ગુજરાત સરકાર સામે ત્રણ મોરચે વિરોધનો વંટોળ, કાયમી ભરતી અને પુનઃમૂલ્યાંકન સહિતની માંગણીઓ સાથે કર્મચારીઓ રસ્તા પર
Gandhinagar Protest: દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ ગુજરાતનું પાટનગર ગાંધીનગર ફરી એકવાર વિવિધ આંદોલનોનું કેન્દ્ર બન્યું છે. પોતાની પડતર માંગણીઓ અને સરકારના વાયદાઓ પૂરા ન થવાના મુદ્દે ત્રણ અલગ-અલગ વર્ગના લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. વ્યાયામ શિક્ષકો, ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ અને TATના ઉમેદવારો મોટી સંખ્યામાં ગાંધીનગરમાં એકઠા થયા હતા. એકસાથે ત્રણ મોરચે વિરોધ શરૂ થતાં સરકાર સામે પડકાર ઊભો થયો છે.
કાયમી ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકોનું આંદોલન
ગુજરાતમાં ઓલિમ્પિક યોજવાની તૈયારીઓ વચ્ચે રાજ્યની શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની અછતનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની 5,700 જગ્યાઓ સામે માત્ર 1,700 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. તેમાં પણ મોટાભાગની નિમણૂક કરાર આધારિત હોવાનું જણાવાયું છે.
શિક્ષકોના જણાવ્યા અનુસાર, 19 મહિના પહેલાં સરકારે કાયમી ભરતીની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. આથી રોષે ભરાયેલા વ્યાયામ શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરીને કાયમી ભરતીની માંગ કરી હતી.
એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ સામૂહિક રજા પર
ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કરાર આધારિત કર્મચારીઓ પણ પોતાની માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે. પગારની વિસંગતતા દૂર કરવી, ઇન્ક્રિમેન્ટ અને અન્ય પડતર માંગણીઓ સંતોષવી સહિતના મુદ્દે કર્મચારીઓ સામૂહિક રજા પર ઊતર્યા છે. તેના કારણે આરોગ્ય સેવાઓ પર અસર થવાની શક્યતા છે.
કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી વિશ્વ એઈડ્સ દિવસના સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે.
TATના પરિણામ સામે ઉમેદવારોનો વિરોધ
TATની પરીક્ષાના પરિણામને લઈને પણ ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે. પરીક્ષા આપનારા આશરે 47 હજાર ઉમેદવારોમાંથી લગભગ 30 હજાર ઉમેદવારો નાપાસ થતાં પરિણામની પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે.
પરિણામમાં ભૂલ હોવાની આશંકા વ્યક્ત કરતાં ઉમેદવારોએ પુનઃમૂલ્યાંકનની માંગ કરી છે. મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગરમાં એકઠા થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
સરકાર સામે વધ્યો પડકાર
શિક્ષણ અને આરોગ્ય જેવા મહત્ત્વના ક્ષેત્રો સાથે જોડાયેલા આ ત્રણ આંદોલનોને કારણે સરકાર સામે પડકાર વધ્યો છે. હવે સરકાર આંદોલનકારીઓની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે અને વિરોધનો ઉકેલ કેવી રીતે લાવે છે તેના પર સૌની નજર રહેશે.

