Bank Locker Rules: બેંક લોકરમાંથી ચોરી થઈ જાય સામાન તો કેટલું મળે છે વળતર, જાણી લો નિયમ?

Arati Parmar
3 Min Read

Bank Locker Rules: બેંક લોકરને સામાન્ય રીતે સૌથી સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે. લોકો પોતાના દાગીના, જરૂરી કાગળો અને કિંમતી સામાન નિશ્ચિત થઈને ત્યાં રાખે છે. પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ દિલ્હીના કીર્તિ નગરમાં પંજાબ નેશનલ બેંકની એક બ્રાંચમાં લોકરમાંથી દાગીના ગાયબ થવાનો આરોપ લાગ્યો છે.

દિલ્હીની એક મહિલા અને તેની સાસુએ જણાવ્યું કે તેમણે પૂરી પ્રોસેસ હેઠળ લોકર ખોલાવ્યું પરંતુ અંદર રાખેલા ૬૦ લાખ રૂપિયાના સોનાના દાગીના મળ્યા નહીં. સમાચાર ફેલાતા જ બીજા લોકર ધારકો પણ ગભરાઈ ગયા અને પોતાના લોકર ચેક કરવા પહોંચી ગયા. પોલીસે તપાસ કરી પરંતુ શરૂઆતી તપાસમાં કોઈ તોડફોડના સંકેત મળ્યા નથી. એવું જણાવવામાં આવ્યું કે લોકર હાલમાં જ ઓપરેટ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ ઘટના બાદ મોટો સવાલ એ ઉભો થયો કે આખરે લોકરમાં રાખેલા સામાનની જવાબદારી કોની છે. લોકો માનીને ચાલે છે કે બેંક પૂરી જવાબદારી લે છે, પરંતુ એવું નથી. ખરેખર બેંક માત્ર જગ્યા અને બેઝિક સેફ્ટી ઉપલબ્ધ કરાવે છે. બેંકને એ જાણકારી નથી હોતી કે અંદર શું રાખવામાં આવ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો મુજબ, જો લોકરમાંથી સામાન ગાયબ થાય છે તો બેંક ત્યારે જ જવાબદાર ગણાશે જ્યારે તેની બેદરકારી સાબિત થાય. જેમ કે સીસીટીવી (CCTV) કામ ન કરવા, સુરક્ષામાં મોટી ખામી અથવા સ્ટાફની ભૂલ. બેદરકારી વગર બેંક પર સીધી જવાબદારી આવતી નથી.

- Advertisement -

એવામાં મનમાં સવાલ જરૂર આવે કે જો તમારા લોકરમાં કિંમતી સામાન રાખ્યો હોય અને તે ચોરી થઈ જાય, તો તમને કેટલું વળતર મળી શકે છે? તો જણાવી દઈએ કે ૨૦૨૨ ના નિયમો અનુસાર, બેંક મહત્તમ લોકરના વાર્ષિક ભાડાના ૧૦૦ ગણા સુધી જ વળતર આપશે.

એટલે કે જો લોકરનું ભાડું ૪૦૦૦ રૂપિયા છે, તો મહત્તમ વળતર ૪ લાખ રૂપિયા હશે, ભલે નુકસાન આનાથી ઘણું વધારે કેમ ન હોય. કુદરતી આફતો જેવી કે પૂર, ભૂકંપ કે આગની કેટલીક સ્થિતિઓમાં બેંક જવાબદાર માનવામાં આવતી નથી. તેથી લોકર લેતી વખતે એગ્રીમેન્ટ ધ્યાનથી વાંચવું જરૂરી છે.

- Advertisement -

જો કોઈ પણ પ્રકારની ગરબડ જણાય તો તરત જ બેંકને લેખિતમાં જાણ કરો અને પોલીસમાં ફરિયાદ નોંધાવો. નાણાકીય સલાહકારો સલાહ આપે છે કે મોંઘા દાગીના અને કિંમતી સામાનનો અલગથી વીમો લેવો એ સમજદારીભર્યું કામ છે. લોકર સુરક્ષા જરૂર આપે છે પણ સંપૂર્ણ ગેરંટી નહીં.

Share This Article