India vs Sri Lanka Test: ગાલેમાં સૌથી મોટો રન ચેઝ કેટલો? શ્રીલંકા સામે ભારતની લીડ 294 રન થઈ

Arati Parmar
3 Min Read

India vs Sri Lanka Test: ભારતીય ટીમે શ્રીલંકા સામે ગાલે ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 178 રનની લીડ મેળવી. પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઇન્ડિયાએ સ્કોરબોર્ડ પર 478 રન નોંધાવ્યા. શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી. 100 રનની અંદર જ 5 વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ સોનલ દિનુષાએ સદી ફટકારી જ્યારે નિરોશન ડિકવેલાના બેટમાંથી 80 રન આવ્યા. તેના કારણે શ્રીલંકાની ટીમ 284 રન સુધી પહોંચવામાં સફળ રહી. બીજી ઇનિંગમાં ભારતીય ટીમે ચોથા દિવસના લંચ સુધી 116 રન બનાવી લીધા હતા. ટીમની લીડ 294 રનની થઈ ચૂકી છે.

ગાલેમાં સૌથી મોટો રન ચેઝ?

- Advertisement -

ગાલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 1998થી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેદાન પર અત્યાર સુધી ચોથી ઇનિંગમાં માત્ર એક જ વખત 300થી વધુ રનનું ટાર્ગેટ ચેઝ થયું છે. 2022માં શ્રીલંકાએ પાકિસ્તાનને 342 રનનું લક્ષ્ય આપ્યું હતું. બાબર આઝમની કેપ્ટનશિપવાળી ટીમે તેને 6 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધું હતું. અબ્દુલ્લા શફીકે પાકિસ્તાન માટે 160 રનની અણનમ ઇનિંગ રમી હતી.

શ્રીલંકાનો રેકોર્ડ 268 રનનો

- Advertisement -

ગાલેના મેદાન પર ચોથી ઇનિંગમાં શ્રીલંકાએ માત્ર એક જ વખત 100થી વધુ રનનું ટાર્ગેટ ચેઝ કરીને મેચ જીતી છે. 2019માં અહીં શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થયો હતો. તે મેચમાં ન્યૂઝીલેન્ડે 268 રનનું લક્ષ્ય આપ્યું હતું. દિમુથ કરુણારત્નેએ 122 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકાએ મેચ 6 વિકેટથી પોતાના નામે કરી હતી.

શ્રીલંકાએ ગાલેમાં 13 વખત રન ચેઝ કર્યો છે. તેમાં ટીમને 6 જીત અને 6 જ હાર મળી છે. માત્ર એક મેચ ડ્રો રહી હતી. 2008માં ભારતે અહીં શ્રીલંકાને જીતવા માટે ચોથી ઇનિંગમાં 307 રનનું લક્ષ્ય આપ્યું હતું. શ્રીલંકાની ટીમ માત્ર 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 2017માં 550 રનના લક્ષ્ય સામે શ્રીલંકાની ઇનિંગ 245 રનમાં સમેટાઈ ગઈ હતી.

- Advertisement -

ગાલેમાં 50માંથી માત્ર 7 ટેસ્ટ ડ્રો થયા

ગાલેના મેદાન પર 36 વખત ટીમોએ ચોથી ઇનિંગમાં બેટિંગ કરી છે. તેમાં માત્ર બે વખત જ કોઈ ટીમ 300થી વધુનો સ્કોર બનાવી શકી છે. શ્રીલંકા ક્યારેય અહીં ચોથી ઇનિંગમાં 300 રનનો આંકડો પાર કરી શક્યું નથી. અહીં મેચ પણ ખૂબ ઓછા ડ્રો થાય છે. માત્ર ચાર વખત જ ચોથી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ મેચ ડ્રો કરાવી શકી છે. જ્યારે 50 ટેસ્ટ મેચોમાં 43ના પરિણામ આવ્યા છે.

Share This Article