Sonia-Rajiv Gandhi Lap Controversy: રાહુલ ગાંધીએ પિતા રાજીવ ગાંધી અને માતા સોનિયા ગાંધીના અંગત સંબંધો અને પ્રેમનું જે રીતે વર્ણન કર્યું, તેને લઈને ભાજપના નેતાઓ સવાલો ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે અંગત પારિવારિક જીવનની વાતો જાહેરમાં ન કરવી જોઈએ. તો એક વર્ગ એવો પણ છે, જે તેને યોગ્ય માને છે. ભારતીય સંસ્કૃતિમાં શાસ્ત્રોની દૃષ્ટિએ જોઈએ તો પત્નીને ખોળામાં બેસાડવું સીધા અર્થમાં ક્યાંય અયોગ્ય ગણાવવામાં આવ્યું નથી. ખાસ વાત એ છે કે ભારતીય મંદિરોના સ્થાપત્ય અને મૂર્તિકળામાં આવી અનેક મૂર્તિઓ જોવા મળે છે, જેમાં દેવતાના ખોળામાં દેવીને બેઠેલી દર્શાવવામાં આવી છે. જોકે, તેનો અર્થ માત્ર પતિ-પત્નીના પ્રેમને દર્શાવવાનો નથી, પરંતુ તેને શક્તિ અને ચેતનાના મિલન તરીકે જોવામાં આવે છે.
સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ના વિમોચન દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના માતા-પિતાના સંબંધોનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બંને વચ્ચે કેટલો પ્રેમ હતો અને પિતાના અવસાન પછી માતાનું જીવન કેવી રીતે એકાએક બદલાઈ ગયું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘દર વખતે જમતી વખતે મમ્મી પપ્પાના ખોળામાં બેસતાં હતાં.’ તેમના આ નિવેદન પછી આસામના CM હિમંતા બિસ્વા સરમા સહિત ભાજપના અન્ય નેતાઓએ સવાલો ઉઠાવ્યા હતા. CM હિમંતાએ કહ્યું હતું કે આવી વાતો જાહેર જીવનમાં ન થવી જોઈએ.
ભારતીય સ્થાપત્ય અને મૂર્તિકળામાં આ સામાન્ય છે
ભારતીય સ્થાપત્ય અને મૂર્તિકળામાં દેવીને દેવતાના ખોળામાં, ખાસ કરીને ડાબી જાંઘ પર બેઠેલી દર્શાવવી સામાન્ય બાબત છે. તેનું પહેલું ઉદાહરણ કર્ણાટકના હલેબીડુ સ્થિત હોયસલેશ્વર મંદિરની ઉમા મહેશ્વર પ્રતિમા છે. તેમાં ભગવાન શિવના ખોળામાં દેવી પાર્વતી બેઠેલાં જોવા મળે છે. શિવ નંદી પર સવાર છે.
આ પ્રતિમાનું નિર્માણ 12મી સદીમાં કરાવવામાં આવ્યું હતું, જે હોયસલ વંશ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના મૂર્તિકળા સંબંધિત દસ્તાવેજો અનુસાર, ઉમા મહેશ્વર પ્રતિમા વિશે મત્સ્ય પુરાણમાં જણાવવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે શિવ નંદી પર બિરાજમાન છે. તેમનો જમણો પગ નીચેની તરફ છે. માતા ઉમા શિવની ડાબી જાંઘ પર બેઠેલાં છે. શિવનો એક હાથ દેવીને આલિંગન આપી રહ્યો છે. દેવી પોતાનો હાથ શિવના ગળામાં નાખે છે. પ્રતિમામાં ગણેશ અને કાર્તિકેય પણ છે.
શાક્ત-તાંત્રિક અને વૈષ્ણવ પરંપરામાં તેનો અર્થ શું છે?
શાક્ત પરંપરામાં માતા પાર્વતીને માત્ર શિવનાં પત્ની તરીકે નહીં, પરંતુ સમગ્ર સૃષ્ટિની મૂળ શક્તિ તરીકે દર્શાવવામાં આવ્યાં છે. આદિગુરુ જગદગુરુ આદિ શંકરાચાર્ય દ્વારા સંસ્કૃતમાં રચિત સૌંદર્ય લહરીમાં શિવના ખોળામાં બિરાજમાન ત્રિપુરસુંદરીના ધ્યાન વિશે જણાવવામાં આવ્યું છે. ભારતીય મૂર્તિકળાના ઇતિહાસકાર J.N. Banerjeeએ પોતાના પુસ્તક ‘ધ ડેવલપમેન્ટ ઑફ હિન્દુ આઇકનોગ્રાફી’માં આ પરંપરાનો ઉલ્લેખ કર્યો છે. વૈષ્ણવ પરંપરામાં ભગવાન નરસિંહના ખોળામાં માતા લક્ષ્મી હોવાનો ઉલ્લેખ છે. આ સ્વરૂપને લક્ષ્મી-નરસિંહ કહેવામાં આવ્યું છે.
શાસ્ત્રો અને સ્મૃતિઓમાં આ અંગે શું જણાવવામાં આવ્યું છે?
- મનુસ્મૃતિના અધ્યાય 2, શ્લોક 213-215માં સામાજિક મર્યાદા અને એકાંત અથવા જાહેર વ્યવહારના નિયમો જણાવવામાં આવ્યા છે. આચાર અધ્યાયમાં શિષ્ટાચાર હેઠળ માતા-પિતા અથવા વડીલો દ્વારા બાળકોને ખોળામાં બેસાડવાને સ્નેહનું પ્રતીક માનવામાં આવ્યું છે, પરંતુ પુખ્ત વયના લોકો માટે જાહેર સ્થળોએ સંયમ રાખવો જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે.
- શિવ પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન શિવ અને માતા પાર્વતી, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનાં સ્વરૂપોનું વર્ણન કરતાં પત્નીને ડાબી જાંઘ પર બિરાજમાન દર્શાવવામાં આવ્યાં છે.
- શિલ્પશાસ્ત્ર અને પ્રતિમા વિજ્ઞાનના માનસાર અને મયમતમ જેવા પ્રાચીન સ્થાપત્ય અને શિલ્પગ્રંથોમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવવાના નિયમો આપવામાં આવ્યા છે. તેમાં આલિંગન મૂર્તિ અથવા ઉમા મહેશ્વર સ્વરૂપમાં પત્નીને ડાબી જાંઘ પર સ્થાન આપવાનો શાસ્ત્રીય આધાર મળે છે.
- વાત્સ્યાયનના કામસૂત્રના બીજા અધ્યાયના પ્રકરણ 2.2ના શ્લોક 18માં પ્રેમી-પ્રેમિકાના આલિંગનનો એક પ્રકાર જણાવવામાં આવ્યો છે. તેમાં સ્ત્રી પુરુષના ખોળામાં બેસીને તેને આલિંગન આપે છે, તેનો ઉલ્લેખ છે. તેને ક્ષીરનીરક એટલે કે દૂધ અને પાણીના મિલન જેવું ગણાવવામાં આવ્યું છે.

