Dubai Duty Free Lottery: UAEમાં કેરળના બે નસીબદારો પર રૂપિયાનો વરસાદ, લોટરીમાં જીત્યા કરોડો

Arati Parmar
3 Min Read

Dubai Duty Free Lottery: UAEના દુબઈ ડ્યુટી ફ્રી મિલેનિયમ મિલિયોનેર ડ્રોમાં કેરળના બે લોકો, કબીર પૂવાથિંગલ અને મોહમ્મદ શિબિલ થય્યિલે ૧-૧ મિલિયન ડોલર (દરેકે ૯.૫ કરોડ રૂપિયા)નું ઇનામ જીત્યું છે. આ ઇનામ જીતવાની સાથે બંને UAEના સૌથી લોકપ્રિય રેફલ પ્રમોશનમાં જીતનારા ભારતીયોની યાદીમાં સામેલ થઈ ગયા છે. બંનેએ આ જીતને જિંદગી બદલી નાખનારી ગણાવી છે.

ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ મુજબ, અબુ ધાબીમાં રહેતા ૪૮ વર્ષના એવિએશન ઓપરેટર કબીર પૂવાથિંગલ અને શારજાહ એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્રી ઝોનમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા ૩૦ વર્ષના મોહમ્મદ શિબિલ થય્યિલ લકી વિજેતા બન્યા છે. છેલ્લા ૨૨ વર્ષથી UAEમાં રહેતા પૂવાથિંગલે ટિકિટ નંબર ૩૪૭૧ સાથે મિલેનિયમ મિલિયોનેર સિરીઝ ૫૪૭ જીતી. આ ટિકિટ તેમણે ૧૩ જૂને ઓનલાઈન ખરીદી હતી.

- Advertisement -

લગ્નના બીજા મહિને બન્યા વિજેતા

પૂવાથિંગલ પાંચ બાળકોના પિતા છે અને ૧૨ વર્ષથી સતત દુબઈ ડ્યુટી ફ્રી પ્રમોશનમાં ભાગ લઈ રહ્યા હતા. તેમણે પોતાની આ જીતને વર્ષોની મહેનતનું પરિણામ જણાવ્યું છે. તેમણે કહ્યું, ‘આ તક માટે દુબઈ ડ્યુટી ફ્રીનો આભાર. આ જિંદગી બદલી નાખનારો અનુભવ છે. હું બધાને કહીશ કે તેઓ આ તકનો ફાયદો ઉઠાવે.’

- Advertisement -

કેરળના જ મોહમ્મદ શિબિલ થય્યિલ પણ વિજેતા બન્યા છે. શિબિલે ટિકિટ નંબર ૪૮૩૨ સાથે મિલેનિયમ મિલિયોનેર સિરીઝ ૫૪૮ જીતી છે. આ ટિકિટ તેમણે ૧૮ જૂને ઓનલાઈન ખરીદી હતી. થય્યિલ ઓક્ટોબર ૨૦૨૫માં દુબઈ આવ્યા હતા અને હાલ શારજાહ એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્રી ઝોનમાં સેલ્સનું કામ કરે છે. તેમના માટે આ જીત બેવડી ખુશી લઈને આવી છે કારણ કે તેમના લગ્ન એક મહિના પહેલા જ થયા છે.

હું આશ્ચર્યચકિત થઈ ગયો છું: શિબિલ

- Advertisement -

શિબિલે જીત્યા પછી કહ્યું કે તેમને તે જાણીને આશ્ચર્ય થયું કે પ્રમોશનમાં પોતાની માત્ર બીજી ટિકિટ ખરીદ્યા પછી જ તેઓ મિલિયોનેર બની ગયા. તેમણે કહ્યું, ‘તમે મારી જિંદગી બદલી નાખી. આ અત્યાર સુધીની સૌથી મોટી ખુશખબર છે. દુબઈ ડ્યુટી ફ્રીનો ખૂબ ખૂબ આભાર. હું ખૂબ આભારી છું.’

ખલીજ ટાઈમ્સ અનુસાર, કેરળના રહેવાસી આ બે લોકો ૧૯૯૯માં શરૂ થયેલા દુબઈ ડ્યુટી ફ્રી મિલેનિયમ મિલિયોનેર પ્રમોશનને જીતનારા ૨૭૮મા અને ૨૭૯મા ભારતીય નાગરિક છે. લાંબા સમયથી ચાલી રહેલા આ ડ્રોમાં ટિકિટ ખરીદનારાઓમાં ભારતીય નાગરિકો સૌથી મોટું જૂથ છે.

આ લોકો પણ બન્યા વિજેતા

મિલેનિયમ મિલિયોનેર ડ્રો પછી ફાઈનેસ્ટ સરપ્રાઈઝ રેફલમાં વધુ એક ભારતીય પ્રવાસી કૌશલ વેદે મર્સિડીઝ-બેન્ઝ S500 જીતી છે. આ જ ડ્રોમાં કુવૈતમાં રહેતા કેનેડિયન નાગરિક મહમૂદ હરિસીએ પણ ‘ફાઈનેસ્ટ સરપ્રાઈઝ’ પ્રમોશનમાં એપ્રિલિયા RSV4 1100 સુપરબાઈક જીતી છે.

Share This Article