LPG Cylinder Weight Rules: આજના સમયમાં લગભગ દરેક ઘરમાં એલપીજી (LPG) ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે નવું સિલિન્ડર લગાવતા જ થોડા દિવસોમાં ગેસ ખતમ થઈ જાય છે. ત્યારે મનમાં સવાલ આવે છે કે ક્યાંક સિલિન્ડરમાં ગેસ ઓછો તો નહોતો ને? જો તમારી સાથે પણ આવું થતું હોય, તો આ આર્ટિકલ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. ચાલો જાણીએ ગેસ સિલિન્ડરમાં ગેસ ઓછો હોય તો તમે શું કરી શકો અને થોડી જાગૃતિથી કેવી રીતે તમે છેતરાતા બચી શકો છો.
સિલિન્ડર લેતી વખતે સૌથી જરૂરી કામ
જ્યારે પણ ડિલિવરી બોય તમારા ઘરે ગેસ સિલિન્ડર લઈને આવે, ત્યારે તરત જ સિલિન્ડરનું વજન કરાવો. હોકર પાસે વજન કાંટો હોવો જરૂરી છે. જો તે વજન કરવાની ના પાડે અથવા કહે કે કાંટો નથી, તો તે જ સમયે ગેસ એજન્સી અથવા ડીલરને તેની જાણ કરો. વજન કરાવવું એ તમારો અધિકાર છે.
સિલિન્ડરનું સાચું વજન કેટલું હોવું જોઈએ?
ઘરેલું ગેસ સિલિન્ડરમાં ૧૪ કિલો ૨૦૦ ગ્રામ ગેસ ભરેલો હોય છે. ખાલી સિલિન્ડરનું વજન અલગ-અલગ હોય છે, જે સામાન્ય રીતે ૧૫ કિલોથી ૧૬.૫ કિલોની વચ્ચે હોય છે. આ વજન સિલિન્ડરના ઉપરના ભાગમાં લખેલું હોય છે. દાખલા તરીકે, જો ખાલી સિલિન્ડરનું વજન ૧૬ કિલો હોય, તો ભરેલા સિલિન્ડરનું કુલ વજન ૩૦ કિલો ૨૦૦ ગ્રામ હોવું જોઈએ. જો આનાથી ઓછું વજન નીકળે, તો સમજી લેવું કે ગેસ ઓછો છે.
ઓછો ગેસ મળે તો ક્યાં ફરિયાદ કરવી?
જો વજન કરાવતા ગેસ ઓછો નીકળે, તો તમે તોલમાપ વિભાગમાં ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત ગેસ એજન્સી અને ગ્રાહક સુરક્ષા ફોરમમાં પણ ફરિયાદ નોંધાવી શકાય છે. ફરિયાદ માટે વધુ ઝંઝટ હોતી નથી, તમે સાદા કાગળ પર તમારી વાત લખીને આપી શકો છો. આનાથી તમને મદદ મળી જશે અને આ રીતે તમે તમારી જાતને છેતરપિંડીથી બચાવી શકો છો.
ધ્યાન રાખો કે આંખ મીંચીને સિલિન્ડર લેવો યોગ્ય નથી. વજન કરાવો, સવાલ પૂછો અને જરૂર પડે તો ફરિયાદ કરો.

