West Bengal Annapurna Yojana: પશ્ચિમ બંગાળ સરકારે બુધવારે (૧ જુલાઈ) જાણકારી આપી કે મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) ડેટાના આધાર પર મહિલાઓ માટે નવી શરૂ કરવામાં આવેલી ‘અન્નપૂર્ણા યોજના’ ની લગભગ ૨૬ લાખ અરજીઓ રદ કરી દેવામાં આવી છે, જ્યારે ૧.૩ કરોડથી વધારે અરજીઓ સાચી સાબિત થઈ છે.
રિપોર્ટ મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અન્નપૂર્ણા યોજનાને સામેલ કરી હતી.
ગત ચૂંટણીમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને હરાવીને સત્તામાં આવ્યા બાદ ભાજપની સુવેન્દુ અધિકારી સરકાર દ્વારા ૩ જૂનના રોજ આ યોજના શરૂ કરવામાં આવી હતી. ગયા મહિને રજૂ કરવામાં આવેલા પોતાના પ્રથમ બજેટમાં સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના માટે ૩૬,૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
આ સંબંધમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ એક વહીવટી કાર્યક્રમને સંબોધતા કહ્યું, ‘અમને અન્નપૂર્ણા યોજના માટે લગભગ ૧.૬ કરોડ અરજીઓ મળી હતી. આમાંથી ૧.૩ કરોડથી વધારે અરજીઓ સાચી મળી આવી, જ્યારે લગભગ ૨૬ લાખ અરજીઓને એટલા માટે રદ કરી દેવામાં આવી કારણ કે તેઓ જરૂરી શરતોને પૂર્ણ કરી રહી ન હતી.’
આ કાર્યક્રમમાં દસ લાખથી વધારે લાભાર્થીઓના બેંક ખાતામાં રોકડ લાભ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું, ‘અમે લક્ષ્મી ભંડાર યોજના હેઠળ રોકડ લાભ મેળવતા લાભાર્થીઓનો સર્વે કર્યો. તેમાં જાણવા મળ્યું કે ઓછામાં ઓછા ૨૭ લાખ લોકો કાં તો ભારતના નાગરિક ન હતા અથવા તેમના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ યાદીમાં એવા લાભાર્થીઓ સામેલ હતા જેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, જે બીજી જગ્યાઓ પર જતા રહ્યા હતા, અને કેટલાક એવા લોકો પણ હતા જે અનેક ખાતાઓમાં મદદ લઈ રહ્યા હતા. અમે તેમના નામ હટાવી દીધા કારણ કે ભારતીયો સિવાય કોઈ અન્ય સરકારી લાભ લઈ શકતું નથી.’
માલૂમ હોય કે અન્નપૂર્ણા યોજના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની મહત્વાકાંક્ષી યોજના ‘લક્ષ્મી ભંડાર’ ની જગ્યાએ લાવવામાં આવી છે. લક્ષ્મી ભંડાર યોજના ફેબ્રુઆરી ૨૦૨૧માં સમાજના આર્થિક રીતે નબળા વર્ગોની મહિલાઓને દર મહિને આર્થિક મદદ આપવા માટે શરૂ કરવામાં આવી હતી.
જોકે, મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે જે લોકો બાંગ્લાદેશથી શરણાર્થી તરીકે આવ્યા છે અને જેમણે નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરી છે, અથવા જેમણે સુપ્રીમ કોર્ટના આદેશથી બનેલા અપીલીય ટ્રિબ્યુનલમાં અપીલ કરી છે, તેમને ત્યાં સુધી ફાયદા મળતા રહેશે જ્યાં સુધી તેમના કેસોનો નિકાલ ન થઈ જાય.
મુખ્યમંત્રી અધિકારીએ કહ્યું, ‘લક્ષ્મી ભંડાર યોજના હેઠળ બે કરોડ લાભાર્થીઓમાંથી લગભગ ૧૦ લાખ પુરુષો મળી આવ્યા છે. શું પુરુષોને લક્ષ્મી ભંડાર હેઠળ સહાય મળવી જોઈએ? તેથી, છટણી કરવી જરૂરી બની ગઈ હતી.’
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં SIR દરમિયાન અંતિમ મતદાર યાદી જાહેર થયા બાદ લગભગ ૬૩ લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ સિવાય ૨૭ લાખ કેસો અપીલીય ટ્રિબ્યુનલ પાસે બાકી છે.
માલૂમ હોય કે અન્નપૂર્ણા યોજનાને લઈને ભાજપ સરકાર દ્વારા ૧૨ પાનાના અરજી ફોર્મની પણ આલોચના થઈ હતી.
આ સંબંધમાં સુવેન્દુ અધિકારીએ કહ્યું, ‘૧૨ પાનાના અરજી ફોર્મની કારણસર અમારી આલોચના થઈ હતી. વાસ્તવમાં માત્ર ચાર પાના જ ભરવાના હતા. હવે જ્યારે તમે ફોર્મ ભરી દીધું છે અને તમારો ડેટા સરકારી પોર્ટલ પર અપલોડ થઈ ગયો છે, તો કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ-અલગ યોજનાઓનો ફાયદો ઉઠાવવા માટે તમારે બીજું કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી.’
આ પહેલા મે મહિનામાં સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે ગત તૃણમૂલ સરકારના સમયે લક્ષ્મી ભંડાર યોજના હેઠળ લગભગ ૩૦ લાખ નકલી લાભાર્થીઓને દર મહિને આર્થિક મદદ મળી રહી હતી.

