમાં 1000 લોકોની ફીંગરપ્રિન્ટ મેળવીને પૈસાની હેરાફેરીનું કારસ્તાન પણ પકડાયું હતું
બે વર્ષ અગાઉ ગુજરાતના દાહોદમાં 1000 લોકોની ફીંગરપ્રિન્ટ મેળવીને પૈસાની હેરાફેરી કરવાનું કારસ્તાન પકડાયું હતું. સસ્તા અનાજથી દુકાન ઉપર આવતાં ગ્રાહકોના ફીંગરપ્રિન્ટ મેળવી લઈ તેના આધારે ઓનલાઈન ડેટા મેળવીને લઈને બનાવટી ડોક્યુમેન્ટસ બનાવીને બેનામી બેન્ક ખાતાં ખોલીને તેમાં પૈસાની હેરાફેરીનું કારસ્તાન બે યુવકો ચલાવતાં હતાં. આધાર કાર્ડ આધારિત નામ, ફોટોગ્રાફ રાખી અન્ય વિગતો તેમજ મોબાઈલ નંબર બદલી નાંખી બે યુવકો બેન્ક ખાતાં ખોલીને બેનંબરી નાણાંની હેરાફેરીનું કારસ્તાન ચલાવતાં હતાં. એક જાગૃત મુળ બેન્ક ખાતાં ધારકને તેના ખાતામાં એક લાખ રૂપિયા આવ્યાની જાણ થતાં શંકા ગઈ હતી અને પોલીસનો સંપર્ક કરતાં આખું કૌભાંડ પ્રકાશમાં આવતાં પોલીસે કાર્યવાહી કરી હતી.