BLA Attack Pakistan Military Camp: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલા મસ્તુંગ જિલ્લામાં એક મિલિટરી કૅમ્પ પર આત્મઘાતી હુમલો થયો છે. બલૂચિસ્તાનના સશસ્ત્ર અલગતાવાદી સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ આ હુમલાની જવાબદારી લીધી છે. BLAએ હુમલામાં 18 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાનો દાવો કર્યો છે. હુમલો મસ્તુંગ જિલ્લાના કનક વિસ્તારમાં થયો હતો, જ્યાં એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા વાહન વડે મિલિટરી કૅમ્પને ટક્કર મારી હતી. વિસ્ફોટ બાદ બંદૂકોથી સજ્જ BLAના અન્ય લડવૈયાઓએ કૅમ્પ પર હુમલો કર્યો હતો.
હુમલાનો વીડિયો જાહેર કર્યો
બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલાનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં એક વાહન મિલિટરી કૅમ્પ તરફ આગળ વધતું જોવા મળે છે અને ત્યારબાદ તેમાં જોરદાર વિસ્ફોટ થાય છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કૅમ્પની ઇમારત સંપૂર્ણપણે નાશ પામી હતી. તેનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વીડિયોમાં અન્ય હુમલાખોરો પણ જોવા મળે છે, જેઓ હુમલા દરમિયાન નજીકની ચોકીઓ પર ગોળીબાર કરી રહ્યા છે.
The BLA released a video of its recent attack in #Mastung are of #Balochistan, claiming that it had completely destroyed main camp and kill all personnel on spot.
The #BLA stated that two of its units carried out the attack: Majeed Brigade and the Fateh squad.
#Pakistan #Quetta
— Kohzad Baluch (@KohzadBaluch) November 12, 2026
મજીદ બ્રિગેડ અને ફતેહ સ્ક્વૉડે હુમલો કર્યો
BLAએ જણાવ્યું કે આત્મઘાતી હુમલો તેની ફિદાયીન શાખા મજીદ બ્રિગેડે કર્યો હતો, જ્યારે ફતેહ સ્ક્વૉડના સભ્યોએ ત્યારબાદના હુમલામાં ભૂમિકા ભજવી હતી. સંગઠને આત્મઘાતી હુમલાખોરની ઓળખ ઓસામા શાહવાની ઉર્ફે વદ્દૂ તરીકે જણાવી છે. BLAએ દાવો કર્યો છે કે હુમલામાં 18થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે, જ્યારે અનેક ઘાયલ થયા છે.
બલૂચિસ્તાન પોલીસે હુમલાને નિષ્ફળ બનાવ્યાનો દાવો કર્યો
બીજી તરફ, બલૂચિસ્તાન પોલીસે દાવો કર્યો છે કે મિલિટરી કૅમ્પ પરનો હુમલો નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે જવાબી કાર્યવાહીમાં BLAના ત્રણ લડવૈયાઓ માર્યા ગયા છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે આતંકવાદીઓએ વિસ્ફોટકોથી ભરેલા વાહનને સુરક્ષા ચોકી સાથે અથડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફ્રન્ટિયર કોર્પ્સના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરીને તેને નિષ્ફળ બનાવ્યો હતો.
પોલીસ અનુસાર, જોરદાર વિસ્ફોટથી આસપાસનાં રહેણાક મકાનો અને મસ્જિદને નુકસાન થયું છે. આ ઘટનામાં બે સ્થાનિક નાગરિકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય 16 લોકો ઘાયલ થયા છે. પોલીસે એમ પણ જણાવ્યું કે પાકિસ્તાની દળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. જોકે, પોલીસે પાકિસ્તાની સૈનિકોનાં મોત અંગે કોઈ માહિતી આપી નથી.
બે દિવસમાં બીજો મોટો હુમલો
મસ્તુંગ જિલ્લામાં થયેલો હુમલો પાકિસ્તાનમાં બે દિવસની અંદર થયેલો બીજો મોટો હુમલો છે. આ પહેલાં મંગળવારે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પોલીસ ટુકડી પર મોટો હુમલો થયો હતો, જેમાં DCP સહિત 11 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો, જ્યારે KP પોલીસના જવાનો સોનાના ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરવા જઈ રહ્યા હતા. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ આ હુમલાની જવાબદારી લીધી હતી. KP પોલીસે જવાબી કાર્યવાહીમાં TTPના 18 ઉગ્રવાદીઓને માર્યા ગયાનો દાવો કર્યો હતો.

