Chaitar Vasava Tribal Justice Yatra: ચૈતર વસાવાની મુક્તિ માટે AAPનું આદિવાસી મહાસંમેલન, બંને પત્નીઓએ સરકારને કરી વહેલી મુક્તિની અપીલ

Arati Parmar
3 Min Read
Chaitar Vasava Tribal Justice Yatra

Chaitar Vasava Tribal Justice Yatra: રાજકાર્યમાં અવરોધ, અધિકારીઓ પર હુમલો અને ફાયરિંગના કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ આદિવાસીઓ માટે ન્યાયની માગણી કરતાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ધારાસભ્ય ચૈતરની બંને પત્નીઓએ સરકારને ચૈતરને વહેલી તકે મુક્ત કરવાની અપીલ કરી.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી અને દિલ્હીના પૂર્વ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. ડ્રગ્સ માફિયા અને ખનન માફિયા ખુલ્લેઆમ ગુનાઓ કરી રહ્યા છે, પરંતુ સરકારે તેમને જેલમાં પૂરવાને બદલે જનતાના હક માટે અવાજ ઉઠાવનારા ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં પૂરી દીધા છે.

- Advertisement -

ચૈતર આદિવાસીઓ, શ્રમિકો, મજૂરો અને ગરીબોના અધિકારોની વાત કરે છે. તેઓ તેમના માટે જળ, જંગલ અને જમીનની લડાઈ લડે છે. આદિવાસીઓની યોજનાઓમાં થતા કૌભાંડો વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. તેથી સરકાર તેમનો અવાજ દબાવવા માગે છે.

તેમણે આદિવાસીઓને અપીલ કરતાં કહ્યું કે હવે ચૂંટણીમાં જીત કે હાર અલગ બાબત છે, પરંતુ ચૈતર વસાવા સાથે થઈ રહેલા અન્યાયનો બદલો લેવો પડશે.

- Advertisement -

AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્ય સરકારને પડકાર ફેંકતાં કહ્યું કે ચૈતર વસાવાને મુક્ત કરવાનો નિર્ણય વહેલી તકે લઈ લો, અન્યથા 2027માં મતદારો તમને ઘરે બેસાડી દેશે.

ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવા અને બીજી પત્ની વર્ષાબેન વસાવાએ પણ આદિવાસી સંમેલનમાં પોતાના પતિ માટે અવાજ ઉઠાવ્યો.

- Advertisement -

શકુંતલાએ કહ્યું કે ચૈતરે પરિવારની ચિંતા કર્યા વિના આદિવાસીઓના હક માટે જેલમાં જવાનું પસંદ કર્યું. ચૈતર આદિવાસીઓના અધિકારો માટે લડતા રહ્યા છે, તેથી તેમને વારંવાર જેલમાં પૂરવામાં આવે છે.

શકુંતલા વસાવા પોતે પણ ચૈતરની સાથે લગભગ 3 મહિના સુધી જેલમાં રહી ચૂક્યાં છે. ચૈતરભાઈની બીજી પત્ની વર્ષાબેને કહ્યું કે તેમના પતિ જેલમાં છે અને બહાર તેમનો પરિવાર વેદના સહન કરવા મજબૂર છે.

ચૈતરે પોતાના દોઢ વર્ષના દીકરા અને પરિવારની ચિંતા કર્યા વિના હંમેશાં આદિવાસી સમાજ માટે કામ કર્યું છે. આજે આદિવાસી સમાજનો સાથ જ તેમની સૌથી મોટી તાકાત છે.

મહાસંમેલનને AAPના મહામંત્રી મનોજ સોરઠિયા, ધારાસભ્ય હેમંત ખવા, AAPના યુવા નેતા પ્રવીણ રામ, યુવરાજ સિંહ, બ્રજરાજ સિંહ સહિતના નેતાઓએ પણ સંબોધન કર્યું.

આદિવાસીઓના અધિકારો અને ચૈતર વસાવાની મુક્તિની માગણી સાથે આમ આદમી પાર્ટીએ છેલ્લા બે અઠવાડિયાથી ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી ન્યાય યાત્રા કાઢી હતી.

અંબાજીમાં યાત્રાના સમાપન બાદ બુધવારે ગાંધીનગરમાં આદિવાસી મહાસંમેલન દ્વારા AAPએ પોતાની શક્તિનું પણ પ્રદર્શન કર્યું. ધારાસભ્ય વસાવાના ભાઈ હોસ્પિટલમાં દાખલ છે. થોડા દિવસ પહેલાં ધારાસભ્યને ભાઈને મળવા માટે 3 દિવસના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

Share This Article