કેજરીવાલની વચગાળાના જામીનની અરજી સાંભળશે સુપ્રીમ

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 3 : સુપ્રીમ કોર્ટે આજે ઈડીને જણાવ્યું હતું કે, તે દિલ્હીમાં લોકસભા ચૂંટણીને પગલે શરાબનીતિને લગતા નાણાકીય ગેરરીતિના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીનની અરજી પર સુનાવણી કરવા માટે વિચાર કરશે. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે અધિક સોલિસિટર જનરલ એસ.વી. રાજુને જણાવ્યું હતું કે, ધરપકડ સામેની કેજરીવાલની અરજીની સુનાવણીમાં સમય લાગી જાય તેમ છે ત્યારે અદાલત તેમને વચગાળાના જામીનને લઈને તપાસ એજન્સીને સાંભળશે. રાજુએ કહ્યું હતું કે, તેઓ કેજરીવાલને વચગાળાના જામીનનો વિરોધ કરશે. ખંડપીઠે કહ્યું હતું કે, અમે કહીએ છીએ કે, અમે વચગાળાના જામીનની અરજીની સુનાવણી કરશું અમે એમ કહેતા નથી કે અમે વચગાળાના જામીન આપશું. અમે જામીન આપી પણ શકીએ અને ન પણ આપી શકીએ.
kejri 2

સર્વોચ્ચ અદાલતે રાજુને સામીને વચગાળાના જામીન પર દલીલો માટે તૈયાર રહેવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શરાબનીતિના કથિત કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની 21મી માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. નવમી એપ્રિલે હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને બહાલ રાખીને જણાવ્યું હતું કે તેમાં કોઈ ગેરકાયદે બાબત નથી અને કેજરીવાલે અનેક સમન્સ ટાળ્યા હતા તેમજ તપાસમાં જોડાવાનો ઈન્કાર કરતાં ઈડી પાસે વધુ વિકલ્પો રહ્યા નહોતા.

- Advertisement -
Share This Article