Azerbaijan Hijab Ban: અઝરબૈજાને શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂક્યો, બાળકો પણ વિરોધમાં ઉતર્યાં, દેશમાં વિરોધ પ્રદર્શનો

Arati Parmar
3 Min Read

Azerbaijan Hijab Ban: અઝરબૈજાન વિશ્વનો એવો પ્રથમ મુસ્લિમ દેશ બન્યો છે, જેણે શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, સરકારનો આ નિર્ણય હવે તેના માટે જ મુશ્કેલી બની ગયો છે. હિજાબ પર પ્રતિબંધને લઈને શરૂ થયેલા વિવાદ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. તુર્કી અને ઈરાન જેવા દેશો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે પશ્ચિમી દેશો આ નિર્ણયને યોગ્ય પણ ઠેરવી રહ્યા છે. આ બધાની વચ્ચે સૌથી વધુ ધ્યાન ખેંચતું દૃશ્ય એ છે, જેમાં બાળકો પણ હિજાબ પરના પ્રતિબંધનો વિરોધ કરી રહ્યાં છે. તેમાં માત્ર છોકરીઓ જ નહીં, પરંતુ છોકરાઓ પણ આ પ્રતિબંધને ખોટો ગણાવી રહ્યા છે.

અઝરબૈજાનમાં 96 ટકા મુસ્લિમ વસ્તી છે. આ એવો દેશ છે, જ્યાં રેલીઓ અને વિરોધ પ્રદર્શનો બહુ ઓછાં થાય છે. જો કોઈ વિરોધ પ્રદર્શન કરે પણ છે, તો પોલીસ તેને વિખેરી નાખે છે. જોકે, હિજાબ પરના પ્રતિબંધ વિરુદ્ધ થઈ રહેલું તાજેતરનું પ્રદર્શન અત્યાર સુધીનું અભૂતપૂર્વ પ્રદર્શન બની ગયું છે. તેનું કારણ એ છે કે તેમાં બાળકો સીધી રીતે ભાગ લઈ રહ્યાં છે.

- Advertisement -

હિજાબને લઈને શું છે વિવાદ?

અઝરબૈજાને 7 જુલાઈએ સામાન્ય શિક્ષણ કાયદામાં સુધારો કર્યો હતો. તેમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ડ્રેસ કોડનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. 21 સપ્ટેમ્બરે સરકારે આ માટે નવો આદેશ પસાર કર્યો અને શાળામાં યુનિફોર્મના નિયમો વધુ કડક બનાવ્યા. આ આદેશમાં યુનિફોર્મ સિવાય અન્ય કોઈ કપડાં ન પહેરવાની સૂચના આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે તેમાં હિજાબનો કોઈ ઉલ્લેખ નથી અને ન તો એવું લખવામાં આવ્યું છે કે હિજાબ પહેરતી વિદ્યાર્થિનીઓને શાળામાં પ્રવેશ આપવામાં નહીં આવે.

DWના એક અહેવાલ અનુસાર, કેટલીક શાળાઓએ નિયમોનું પોતાની રીતે અર્થઘટન કરીને હિજાબ પહેરતી વિદ્યાર્થિનીઓને શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. 6 ઑક્ટોબરે આ મામલો પ્રથમ વખત સામે આવ્યો હતો.

- Advertisement -

અઝરબૈજાને કયા કાયદા હેઠળ આદેશ પસાર કર્યો?

અઝરબૈજાનના બંધારણની કલમ 18 અનુસાર, રાજ્ય અને ધર્મ અલગ-અલગ છે. રાજ્ય શિક્ષણને ધર્મનિરપેક્ષ રાખવાની જોગવાઈ કરે છે. કલમ 42 અને 48માં તેને શિક્ષણના અધિકાર સાથે જોડવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સરકારના આ પગલાનું સમર્થન કરનારા લોકોની પણ મોટી સંખ્યા છે. તેઓ માને છે કે તમામ વિદ્યાર્થીઓ માટે એકસરખા ડ્રેસના નિયમો લાગુ થવા જોઈએ. જોકે, ટીકાકારોનું કહેવું છે કે ધાર્મિક પોશાકને કારણે છોકરીઓને શાળામાં પ્રવેશ ન આપવો ખોટું છે.

અનેક લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા

અઝરબૈજાનમાં મોટા પાયે થઈ રહેલાં આ વિરોધ પ્રદર્શનોને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમના પર શાળાના કર્મચારીઓ સાથે ઘર્ષણ કરવા અને મિલકતને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. જાહેર વ્યવસ્થાનો ભંગ કરવાના આરોપસર તેમની સામે કલમ 233 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

DWએ પોતાના એક અહેવાલમાં કેટલાક નિષ્ણાતોને ટાંકીને લખ્યું છે કે અઝરબૈજાનનું આ પગલું દેશમાં વધી રહેલા ઈરાનના પ્રભાવ અને કટ્ટર ધાર્મિક જૂથોની વધતી શક્તિનો સામનો કરવાનો પ્રયાસ છે. અઝરબૈજાનની સંસદમાં જાહેર સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓની સમિતિના અધ્યક્ષ ફાઝિલ મુસ્તફાના જણાવ્યા અનુસાર, અધિકારીઓ વિદેશથી પ્રભાવિત ધાર્મિક જૂથોને લઈને ચિંતિત છે.

Share This Article