Kalupur Swaminarayan Mercedes: માણકી ઘોડીથી મર્સિડીઝ સુધી: ધર્મના નામે વૈભવી જીવનશૈલી

Arati Parmar
3 Min Read

Kalupur Swaminarayan Mercedes: સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણની ‘માણકી’ ઘોડી સાદગી અને ભક્તિનું પ્રતીક મનાય છે, પરંતુ આજના સમયમાં તેમના વંશજોની જીવનશૈલી તદ્દન બદલાઈ ગઈ છે. તાજેતરમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના લાલજી વજેન્દ્ર પાંડેએ 60 લાખ રૂપિયાની લક્ઝરી મર્સિડીઝ બેન્ઝ (Mercedes-Benz GLA) કાર ખરીદી હોવાના સમાચારથી સોશિયલ મીડિયામાં ચર્ચાઓ જાગી છે. ભક્તોના પરસેવાની કમાણી અને દાન-ધર્માદાના પૈસે આ પ્રકારની જાહોજલાલી ભોગવવી કેટલી યોગ્ય છે, તેવો પ્રશ્ન સામાન્ય માણસના મનમાં ઉઠી રહ્યો છે. બદલાતા સમય સાથે સાધુ અને આચાર્યો ધર્મ પ્રસારને બદલે ભૌતિક સુખ-સુવિધાઓ પાછળ દોડી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે.

ભક્તોનું દાન અને આચાર્યોના મોજશોખ

સામાન્ય હરિભક્ત પોતાની મહેનતની કમાણીમાંથી મંદિરમાં દાન આપે છે, એ આશા સાથે કે ભગવાન તેના પર આશીર્વાદ રાખશે. પરંતુ આ દાનના પૈસા જ્યારે આચાર્ય કે લાલજીના હનીમૂન પ્રવાસ કે મોંઘીદાટ ગાડીઓ પાછળ વપરાય છે, ત્યારે ધર્મની નૈતિકતા પર સવાલ ઊભા થાય છે. અગાઉ લાલજીએ પોતે સ્વીકાર્યું હતું કે તેઓ બાલીમાં હનીમૂન કરવા ગયા હતા. કોઈ નોકરી કે વ્યવસાય ન ધરાવતા ધર્મગુરુઓ પાસે આટલા મોટા ખર્ચ કરવા માટે નાણાં ક્યાંથી આવે છે, તે એક ગંભીર તપાસનો વિષય છે. ‘ભક્તો ભેટ આપે છે’ તેવું બહાનું ધરીને આ પ્રકારના વૈભવને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

- Advertisement -

સંપ્રદાયોમાં મર્સિડીઝનો ક્રેઝ અને કોર્પોરેટ સંસ્કૃતિ

માત્ર કાલુપુર જ નહીં, પરંતુ વડતાલના આચાર્ય અને BAPS જેવી સંસ્થાઓના સાધુઓ પણ લાખો રૂપિયાની લક્ઝરી ગાડીઓમાં ફરતા જોવા મળે છે. કેટલાક લોકો તો BAPS ને ‘કોર્પોરેટ સંસ્થા’ તરીકે પણ ઓળખાવે છે કારણ કે તેમની કામગીરી ધાર્મિક કરતા વ્યવસાયિક વધુ લાગે છે. હિન્દુ ધર્મના ઠેકેદાર હોવાનો દાવો કરતા કથાકારો અને ધર્મગુરુઓ આજે મોંઘા ફોન, આલીશાન બંગલા અને વિદેશ પ્રવાસોના મોહમાં અંધ બની ગયા છે. ધર્મના નામે ડરીને કે વાહવાહી મેળવવા પૈસા આપતા ભક્તો પણ આ અનિષ્ટ પ્રથાને પ્રોત્સાહન આપી રહ્યા છે.

સાચી ભક્તિ અને દાનનો આદર્શ: જલારામ મંદિરનું ઉદાહરણ

શાસ્ત્રોમાં ક્યાંય એવું લખ્યું નથી કે ભગવાનને પૈસા આપવાથી જ મોક્ષ મળે છે, છતાં ભક્તો ભગવાનના નામે પોતાનો પ્રચાર કરવા માટે દાનની જાહેરાતો કરાવે છે. સાચું દાન એ છે જેની કોઈને ખબર ન પડે. આ બાબતમાં વીરપુરનું જલારામ મંદિર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં કોઈ પણ પ્રકારની જાહેરાત કે નોંધ વગર વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. મંદિરમાં જનારો ભક્ત આજે આર્થિક રીતે ખાલી થઈ રહ્યો છે અને મંદિરના સંચાલકો કરોડોની મિલકતો બનાવી રહ્યા છે. જો સમાજ જાગૃત નહીં થાય તો ધર્મના નામે ચાલતી આ લૂંટ અને જાહોજલાલી અટકશે નહીં.

- Advertisement -
Share This Article