Great Indian Bustard Chick Missing: ગુજરાતમાં લુપ્ત થતી પ્રજાતિ ઘોરાડ (ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ) ને બચાવવા માટે વન વિભાગ દ્વારા કરવામાં આવેલા વર્ષોના પ્રયત્નોને મોટો ઝટકો લાગ્યો છે. કચ્છના નલિયા વિસ્તારમાં લગભગ ૧૦ વર્ષના લાંબા અંતરાલ બાદ જન્મેલું ઘોરાડનું પહેલું બચ્ચું રહસ્યમય રીતે ગુમ થઈ ગયું છે. આ ઘટનાએ પર્યાવરણવિદો અને વન વિભાગને ચિંતામાં મૂકી દીધા છે, કારણ કે આ પક્ષીને બચાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને દિવસ-રાતની મહેનત લગાવવામાં આવી હતી. કચ્છના આ ઘાસિયા મેદાનોમાં હવે માત્ર ત્રણ માદા ઘોરાડ જ બચી છે, ત્યારે આ એકમાત્ર બચ્ચાનું ગુમ થવું એ આ પ્રજાતિના ભવિષ્ય માટે અત્યંત દુઃખદ સમાચાર છે.
જેસલમેરથી નલિયા સુધીની સરોગેસી સફર
આ બચ્ચાનો જન્મ કોઈ સામાન્ય પ્રક્રિયા નહોતી, પણ વિજ્ઞાનીઓની એક જટિલ ‘જંપસ્ટાર્ટ’ ટેકનિકનું પરિણામ હતું. જેસલમેરના બ્રીડિંગ સેન્ટરમાંથી એક ફર્ટાઈલ ઈંડું પસંદ કરી તેને ખાસ ઈનક્યૂબેટરમાં રાખીને ૭૭૦ કિલોમીટર દૂર કચ્છના નલિયા લાવવામાં આવ્યું હતું. ૧૯ કલાકની લાંબી સફર બાદ આ ઈંડાને નલિયાની એક જંગલી માદા ઘોરાડના માળામાં મૂકવામાં આવ્યું હતું. ૨૬ માર્ચ ૨૦૨૬ના રોજ જ્યારે આ ઈંડામાંથી બચ્ચું બહાર આવ્યું, ત્યારે આખા દેશમાં વન્યજીવ પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. આ સફળતાને લુપ્ત થતી પ્રજાતિના પુનર્વસન માટેની સૌથી મોટી જીત માનવામાં આવતી હતી.
વીવીઆઈપી સુરક્ષા પણ ટૂંકી પડી
આ નાનકડા મહેમાનની સુરક્ષા માટે ગુજરાત સરકારે કોઈ કમી રાખી નહોતી. બચ્ચા અને તેની માતા પર નજર રાખવા માટે ૫૦ ગાર્ડ્સની એક સ્પેશિયલ ટીમ ચોવીસે કલાક તૈનાત કરવામાં આવી હતી. જે વિસ્તારમાં માળો હતો ત્યાં જતો રસ્તો સીલ કરી દેવાયો હતો અને ઊંચા વોચ ટાવર પરથી દૂરબીન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવતું હતું. જાણે કોઈ વીવીઆઈપી વ્યક્તિની સુરક્ષા હોય તેમ આ પક્ષીનું ધ્યાન રાખવામાં આવતું હતું. તેમ છતાં, ગત ૧૮ એપ્રિલ પછી આ બચ્ચું અચાનક દેખાતું બંધ થઈ ગયું, જેના કારણે વન વિભાગની ઊંઘ ઉડી ગઈ છે.
કુદરતી શિકારીઓ કે સુરક્ષામાં ચૂક?
હાલમાં વન વિભાગ એવી આશંકા વ્યક્ત કરી રહ્યું છે કે સુરક્ષા ઘેરામાં રહેલી કોઈ નાનકડી ખામીનો લાભ ઉઠાવીને જંગલી કૂતરા, શિયાળ કે જંગલી બિલાડીએ આ બચ્ચાનો શિકાર કરી લીધો હોઈ શકે છે. ૨૪ દિવસના આ માસૂમ પક્ષીના કોઈ અવશેષો હજુ સુધી મળ્યા નથી, પરંતુ આટલા લાંબા સમય સુધી તે માતા સાથે ન દેખાતા તેના જીવિત હોવાની શક્યતા બહુ ઓછી જણાય છે. આ ઘટના બાદ વન વિભાગના અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે આટલા મોટા કાફલા વચ્ચે આ ભૂલ ક્યાં થઈ. જો આ બચ્ચું બચી ગયું હોત, તો તે ગુજરાતમાં ઘોરાડની વસ્તી વધારવાની આશાનું નવું કિરણ બની શક્યું હોત.

