શું રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા સામે પરેશ ધનાણી ઉભા રહેશે?
અમદાવાદ, તા. 9 : ગુજરાતમાં આ વખતે ભાજપે લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠક જીતી લેવાની ગણતરી રાખી છે, એમાં પ્રથમવાર બનાસકાંઠા, વલસાડ, પાટણ સહિતની સાત જેટલી બેઠક ઉપર કાંટે કી ટક્કરનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ રાજકોટ બેઠકના ભાજપના દિગજ્જ નેતા એવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામેની વિવાદાસ્પદ ટિપ્પણીથી ભાજપ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે. એવામાં ગત 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાને માત્ર 26 વર્ષની ફૂટડી વયે પરાસ્ત કરનારા પરેશ ધાનાણી રાજકોટમાંથી કોંગ્રેસના ઉમેદવાર બને તેવી શક્યતા આકાર પામી ચૂકી છે.
એકબાજુ રૂપાલા કડવા પાટીદાર છે. બીજીબાજુ ધાનાણી લેઉવા પાટીદાર છે. આમ તો, આ બંને ધૂરંધર મૂળ અમરેલીના છે, પરંતુ અમરેલી લોકસભાની બેઠકને બદલે ભાજપે રૂપાલાને રાજકોટની ભાજપ સૌથી સુરક્ષિત બેઠક પરથી ટિકિટ આપી છે. અત્યાર સુધી રૂપાલાની જીત સામે સંદેહ ન હતો, પરંતુ હવે જ્યારે ક્ષત્રિયોના રોષ અને રૂપાલાને ખસેડવાની જીદ વચ્ચે કોંગ્રેસ તરફથી જો, પરેશ ધાનાણીની ટિકિટ જાહેર કરી દેવાય તો, રાજકોટમાં મતદારોનું સોશિયલ એન્જિનીયરિંગ બગડી શકે છે અને ભાજપ-રૂપાલા માટે પડકારજનક સ્થિતિ સર્જાઈ શકે છે. અહીં નોંધવું ઘટે કે, રાજ્યમાં ભાજપના સ્ટ્રોંગ હોલ્ડ વચ્ચે અમુક બેઠકો એવી છે કે, જ્યાં કોંગ્રેસ પાસે ચૂંટણી મેદાનમાં ભાજપ સામે ટકી શકે એવા ઉમેદવારો મળવા જ મુશ્કેલ છે એટલે કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી અગાઉ અમરેલીના પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું હતું, પરંતુ ધાનાણીને તે વખતે રાજકોટમાં જીત મુશ્કેલ લાગતાં તેમણે કોંગ્રેસ મોવડીઓને ધસીને નન્નો ભણી દીધો હતો. દરમ્યાન, ક્ષત્રિયોના રોષને લઈને સર્જાયેલી સ્થિતિ અને ત્રણવાર રૂપાલાએ માફી માગ્યા છતાં ક્ષત્રિયો રૂપાલાને હટાવવા અથવા હરાવવા મક્કમ રહેતાં સિનારિયો સરપ્રદ બન્યો છે.
ગુજરાત પ્રદેશ ભાજપ મોવડીઓની કક્ષાએ, ભાજપના ક્ષત્રિય નેતાઓની કક્ષાએ તો, આ મામલે સમાધાન થાય તેવા અનેક પ્રયત્નો થઈ ચૂક્યા છે, પણ પરિણામ શૂન્ય આવ્યું છે. હવે બીજી બાજુ અગાઉ ભાજપ હાઈકમાન્ડ સાબરકાંઠા અને વડોદરામાં તેમના ઉમેદવારો સામેના વિરોધને વશ થઈને ઉમેદવારો બદલી ચૂક્યા છે. મહત્ત્વનું છે કે, રાજકોટ બેઠક ઉપર ભાજપની તરફેણનો માહોલ એકાએક બદલાઈ જતાં ધાનાણીના નિકટના ગણાતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિતના પ્રતિનિધિ મંડળે ધાનાણીના નિવાસસ્થાને પહોંચીને તેમને એ શરતે મનાવ્યા હોવાનું મનાય છે કે, જો રાજકોટથી ભાજપના ઉમેદવાર રૂપાલા રહેશે, તો તેમની સામે કોંગ્રેસ તરફથી ધાનાણી ચૂંટણી લડશે અને જો ભાજપ રૂપાલાને બદલીને અન્યને ટિકિટ આપશે તો, ધાનાણી ચૂંટણી નહીં લડે. ગત 2002ની વિધાનસભાની ચૂંટણીમાં તે વખતે પણ ભાજપના દિગ્ગજ ગણાતા પુરુષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસમાંથી 26 વર્ષીય યુવાન પરેશ ધનાણીએ ચૂંટણીમાં પરાસ્ત કરીને પોતે કોંગ્રેસમાં જાયન્ટ કિલર સાબિત થયા હતા. હવે 22 વર્ષ બાદ ફરી એવા સંજોગોએ આકાર લીધો છે કે, ભાજપ અને કોંગ્રેસના મૂળ અમરેલીના બંને જૂના ધૂરંધર રાજકોટ લોકસભાની બેઠક ઉપર આમને સામને આવશે.
