IFSC MICR Difference: ડિજિટલ બેંકિંગ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શનના આ યુગમાં IFSC અને MICR કોડ એવા બે ટેકનિકલ શબ્દો છે, જેનો સામનો આપણે લગભગ દરેક વખતે પૈસા ટ્રાન્સફર કરતી વખતે અથવા ચેક બુકનો ઉપયોગ કરતી વખતે કરવો પડે છે. અવારનવાર લોકો આ બંને વચ્ચે મૂંઝવણમાં મુકાઈ જાય છે, પરંતુ બેંકિંગ સુરક્ષા અને સાચા ખાતામાં પૈસા પહોંચાડવા માટે તેમનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. IFSC કોડનો મુખ્ય ઉપયોગ NEFT, RTGS અને IMPS જેવા ઓનલાઇન ફંડ ટ્રાન્ઝેક્શન માટે બેંક બ્રાન્ચની ઓળખ કરવામાં થાય છે, જ્યારે MICR કોડનો ઉપયોગ ચેકની પ્રોસેસિંગ અને ક્લિયરિંગને ઝડપી અને સચોટ બનાવવા માટે કરવામાં આવે છે. ચાલો આ બંને વિશે વિગતવાર જાણીએ…
શું હોય છે IFSC કોડ?
IFSC એટલે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ (Indian Financial System Code). આ એક ખાસ કોડ છે જેનો ઉપયોગ દેશભરની તે બેંક શાખાઓની ઓળખ માટે કરવામાં આવે છે જે NEFT, RTGS, IMPS અથવા અન્ય ઓનલાઇન ફંડ ટ્રાન્ઝેક્શન સેવાઓમાં ભાગ લે છે. IFSC કોડની મદદથી પૈસા મોકલવાની પ્રક્રિયા સુરક્ષિત અને સરળ બની જાય છે.
IFSC કોડ ૧૧ અંકોનો હોય છે અને દરેક બેંક શાખાનો અલગ-અલગ IFSC કોડ હોય છે. આ ૧૧ અંકના કોડમાં પહેલા ચાર અક્ષરો (A-Z) બેંકના નામને દર્શાવે છે, પાંચમો અક્ષર હંમેશા ‘૦’ હોય છે જે ભવિષ્યના ઉપયોગ માટે રિઝર્વ રાખવામાં આવે છે અને છેલ્લા ૬ અંકો બેંક બ્રાન્ચ કોડ દર્શાવે છે. ઉદાહરણ તરીકે જો તમારો IFSC કોડ ICIC0111001 છે, તો તેમાં ICIC બેંકનું નામ (ICICI Bank) અને 111001 બ્રાન્ચ કોડ છે.
શું હોય છે MICR કોડ?
MICR એટલે મેગ્નેટિક ઇંક કેરેક્ટર રેકગ્નિશન (Magnetic Ink Character Recognition). આ એક ખાસ કોડ છે જેને તમે દરેક બેંક ચેક પર જોઈ શકો છો. આ કોડ ચેકની નીચે રહેલી MICR બેન્ડ પર લખાયેલો હોય છે. MICR કોડનો હેતુ બેંકિંગ ટ્રાન્ઝેક્શનની સુરક્ષા વધારવાનો અને ચેકની ઝડપથી ઓળખ કરવાનો છે. આ ટેકનોલોજી ઘણા સમયથી વપરાશમાં છે અને આજે પણ ચેકની ઓળખ માટે ભરોસાપાત્ર માનવામાં આવે છે.
MICR કોડ ૯ અંકોનો હોય છે. તેમાં પહેલા ત્રણ અંકો શહેરનો કોડ (City Code), બીજા ત્રણ અંકો બેંકનો કોડ (Bank Code) અને છેલ્લા ત્રણ અંકો શાખાનો કોડ (Branch Code) દર્શાવે છે. સાથે જ, MICR ને એક વિશેષ મેગ્નેટિક શાહીથી લખવામાં આવે છે, જેને મેગ્નેટિક સ્કેનર સરળતાથી વાંચી શકે છે. જો કોઈએ ચેક સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હોય, તો આ સિસ્ટમ તેને તરત જ પકડી લે છે.

