Racial Discrimination in Sports: ભારતના પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણનના તાજેતરના ખુલાસાઓએ આપણા સમાજના એક કદરૂપા અને જૂના જખમને ફરીથી ખોતરી નાખ્યો છે. આ છે ત્વચાના રંગ પ્રત્યેનું આપણું વળગણ. તેમનો આરોપ છે કે ખેલાડી અને કોમેન્ટેટર તરીકે છેલ્લા ચાર દાયકાથી તેમને રંગભેદનો સામનો કરવો પડ્યો, શું આની આપણા પર કોઈ અસર થઈ છે? શું વ્યક્તિ અને સમાજ તરીકે આપણે આનાથી શર્મિંદા છીએ, અથવા એવું કહીને આપણે વાત પૂરી કરી દીધી કે આ મુદ્દો એટલો ગંભીર નથી, જેટલો શિવા બનાવી રહ્યા છે અને આ તો ચાલ્યા કરે છે, લોકોનો ‘ઈરાદો’ ખરાબ નથી હોતો, આ ‘કેઝ્યુઅલ કલરિઝમ’ (casual colorism) છે?
ગુલામીની અસર
આ જ આપણા સમાજ અને ખાસ કરીને સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમની સમસ્યા છે. આપણે સમજવાનો ઇનકાર કરીએ છીએ કે આપણે કલરિઝમ કે રંગભેદ જેવા મીઠા શબ્દો પાછળ છુપાવવાનું બંધ કરવું પડશે. અસલમાં આ નસ્લવાદ (નસ્લીય ભેદભાવ) છે. નસ્લવાદ કે જેની વૈશ્વિક સ્તરે આપણે નિંદા કરીએ છીએ, પરંતુ ૨૦૦ વર્ષની ગુલામીને કારણે તે આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયો છે. તેને આપણે અત્યાર સુધી તોડી શક્યા નથી.
બહાના નહીં, બદલાવ જોઈએ
ભૂલ કરીને પણ તેના પર અડી રહેવાની આદત
હળવા અંદાજમાં (કેઝ્યુઅલ કલરિઝમ) રંગભેદ
ઘર-સમાજમાં બાળકોને સંવેદનશીલ બનાવવા પડશે
બોલચાલમાં અપમાન
રંગ શ્યામ કે કાળો હોય તો ‘કાલુ, કલ્લુ’, પગ ખરાબ હોય તો ‘લંગડો’, એક આંખમાં તકલીફ હોય તો ‘કાણીયો’, વજન વધારે હોય તો ‘મોટું કે જાડીયા’ અને ઓછું હોય તો ‘પતલુ’. આપણે આ ઓળખ સૂચક શબ્દોનો બેધડક ઉપયોગ કરીએ છીએ. આની આદત પણ નાની ઉંમરથી જ પડવા લાગે છે. ફેરનેસ ક્રીમની જાહેરાતોથી શરૂ કરીને રમતગમતના મેદાનોમાં શ્યામ બાળકોને આપવામાં આવતા ‘હાનિરહિત’ હુલામણા નામો સુધી આ ચાલુ રહે છે. જો પીડિતે ક્યારેય ટોક્યા અથવા તેને ખોટું લાગ્યું તો આપણે ‘અનૌપચારિક’ કે ‘અજાણતા’ જેવા શબ્દો પાછળ છુપાઈ જઈએ છીએ, ભૂલ સ્વીકારતા નથી. બસ અહીંથી જ આ નસ્લવાદનું રૂપ લઈ લે છે જે પીડિત માટે અપમાનજનક, ભેદભાવપૂર્ણ અને અમાનવીય બનતું જાય છે.
અન્ય ઘણા કિસ્સાઓ
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમીનો કિસ્સો જ લો. IPL માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમતી વખતે સેમીને તેના સાથી ખેલાડીઓ ‘કાલુ’ કહેતા હતા. ત્યારે સેમીએ વિચાર્યું કે આ પ્રેમનો શબ્દ છે. વર્ષો પછી તેમને આના અપમાનજનક નસ્લીય અર્થની ખબર પડી. ‘ડ્રેસિંગ રૂમની મસ્તી’ ના ઓઠા હેઠળ નસ્લીય અપશબ્દનો ઉપયોગ કરવામાં સહજતા દર્શાવે છે કે આ ઝેરીલુંપણું કેટલું સામાન્ય બની ગયું છે. તેવી જ રીતે, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદને સ્ટમ્પ માઈક પર દક્ષિણ આફ્રિકાના બોલર એન્ડિલ ફેહલુકવાયોને ‘કાલિયા’ કહેતા પકડવામાં આવ્યો હતો. તો વળી, પૂર્વ ભારતીય ઓપનર અભિનવ મુકુંદે જણાવ્યું હતું કે કઈ રીતે તેના રંગને લઈને ટિપ્પણીઓ થતી હતી.
સમસ્યાનું મૂળ
જ્યારે આ કિસ્સાઓ સામે આવે છે, ત્યારે બચાવમાં હંમેશા એક જ વાત કહેવામાં આવે છે – મારો તેવો મતલબ નહોતો. આ જ સમસ્યાનું મૂળ છે. આપણો સમાજ ગોરાને સારા અને શ્યામ/કાળાને ઉતરતા માનવા માટે એટલો ટેવાઈ ગયો છે કે બોલનારાઓને ખરેખર લાગે છે કે તેઓ કંઈ ખોટું નથી કરી રહ્યા. તેઓ એ સમજવામાં નિષ્ફળ જાય છે કે ત્વચાના રંગને લેબલ કે મજાક તરીકે ઉપયોગ કરીને તેઓ રંગભેદ અને નસ્લવાદને સ્થાપિત કરી રહ્યા છે.
કરિયરની ચિંતા
સવાલ એ છે કે મુકુંદ, સેમી કે શિવરામકૃષ્ણને તે જ સમયે આનો વિરોધ કેમ ન કર્યો? તો જવાબ એ છે કે ક્રિકેટ અને સ્પોર્ટ્સમાં બુલિંગ કલ્ચર (ધમકાવવાની સંસ્કૃતિ) સામાન્ય છે. એક નવો કે બહારથી આવેલો ખેલાડી લોકર રૂમમાં એડજસ્ટ થવા માંગતો હોય છે, તે ઝઘડો ઈચ્છતો નથી. કરિયર એક મોટો ધ્યેય છે, તેને હાંસિયામાં ધકેલવું એટલું સરળ હોતું નથી. પરંતુ એક સચ્ચાઈ એ પણ છે કે શિવા થી લઈને મુકુંદ સુધી, ચાર દાયકાનો સમયગાળો વીતી ચૂક્યો છે. આ દરમિયાન BCCI ક્યાં હતું?
અપૂરતા ઉપાયો
BCCI એ તાજેતરમાં અન્ડર-૧૯ અને વરિષ્ઠ સ્તરે ક્રિકેટરો માટે મીડિયા તાલીમ અને સંવેદના કાર્યક્રમો શરૂ કર્યા છે, પરંતુ આ ઉપાયો અપૂરતા છે. જ્યાં સુધી કોઈ ખેલાડી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચે છે, ત્યાં સુધી તેના પૂર્વગ્રહો અવારનવાર પાકા થઈ ગયા હોય છે. ફાઈવ સ્ટાર હોટલોમાં સેમિનાર કરવાને બદલે પાયાના સ્તરે – ખાનગી એકેડમી અને સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટરોમાં આવા પ્રોગ્રામ કરવા જોઈએ.
સમાજની જવાબદારી
આપણા ઘર-સમાજમાં જે થઈ રહ્યું છે, ખેલાડીઓએ તે જ અનુભવ્યું. જો કોઈ પોતાના માતા-પિતા કે વડીલો પાસેથી કોઈના રંગ પર કોમેન્ટ સાંભળતા મોટું થયું છે, તો અપેક્ષા ન રાખી શકાય કે તે આગળ જતાં બીજાના રંગનું સન્માન કરશે. આપણે કન્ડીશનીંગના આ ચક્રને તોડવું પડશે.

