કચ્છના રણોત્સવમાં રાજસ્થાનનો પ્રભાવ ઓછો થયો

Reena Brahmbhatt
4 Min Read

ભુજ, તા. 9 : કચ્છના ધોરડો પાસેના સફેદ રણમાં 2005થી પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે યોજાતા રણોત્સવે દેશ દુનિયામાં આકર્ષણ જગાવ્યું છે. નવા આકર્ષણ સાથે પ્રવાસીઓની સંખ્યા સતત વધતી જાય છે. ગયા વર્ષે 4.30 લાખ પ્રવાસી આવ્યા હતા. આ સિઝનને ત્રણ મહિનાની વાર છે ત્યારે એક સૌથી મોટા નિર્ણયમાં તંબુનગરી પર રાજસ્થાનનો દબદબો પૂર્ણ થયો છે. હવે ગુજરાતની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાની વિગતો મળી છે.

આજે ગાંધીનગર ખાતે રાજ્યના પ્રવાસન વિભાગની મળેલી બેઠકમાં કચ્છના રણોત્સવ અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મળેલી માહિતી પ્રમાણે છેલ્લા આઠ વર્ષથી રણોત્સવની તંબુનગરીનો ઠેકો મૂળ રાજસ્થાનની કંપની લલુજી એન્ડ સન્સ પાસે હતો. પ્રવાસન વિભાગ તરફથી દબદબો એક જ કંપનીને શા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેવા અનેક સવાલો બેઠકમાં ઊઠયા હતા. એક જ કંપનીને કરોડોની આવક રળી આપતા રણોત્સવનો 4 મહિનાનો ઠેકો આપવામાં આવતો હતો, જેનાથી કમાણી ઉપરાંત જાણે આ રણોત્સવ પ્રવાસન વિભાગનો નહીં?ખાનગી કંપનીનો હોય એ રીતે આઠ વર્ષથી મનમાની ચાલતી હોવાનાય આક્ષેપ થયા હતા. હવે અમદાવાદની પ્રવેગ પ્રા.લિ.ને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાની વિગતો મળી હતી. 2024માં ઓક્ટોબરથી કચ્છનો 19મો રણોત્સવ યોજાશે જેમાં અત્યારે 472થી વધુ તંબુ જુદી જુદી કેટેગરીના લાગશે. ટેન્ટ સિટીમાં આવનારા પ્રવાસીઓની ઉતારા સહિતની તમામ વ્યવસ્થા હવે પ્રવેગ પ્રા.લિ. તરફથી કરવામાં આવનાર છે, ત્યારે વીતેલા 2023માં કચ્છના રણોત્સવમાં 4.30 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

kutch ranotsav 1

સરકારને પ્રત્યેક એક વ્યક્તિની રૂા. 100 પ્રવેશ ફીની રકમ પેટે ચાર મહિનામાં રૂા. 3.75 કરોડની આવક?થઇ હતી. રણોત્સવની જૂની તંબુનગરી છે તેની સામે અલગ વધારાની તંબુનગરી બનાવવાનો પણ પ્રવાસન વિભાગે નિર્ણય કર્યો હતો. અત્યાર સુધી એવું જ મનાતું હતું કે, આ વખતે પણ લલુજી એન્ડ સન્સ પાસે કામ જશે પણ કેટલીક કથિત ફરિયાદોને પગલે રાજ્ય પ્રવાસન વિભાગના સચિવ હારિત શુકલાને પણ કદાચ આ મુદ્દે અચાનક હટાવીને ચૂંટણી વિભાગમાં મોકલવામાં આવ્યા હતા પણ એ તપાસનો વિષય છે. છતાં હવે પછીના રણોત્સવનું કામ પ્રવેગ પ્રા. લિ.ને સોંપવામાં આવ્યું છે. આ કંપનીના માલિક અલ્પેશ પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી રણોત્સવનાં ટેન્ડર માટે પ્રયાસ કર્યા હતા. કેમ કે તેમને સ્ટેચ્યૂ ઓફ?યુનિટી, ધોળાવીરા સહિતના પ્રવાસન સ્થળે તંબુનગરીનો અનુભવ?છે, જેના આધારે કચ્છના ધોરડો ખાતેના રણોત્સવના ટેન્ડરને મંજૂરી મળી હોવાનું જણાવ્યું હતું. `કચ્છમિત્ર’ સાથે વાત કરતાં અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં 472 તંબુ લગાડવાની તૈયારી છે અને આજે જ અમારા ટેન્ડરને પરવાનગી મળી હોવાથી ટૂંક સમયમાં તમામ તૈયારીઓ શરૂ કરી દેવાશે.

- Advertisement -

અમારી કંપનીનું ધોળાવીરા ખાતે સેટઅપ અગાઉથી છે. હવે ભુજમાં ઓફિસ વગેરે શરૂ કરવામાં આવશે. હવે રણોત્સવ પર્યટકો માટે નવું નઝરાણું બને એવા પ્રયાસ કરવામાં આવશે અને નવા આયામ સાથે ઉતારા-સજાવટ, પ્રવેશદ્વાર, રિસેપ્શન, પર્યટકો માટે મનોરંજનની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. આમ તો બુકિંગ વગેરેની વ્યવસ્થા ઓનલાઇન છે. 20 ઓક્ટોબરથી સંપૂર્ણ રીતે રણોત્સવ શરૂ કરી દેવાની તૈયારી?છે. ફેબ્રુઆરી અંત સુધી તો ચાલશે પણ માર્ચમાં કેટલી શક્યતા છે તે ચકાસવામાં આવશે એમ ઉમેર્યું હતું. આમ અત્યાર સુધી તંબુના ઉતારા માટેના ભાવ ખૂબ જ ઊંચા હોવાની ફરિયાદ રહી છે, તો હવે દર ઘટી શકે છે. આ સવાલ સામે તેમણે જણાવ્યું કે, રણમાં ઘરથી વિશેષ સુવિધા આપવાનો અમારો પ્રયાસ રહેશે અને પર્યટકોને પરવડે એવા ભાવ પણ હશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો. રોજ-રોજ નવા સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે એડવેન્ચરની સવલતો પણ વિકસાવવામાં આવશે.

- Advertisement -
Share This Article