નવી દિલ્હી, તા. 18 : સુપ્રીમ કોર્ટે દેશભરમાં રોષ જન્માવનારા કોલકાતાના દુષ્કર્મ-હત્યાકેસને આપમેળે સંજ્ઞાને લીધો છે અને વીસમી ઓગષ્ટે તેની સુનાવણી થશે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની ખંડપીઠ મંગળવારે સવારે જ આ ચકચારી મામલો હાથ ધરશે. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમી તબીબ પર દુષ્કર્મ બાદ ક્રૂર હત્યાના કેસમાં સુપ્રીમ વીસમીએ સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે આર્મી કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સીઝ, સિકંદરાબાદના બીડીએ ડો. મોનિકા સિંહના વકીલ સત્યમ સિંહે ગઈકાલે જ સુપ્રીમ કોર્ટને એક પત્ર લખીને આ શરમજનક ઘટનામાં સ્વત: સંજ્ઞાન લેવા અનુરોધ કર્યો હતો.

સિંહે એવી માંગ કરી હતી કે 14મી ઓગષ્ટે અસામાજીક તત્વો દ્વારા આરજી કર મેડિકલ કોલેજમાં થયેલા હુમલાની પણ તટસ્થ તપાસ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે મેડિકલ કોલેજ અને રાજ્ય સરકાર સામે સવાલો સર્જનારી આ જઘન્ય ઘટનામાં કલકત્તા હાઇકોર્ટે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો હતો. દુષ્કર્મ અને હત્યાને પગલે દેશભરમાં તબીબો દેખાવો કરી રહ્યા છે તો કેન્દ્ર સરકારે પણ ડોક્ટરોની સુરક્ષા માટે સમિતિ રચવાનું એલાન કર્યું છે.
પીડિતાના પરિવારે આરોપ લગાવ્યો છે કે આ સામૂહિક દુષ્કર્મ આચરાયું હતું. ડો. મોનિકા સિંહના વકીલ સત્યમ સિંહે અદાલતને અનુરોધ કર્યો હતો કે 14 ઓગસ્ટના અસમાજીક તત્વો દ્વારા મેડિકલ કોલેજ ઉપર કરવામાં આવેલા હુમલાની પણ નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવામાં આવે. વધુમાં મામલો પેન્ડિંગ રહે ત્યાં સુધી આરજી કાર હોસ્પીટલના કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય દળની તૈનાતીના આદેશની માગ કરવામાં આવી હતી. પત્રમાં તેમણે આરોગ્ય કર્મચારીઓ ઉપર ક્રુર હુમલાની ચિંતાજનક ઘટનાઓમાં વધારાનો હવાલો આપ્યો હતો. ખાસ કરીને કોલકાતાના મેડિકલ કોલેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીજી તરફ કોલકાતાની મેડિકલ હોસ્પિટલમાં થયેલી તોડફોડના કેસમાં ઓછામાં ઓછા 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ટીએમસી કાર્યકર્તા અને અમુક મહિલાઓ સામેલ છે. આરજી કાર હોસ્પીટલમાં રાત્રીના થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન જોરદાર તોડફોડ થઈ હતી. આ ઘટના બાદ પોલીસે 76 લોકોની તસવીર જારી કરી હતી. જેમાંથી 30ની ધરપકડ થઈ શકી છે.

