EPFO EDLI scheme: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દેશના કરોડો પગારદાર કર્મચારીઓની સામાજિક સુરક્ષાનો મહત્વનો આધાર છે. પીએફ બચત, પેન્શન અને વીમા જેવી સુવિધાઓ દ્વારા આ સંગઠન કર્મચારીઓ અને તેમના પરિવારને મુશ્કેલ સમયમાં સહારો આપે છે.
EPFO એ એક એવો નિર્ણય લીધો છે, જે કર્મચારીના અવસાનની સ્થિતિમાં પરિવાર માટે મોટી રાહત બની શકે છે. EPFO તરફથી આ નિર્ણય ‘કર્મચારી જમા લિંક્ડ વીમા’ એટલે કે EDLI સ્કીમ સાથે જોડાયેલો છે. આ સ્કીમ હેઠળ કર્મચારીનું મોત થવા પર તેના પરિવાર અથવા નોમિનીને એક નક્કી કરેલી રકમ આપવામાં આવે છે.
EPFO એ હવે આ સ્કીમ હેઠળ મળતી લઘુત્તમ (મિનિમમ) રકમમાં વધારો કર્યો છે, જેનાથી વધુ પરિવારોને સીધો ફાયદો મળશે. નવા નિર્ણય મુજબ EDLI સ્કીમ હેઠળ હવે નોમિની અથવા કાયદેસરના વારસદારને ઓછામાં ઓછા ૫૦,૦૦૦ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે.
પહેલા કેટલાક કિસ્સાઓમાં આ રકમ તેનાથી ઓછી પણ થઈ જતી હતી. હવે નિયમ નક્કી કરી દેવામાં આવ્યો છે કે લઘુત્તમ ચુકવણી નક્કી કરેલી આ લિમિટથી નીચે નહીં જાય. આ નિર્ણયની ખાસ વાત એ છે કે આ માટે ૧૨ મહિનાની સતત નોકરીની શરત પણ જરૂરી રહેશે નહીં.
એટલે કે જો કર્મચારીએ એક વર્ષની સેવા પૂર્ણ ન કરી હોય, તો પણ તેના પરિવારને EDLI સ્કીમનો લઘુત્તમ લાભ મળશે. આનાથી નવા કર્મચારીઓના પરિવારને પણ સુરક્ષા મળશે. એટલું જ નહીં જો કર્મચારીના પીએફ ખાતામાં સરેરાશ બેલેન્સ ૫૦,૦૦૦ રૂપિયાથી ઓછું છે, તો પણ આ લઘુત્તમ ચુકવણી મળશે.
પહેલા ઓછું બેલેન્સ હોવાને કારણે ઘણા કિસ્સાઓમાં રકમ ઘટી જતી હતી. હવે EPFO ના આ પગલાથી દરેક પાત્ર પરિવારને નક્કી કરેલી લઘુત્તમ સહાય મળી શકશે. EPFO કર્મચારીઓ માટે પહેલાથી જ બીજી ઘણી સુવિધાઓ પર કામ કરી રહ્યું છે.
જ્યારે લોકો પીએફમાંથી ATM દ્વારા ઉપાડ (વિડ્રોલ) જેવી સુવિધાઓની અપેક્ષા રાખી રહ્યા છે, તે પહેલા જ EPFO તરફથી આવેલા આ નિર્ણયે ઘણી સુવિધા આપી દીધી છે. હવે દેશના કરોડો EPFO કર્મચારીઓને આનો ફાયદો મળશે.

