AI fraud in Financial Sectors: એક તરફ આપણે સૌ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત ચેટબોટમાં કોઈ નવા પ્રકારની સ્ટાઇલમાં ઇમેજ ક્રિએટ કરવાની સગવડ મળે તો એ વાતમાં ગળાડૂબ રહીએ છીએ, ત્યારે બીજી તરફ સાયબર ક્રિમિનલ્સ એઆઇ ચેટિંગની મદદથી ચીટિંગ કરવાની નવી નવી રીતો શોધવામાં ખાસ્સા આગળ નીકળી ગયા છે. ભારત સરકારની સાયબર સિક્યોરિટી સંબંધિત નેશનલ નોડલ એજન્સી CERT-In તથા SISA નામની એક ગ્લોબલ સાયબર સિક્યોરિટી કંપનીએ સાથે મળીને બેંકિંગમાં, ફાયનાન્સિયલ સર્વિસમાં તથા ઇન્સ્યોરન્સ સેકટરમાં ડિજિટલ જોખમો વિશે એક સહિયારો રિપોર્ટ તૈયાર કર્યો છે.
આ રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૫ દરમિયાન આ ત્રણેય સેકટરમાં એઆઇ આધારિત હુમલાનું પ્રમાણ ઘણું વધવાની આશંકા છે. આ રિપોર્ટ અનુસાર એઆઇ આધારિત જોખમો હવે ભવિષ્યની ચિંતા રહી નથી, આ જોખમો હાલની વાસ્તવિકતા બની ગયાં છે. ખાસ કરીને બેંકિંગ, ફાયનાન્શિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ સેકટરમાં તેની અસર તથા વિવિધતા બંને વધી રહ્યાં છે.
આ રિપોર્ટ અનુસાર ભારતમાં ઓનલાઇન પેમેન્ટની દિશામાં ઘણી પ્રગતિ થઈ છે તથા બેંકિંગ, ફાયનાન્શિયલ સર્વિસિસ તથા ઇન્સ્યોરન્સ સેકટરમાં ડિજિટલ ટ્રાન્ઝેકશન્સનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. તેની સાથોસાથ આ બધી બાબતો વધુ ને વધુ જટિલ પણ બની રહી છે એ કારણે સરેરાશ યૂઝર્સમાં તેના ઉપયોગ વિશે ગૂંચવણ રહે છે. સાયબર ક્રિમિનલ્સ આ જ વાતનો ફાયદો ઉઠાવે છે.
આ ત્રણેય ક્ષેત્ર સીધેસીધાં રૂપિયાની આપલે સંબંધિત હોવાથી તેમાં લોકોને ફસાવવાના પ્રયાસો સફળ થવાની શક્યતા પણ વધી જાય છે અને આવી તરકીબ અજમાવનારા લોકોને ઝડપી તથા મોટા ફાયદા મળી શકે છે. હાલમાં ભારતમાં ફિશિંગ એટલે કે અસલી જેવી જ પરંતુ બનાવટી વેબસાઇટ કે એપ તરફ દોરી જઇને તેમના યૂઝરનેમ-પાસવર્ડ મેળવવાની તરકીબ વધુ વિસ્તરી રહી છે. તે જ રીતે અન્ય પદ્ધતિઓથી પણ લોકોના યૂઝરનેમ-પાસવર્ડ મેળવીને છેતરપિંડી કરવાનું પ્રમાણ વધી રહ્યું છે.
વર્ષ ૨૦૨૪ના પહેલા છ મહિના દરમિયાન જ ફિશિંગ એટેક્સમાં પાછલા વર્ષના એટલા સમયગાળાની સરખામણીમાં ૧૭૫ ટકાનો વધારો થયો હતો. આવી છેતરપિંડી કરનારા લોકો હવે એઆઇની મદદથી વધુ સહેલાઈથી વિશ્વાસપાત્ર લાગે એવી ઇમેજ કે વીડિયો ક્રિએટ કરી શકે છે. એને કારણે આવી તરકીબોથી અજાણ લોકો તેમાં ફસાવાનું પ્રમાણ પણ વધતું જાય છે – સાવધ રહેજો!