Monsoon Update : કેરળમાં આ વખતે 24 મેના રોજ ચોમાસાના સત્તાવાર આગમનની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે સામાન્ય રીતે 1 જૂન સુધીમાં ભારતમાં પ્રવેશતું ચોમાસું નક્કી તારીખથી 8 દિવસ વહેલું કેરળ પહોંચી ગયું હતું. જોકે હવે હવામાન વિભાગના અહેવાલ અનુસાર ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત થઇ ચૂકી છે.
મુંબઈમાં અનેક ઠેકાણે રેડ એલર્ટ
મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે કહ્યું કે તટીય કોંકણમાં છેલ્લા બે દિવસથી ભારે પ્રિ મોનસૂન વરસાદ વરસી રહ્યો હતો. મુંબઈમાં હાલમાં આઠ વિસ્તારોને રેડ એલર્ટ પર રખાયા છે. જેમાં બોરિવલી, સાંતાક્રૂજ, પવઈ, મુલુન્ડ, વર્લી, ચેમ્બુર, કોલાબા અને અલીબાગનો સમાવેશ થાય છે. જ્યારે મુંબઈ, થાણે અને કલ્યાણ સહિત વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પર છે.
35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
મહારાષ્ટ્રના ઈતિહાસની વાત કરીએ તો રાજ્યમાં 35 વર્ષમાં પહેલીવાર મોનસૂનનું આટલું વહેલું આગમન થયું છે. આમ તો દક્ષિણ પશ્ચિમ મોનસૂન સામાન્ય રીતે સાત જૂન આજુબાજુ મહારાષ્ટ્ર અને 11 જૂને મુંબઈ પહોંચે છે. હવામાન વિભાગે કોંકણ અને પ.મહારાષ્ટ્રના અમુક ભાગોમાં આગામી થોડા દિવસે માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.