Silver Theft: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી થયેલી 117 કિલો ચાંદીની ચોરીનો ભેદ પોલીસએ ઉકેલી લીધો છે. આ મામલામાં દેરાસરના પૂજારી, સફાઈ કર્મચારી દંપતી અને ચોરાયેલી ચાંદી ખરીદનારા બે વેપારીઓ સહિત કુલ પાંચ જણાને પોલીસે ઝડપી લીધા છે.
ધનતેરસના દિવસે પોલીસે 48 કિલોગ્રામ ચાંદી, ચાર મોબાઈલ ફોન, એક પીકઅપ બૉલેરો અને રૂ. 79 હજાર રોકડ કબજે કરી છે. ફરિયાદમાં કુલ 117 કિલો ચાંદીની ચોરી દર્શાવવામાં આવી હતી, જેમાંથી 69 કિલો ચાંદી હજી ગુમ છે. ખાસ વાત એ છે કે દેરાસરમાં ભેટ સ્વરૂપે મળતી ચાંદીનો સત્તાવાર કોઈ હિસાબ રાખવામાં આવતો નહોતો.
કેવી રીતે થઈ ચોરી?
ગત 8 ઑક્ટોબરે દેરાસરમાં ભગવાન શિતલનાથ અને વાસુપૂજ્ય સ્વામીની આંગી ચઢાવવામાં આવી હતી. બે દિવસ બાદ આ આંગી લૉકરમાં મુકવાની પ્રક્રિયા દરમિયાન બે આંગી, બે મુગટ, બે કુંડળ અને દિવાલના અનેક ચાંદીના શણગાર ગાયબ હોવાનું સામે આવ્યું. આ ચોરીની કિંમત આશરે ₹1.64 કરોડ ગણાવવામાં આવી હતી
ચોરીમાં કોણ કોણ સંડોવાયેલા?
તપાસમાં ખુલ્યું કે દેરાસરના પૂજારી મેહુલ હરીસિંહ રાઠોડે 26 મહિનાથી ચોરીની શરૂઆત કરી હતી. તેની સાથે સફાઈ કર્મચારી હેતલ દેવીપૂજક અને તેનો પતિ પણ સંડોવાયેલા હતા. ચોરાયેલી ચાંદી તેઓ બે જૈન વેપારીઓને વેચતા, જેમણે ચાંદી ઓગાળી ચોસલા બનાવી નાખ્યા હતા. ચાંદી વેચીને મળેલા પૈસાથી દંપતીએ વિસનગર નજીક ટેનામેન્ટ અને બૉલેરો ખરીદી હતી.
પોલીસે કેવી રીતે ઉકેલો ભેદ?
ક્રાઈમ શાખાની ટીમે શરૂઆતથી જ શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી હતી. પૂજારી અને સફાઈ દંપતીએ ગુનો કબૂલતા, તેમની માહિતીના આધારે બે વેપારીઓને પણ પકડી પાડવામાં આવ્યા. તેમની પાસે પરથી કુલ 47.3 કિલો ચાંદી મળી આવી. સાથે જ ચાંદી વેચીને ખરીદાયેલી બૉલેરો પણ કબજે કરી લેવામાં આવી છે.
પોલીસની આગળની કાર્યવાહી
પોલીસ હવે બાકી રહેલી ચાંદીની રિકવરી માટે વધુ તપાસ કરી રહી છે. આ કેસ દેરાસર ટ્રસ્ટ માટે ગંભીર ચેતવણીરૂપ બન્યો છે કે ભેટરૂપે આવતી ચાંદી અથવા કિંમતી સામગ્રી માટે યોગ્ય હિસાબી વ્યવસ્થા હોવી આવશ્યક છે.