Donald Trump News : અમેરિકામાં સૌથી મોટું હકાલપટ્ટી અભિયાન, ટ્રમ્પે ગેરકાયદેસર વસાહતો પર કાર્યવાહી કરી!

Arati Parmar
3 Min Read

Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી રેલીઓમાં સત્તા પર આવતા જ ગેરકાયદે વસાહતીઓને સામૂહિક રીતે દેશમાંથી તગેડી મુકવાનું અમેરિકન નાગરિકોને વચન આપ્યું હતું. આ વચનનો અમલ શરૂ થઈ ગયો છે. ટ્રમ્પે સત્તા સંભાળ્યાના ચાર જ દિવસમાં અમેરિકન અધિકારીઓએ ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરતા તેમની ધરપકડ કરી હતી અને તેમને લશ્કરી વિમાનમાં અમેરિકામાંથી તગેડી મૂક્યા હતા. વ્હાઈટ હાઉસનાં પ્રેસ સચિવ કેરોલિન લેવિટે કહ્યું કે, ઈતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન અભિયાન શરૂ થઈ ગયું છે.

ટ્રમ્પ સરકારે ચૂંટણીમાં આપેલા વચનનો અમલ શરૂ કરી દીધો છે. ગેરકાયદે વસાહતીઓની સામુહિક હકાલપટ્ટી અંગે માહિતી વ્હાઈટ હાઉસે જ આપી હતી. વ્હાઈટ હાઉસે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પનો સામૂહિક હકાલપટ્ટી કાર્યક્રમ તેમના પદ સંભાળ્યાના બે દિવસ પછી જ શરૂ થઈ ગયો છે. વ્હાઈટ હાઉસનાં પ્રેસ સચિવ કેરોલિન લેવિટ્ટે ગુરુવારે કહ્યું કે, અમેરિકન અધિકારીઓએ ૫૩૮ ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરી છે અને તેમાંથી અનેકને અમેરિકન સૈન્ય વિમાનમાં જ તેમના વતન તગેડી દેવામાં આવ્યા છે.

- Advertisement -

કેરોલિના લેવિટ્ટેકહ્યું હતું કે, આજે ટ્રમ્પ તંત્રે 538 ગેરકાયદે વસાહતી ગૂનેગારોની ધરપકડ કરી, જેમાં એક શકમંદ આતંકી, ટ્રેન ડી અરાગુઆ ગેંગના ચાર સભ્ય અને સગીરો વિરુદ્ધ જધન્ય જાતીય ગૂનાઓના દોષિત સહિત અનેક ગેરકાયદે ગૂનેગારો સંડોવાયેલા છે. કેટલાક ગેરકાયદે વસાહતિઓ સગીરો સામે સેક્સ ગૂનામાં સંડોવાયેલા છે. ઈતિહાસનું સૌથી મોટું હકાલપટ્ટી અભિયાન શરૂ થઈ ગયું છે. અમે વચન આપ્યું હતું તે વચન પૂરું કરાશે.

લેવિટ્ટે ડિપોર્ટેશન ફ્લાઈટ શરૂ થઈ ગઈ હોવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર દુનિયાને મજબૂત અને એકદમ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે તમે અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરશો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.

- Advertisement -

વ્હાઈટ હાઉસે એક્સ પર અમેરિકન ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ તરફથી ધરપકડ કરાયેલા કેટલાક લોકોના નામ અને તેમણે કરેલા ગુનાની યાદી જાહેર કરી છે. ગૂનામાં બળાત્કાર, બાળકો વિરુદ્ધ જાતીય અત્યાચાર અને ૧૪ વર્ષ અથવા તેનાથી નાની વયના બાળકોનું સતત જાતીય શોષણનો સમાવેશ થાય છે.

રિપબ્લિકનનું નેતૃત્વ ધરાવતા ગૃહે ચોરી અને હિંસાના ગુનાઓના આરોપી ગેરકાયદે વસાહતીઓની અટકાયત માટે જરૂરી બિલ ‘લેકેન રિલે એક્ટ’ને બુધવારે મંજૂરી આપી દીધી હતી. ગેરકાયદે ઈમિગ્રેશન પર આકરી કાર્યવાહી કરવાની ટ્રમ્પની યોજનાઓ પર ટ્રમ્પે કરેલા હસ્તાક્ષર પ્રથમ એવો કાયદો છે, જેને દ્વિપક્ષીય સમર્થન મળ્યું છે.

- Advertisement -

વધુમાં ટ્રમ્પે બુધવારે અમેરિકા-મેક્સિકોની સરહદ સીલ કરવા અને કાયમી કાયદાકીય દરજ્જો ધરાવતા ના હોય તેવા લાખો ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટીના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. તેમણે નિરાશ્રિત છાવણીઓ પણ રદ કરી દીધી છે અને તેમની નવી ઈમિગ્રેશન નીતિઓનો અમલ નહીં કરનારા સ્થાનિક અધિકારીઓ સામે પગલાં લેવાના સંકેત આપ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પ્રમુખપદના શપથ લીધા પઠી અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ગેરકાયદે વસાહતીઓ પર કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટ્સ મુજબ એક આદેશમાં કહેવાયું છે કે છેલ્લા ચાર વર્ષમાં દેશમાં ગેરકાયદે વસાહતીઓનું જાણે પૂર આવ્યું હતું. લાખો ગેરકાયદે વસાહતીઓને અમેરિકામાં આવવા અને વસવાટની મંજૂરી અપાઈ હતી, જે લાંબા સમયથી ચાલી રહેલા ફેડરલ કાયદાનો ભંગ છે.

Share This Article