કોહલીએ બનાવ્યા અનેક વિક્રમો
Tuesday, 12 September 2023
કોહલીએ બનાવ્યા અનેક વિક્રમો
નવી દિલ્હી, તા. 12 : વિરાટ કોહલીએ ફરી એક પાકિસ્તાન સામે કહેર મચાવ્યો છે. કોહલીએ સોમવારે પાકિસ્તાન સામે 94 બોલમાં નોટઆઉટ 122 રન કર્યા હતા, જેમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. કોહલીના વન-ડે કેરિયરની આ 47મી સદી હતી, તેમજ આંતરરાષ્ટ્રીય કારકિર્દીની કુલ 77મી સદી થઈ છે. કોહલીએ આ સાથે રેકોર્ડનો વરસાદ કર્યો છે. મેચમાં કોહલી સૌથી ઝડપી 13,000 વન-ડે રન કરનારો ખેલાડી બન્યો છે. તેણે 267 ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા છે. કોહલીએ આ સાથે જ સચિનનો રેકોર્ડ તોડયો છે. સચિને 321 ઇનિંગ્સમાં 13,000 રન પૂરા કર્યા હતા, જ્યારે ત્રીજા નંબરે રિકિ પોન્ટિંગ છે. જેણે 341 ઇનિંગ્સ રમી હતી. કોહલી વન-ડે એશિયા કપમાં સર્વાધિક સદી કરનારા ખેલાડીની યાદીમાં સંયુક્ત રીતે બીજા ક્રમાંકે પહોંચ્યો છે. કોહલીએ એશિયા કપના વન-ડે ફોર્મેટમાં ચાર સદી કરી હતી. શ્રીલંકાના પૂર્વ ખેલાડી સાંગાકારાએ પણ ચાર સદી કરી છે. આ ઉપરાંત કોહલી સૌથી વધારે વખત નોટઆઉટ સદી કરનારો ખેલાડી પણ બન્યો છે. તેણે 17 વખત સદી કરી છે અને સાથે નોટઆઉટ રહ્યો છે. બાદમાં સચિનનું નામ આવે છે જેણે 15 નોટઆઉટ સદી કરી છે. કોહલીએ કે. એલ. રાહુલ સાથે મળીને અન્ય એક રેકોર્ડ પણ બનાવ્યો છે. કોહલી અને રાહુલે પાકિસ્તાન સામે ત્રીજી વિકેટ માટે 233 રનની ભાગીદારી કરી હતી. જે વન-ડે એશિયા કપની સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલાં રેકોર્ડ પાકિસ્તાનના હફીઝ અને જમશેદનાં નામે હતો. બન્નેએ 2012માં ભારત સામે 224 રન કર્યા હતા. આ ઉપરાંત કોહલીએ 2023માં 1000 ઇન્ટરનેશનલ રન પણ કરી લીધા છે. તે એક વર્ષમાં વધુ વખત 1000 રન કરનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમાંકે પહોંચી ગયો છે.