China TBM Export Restrictions: ચીને ટનલ બોરિંગ મશીનની નિકાસ પર લગાવ્યા કડક પ્રતિબંધ, ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પડી શકે છે અસર

Arati Parmar
5 Min Read

China TBM Export Restrictions: ચીને ફરી એકવાર પોતાની ચાલ ચાલી છે. ડ્રેગનની આ ચાલથી દેશના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર અસર પડી શકે છે. ચીને ટનલ બોરિંગ મશીન (TBM)ની નિકાસ પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. મેટ્રો રેલ અને હાઇવેના નિર્માણમાં ઉપયોગમાં લેવાતાં આ ભારે મશીનો પર પ્રતિબંધ મૂક્યા બાદ ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લઈને ચિંતાઓ વધી છે. જોકે, ભારત આ પડકારોનો સામનો કરવા માટે સ્થાનિક સ્તરે પ્રયાસો કરવાની સાથે અન્ય વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યું છે.

ભારત માટે આ મશીનો શા માટે જરૂરી છે?

રેર અર્થ મેગ્નેટની નિકાસ પર પ્રતિબંધ લગાવીને ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્રને પહેલેથી જ ફટકો આપનાર ચીન હવે TBM એટલે કે ટનલ બોરિંગ મશીનને લઈને સામે આવ્યું છે. 3,000 ટન વજનનાં આ મશીનો ભારતના અનેક મોટા પ્રોજેક્ટ્સનો આધાર છે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ દેશનો પ્રથમ 508 કિલોમીટર લાંબો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર છે, જેમાં 7 કિલોમીટર લાંબી દરિયાની નીચેથી પસાર થતી સુરંગનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

અમેરિકા, કેનેડા, યુરોપ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઉપયોગમાં લેવાતાં આ મશીનો પરંપરાગત વિસ્ફોટની સરખામણીમાં સુરંગ ખોદવાની વધુ સુરક્ષિત રીત પૂરી પાડે છે. ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી પસાર થતા હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ્સ માટે આ ટેક્નોલોજી અત્યંત જરૂરી છે. ચીને સ્પષ્ટ કર્યું છે કે નિકાસકારોએ બેવડા ઉપયોગવાળી વસ્તુઓના નિયમો હેઠળ લાઇસન્સ માટે અરજી કરવી પડશે. આ નવો નિયમ 18 નવેમ્બરથી અમલમાં આવી રહ્યો છે.

ભારતને પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો

ચીને ભલે હવે વૈશ્વિક સ્તરે નવી લાઇસન્સિંગ વ્યવસ્થાની ઔપચારિક જાહેરાત કરી હોય, પરંતુ ભારતને 2024થી જ આ મશીનોની આયાતમાં ભારે વિલંબનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે, બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડી નરમાશ આવ્યા બાદ આ જ વર્ષે માર્ચમાં કેટલાંક મશીનો ભારત પહોંચ્યાં હતાં.

- Advertisement -

આ વાત બે વર્ષ પહેલાંની છે. 2024માં દિલ્હી મેટ્રોમાં મુસાફરી દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જર્મનીના તત્કાલીન વાઇસ ચાન્સેલર રોબર્ટ હેબેક સાથેની વાતચીતમાં આ અડચણોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જર્મનીની અગ્રણી કંપની હેરેનકનેક્ટ દ્વારા ચીનમાં બનાવવામાં આવતાં TBMનો ભારતને થતો પુરવઠો અટકાવવામાં આવી રહ્યો હતો. હેરેનકનેક્ટે પણ સ્વીકાર્યું હતું કે ચીનથી ભારતમાં આવતાં મશીનોની કસ્ટમ્સ ક્લિયરન્સ પ્રક્રિયામાં અસાધારણ અડચણો આવી રહી હતી, જેના કારણે કંપની મશીનોની ડિલિવરી પૂરી કરી શકતી નહોતી.

ભારત-ચીન વેપાર અને વધતો તણાવ

નિષ્ણાતોનું માનવું છે કે આ નવી લાઇસન્સિંગ વ્યવસ્થાથી ચીનની સરકારને વેપાર સંબંધિત વાટાઘાટોમાં વધુ દબાણ ઊભું કરવાની તક મળશે. જોકે, તેની વાસ્તવિક અસર બેઇજિંગ આ પ્રતિબંધોનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર નિર્ભર રહેશે.

- Advertisement -

– વેપાર ખાધમાં વધારો: વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ચીન સાથે ભારતની વેપાર ખાધ 69 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 27 ટકા વધુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશમંત્રી એસ. જયશંકર એકતરફી વેપાર સંતુલન અંગે પહેલેથી જ ચિંતા વ્યક્ત કરી ચૂક્યાં છે.

– કડક પગલાં: એક તરફ ભારત વીજળી ક્ષેત્ર જેવા કેટલાક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ચીની રોકાણ માટે દરવાજા ખોલી રહ્યું છે, તો બીજી તરફ એન્ટિ-ડમ્પિંગ તપાસ પણ ઝડપી બનાવવામાં આવી છે. સ્વિસ થિંકટેન્ક ‘ગ્લોબલ ટ્રેડ અલર્ટ’ અનુસાર, જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ભારતે સૌથી વધુ 18 એન્ટિ-ડમ્પિંગ તપાસ શરૂ કરી હતી, જેમાં મુખ્ય નિશાન ચીન હતું.

વૈશ્વિક વેપાર પર મંડરાતો ખતરો

ચીનનાં આ કડક પગલાં એવા સમયે સામે આવ્યાં છે, જ્યારે તે અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) સાથે ઉચ્ચ સ્તરની વ્યાપારિક વાટાઘાટોમાં વ્યસ્ત છે. અમેરિકા સાથે ચીનનો બે મહિનાનો વેપારવિરામ ચાલી રહ્યો છે. બીજી તરફ, યુરોપિયન યુનિયન દ્વારા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને સ્ટીલ પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા બાદ EU અને ચીન વચ્ચે પણ તણાવ ચાલુ છે.

રોડિયમ ગ્રૂપના તાજેતરના અહેવાલ અનુસાર, વિશ્વભરના દેશોના વિરોધ છતાં 2025માં ચીનનો વૈશ્વિક વેપાર સરપ્લસ 1.2 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયો હતો અને આ વર્ષે પણ તે 1 ટ્રિલિયન ડૉલરથી વધુ રહેવાની અપેક્ષા છે. અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ચીનની વધતી નિકાસને કારણે અમેરિકા, જર્મની, કેનેડા અને ઇન્ડોનેશિયા જેવા મોટા દેશોને વૈશ્વિક વેપારમાં નોંધપાત્ર નુકસાન સહન કરવું પડશે.

Share This Article