લાહિરુ ઉદારાની 91 રનની ધમાકેદાર ઇનિંગ છતાં શ્રીલંકાનો પરાજય, સાહિબઝાદા ફરહાન મૅન ઑફ ધ મૅચ
Pakistan vs Sri Lanka T20: પાકિસ્તાને શ્રીલંકા સામેની T20 શ્રેણીની શરૂઆત જીત સાથે કરી છે. રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ T20 મેચ પાકિસ્તાને 4 વિકેટે જીતી હતી. પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાએ 8 વિકેટે 182 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 19મી ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ ત્રણ મેચની શ્રેણી છે અને પાકિસ્તાને 1-0ની સરસાઈ મેળવી છે.
શ્રીલંકાના લાહિરુ ઉદારા સદી ચૂકી ગયા
શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને કેપ્ટન કુસલ મેન્ડિસ પ્રથમ જ ઓવરમાં નસીમ શાહનો શિકાર બન્યા. કમિલ મિશારાએ 13 બોલમાં માત્ર 6 રન બનાવ્યા. પાવરપ્લેમાં શ્રીલંકાએ માત્ર 45 રન બનાવ્યા અને બે વિકેટ પણ ગુમાવી દીધી. જોકે, પીચ પર સ્થિર થયા બાદ ઓપનર લાહિરુ ઉદારાએ આક્રમક બેટિંગ કરી. જોકે, કોઈ પણ બેટર લાંબા સમય સુધી તેમની સાથે ટકી શક્યો નહીં. ઉદારાએ 32 બોલમાં અડધી સદી ફટકારી. તેમણે 55 બોલમાં 91 રનની ઇનિંગ રમી.
શ્રીલંકા માટે કમિન્દુ મેન્ડિસે 23, જ્યારે દાસુન શનાકાએ 18 રન બનાવ્યા. પાકિસ્તાની બોલરોએ વધારાના 29 રન આપ્યા. તેના કારણે સ્કોર 182 સુધી પહોંચ્યો. ત્રણ વિકેટ લેનારા નસીમ શાહે વાઇડથી 16 રન આપ્યા. બીજી તરફ, મોહમ્મદ ઇરમાન રંધાવાને બે વિકેટ મળી.
સાહિબઝાદા ફરહાન મૅન ઑફ ધ મૅચ રહ્યા
પાકિસ્તાન માટે ટોચના ક્રમે આક્રમક બેટિંગ કરી. નિયમિત કેપ્ટન બન્યા બાદ પ્રથમ મેચ રમી રહેલા સાહિબઝાદા ફરહાને પ્રથમ વિકેટ માટે ફખર ઝમાન (20) સાથે 5.1 ઓવરમાં 54 રન જોડ્યા. બીજી વિકેટ માટે માજ સદાકત સાથે ફરહાને 92 રનની ભાગીદારી કરી. આ દરમિયાન બંનેએ 52 બોલનો સામનો કર્યો અને મેચને શ્રીલંકાની પહોંચથી સંપૂર્ણપણે દૂર કરી દીધી. સાહિબઝાદા ફરહાને 53 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા. તેમને મૅન ઑફ ધ મૅચ પણ પસંદ કરવામાં આવ્યા. માજ સદાકતે 29 બોલમાં 50 રનની ઇનિંગ રમી. મધ્યક્રમમાં હસન નવાઝ (1), સઈમ અયૂબ (8) અને શાદાબ ખાન (0) ખાસ કંઈ કરી શક્યા નહીં, છતાં શ્રીલંકાને જીત મળી નહીં.

