Estonia Defence Minister Resign: એસ્ટોનિયામાં 770 કરોડની સંરક્ષણ ડીલનું કૌભાંડ, ભારતીય કંપની સાથે જોડાયેલા મામલે સંરક્ષણ મંત્રીએ આપ્યું રાજીનામું

Arati Parmar
3 Min Read

Estonia Defence Minister Resign: એસ્ટોનિયાના સંરક્ષણ મંત્રી હૈનો પેવકુરે એક સંરક્ષણ ખરીદી કૌભાંડમાં ફસાયા બાદ રાજીનામું આપી દીધું છે. યુરોપિયન સંઘ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલી 70 મિલિયન યુરો (લગભગ 770 કરોડ રૂપિયા)ની આ સંરક્ષણ ડીલ હેઠળ યુક્રેનની મદદ માટે દારૂગોળો ખરીદવાનો હતો. તેમાં ભારતીય માલિકી ધરાવતી એક કંપની સામેલ હતી. 2022થી એસ્ટોનિયાના સંરક્ષણ મંત્રી રહેલા પેવકુરે બુધવારે મોડી રાત્રે ટીવી પર પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી.

રાજીનામાની જાહેરાત કરતા પેવકુરે કહ્યું કે તેઓ પોતાના મંત્રાલયમાં થયેલી સમસ્યાઓની રાજકીય જવાબદારી લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, “એસ્ટોનિયાની સુરક્ષા કોઈ એક વ્યક્તિનું કામ નથી. તે આપણી સામૂહિક જવાબદારી છે. તેથી આજે મારે સમગ્ર સંરક્ષણ ક્ષેત્રની રાજકીય જવાબદારી લેવી જોઈએ અને યોગ્ય સમયે સંરક્ષણ મંત્રીનું પદ પ્રધાનમંત્રીને સોંપી દેવું જોઈએ.”

- Advertisement -

ભારતીય કંપની સાથે જોડાયેલો છે મામલો

આ મામલો 2024માં એસ્ટોનિયાના સેન્ટર ફૉર ડિફેન્સ ઇન્વેસ્ટમેન્ટ્સ અને ઇટાલીમાં રજિસ્ટર્ડ કંપની ડેટાસેલ SRL વચ્ચેની ડીલ સાથે જોડાયેલો છે. ડેટાસેલ SRLને તે જ વર્ષે ભારતીય કંપની નેકો ડિફેન્સ મ્યુનિશન્સે ખરીદી લીધી હતી. બુધવારે એસ્ટોનિયાના અખબાર ઈસ્સ્તી એક્સપ્રેસે પોતાના અહેવાલમાં જણાવ્યું કે 2024માં એસ્ટોનિયાએ ડેટાસેલ SRL સાથે દારૂગોળો ખરીદવા માટે ડીલ કરી હતી, જેની માલિકી ભારતીય કંપની નેકો ડિફેન્સ મ્યુનિશન્સ પાસે છે.

કંપનીએ અગાઉ બનાવ્યા નહોતા ગોળા

અહેવાલમાં જણાવવામાં આવ્યું કે જે કંપનીઓ પાસેથી ખરીદી માટે ડીલ કરવામાં આવી હતી, તેમાંથી કોઈએ પણ અગાઉ ગોળા બનાવ્યા નહોતા. આ ખરીદી માટે યુરોપિયન પીસ ફેસિલિટીના નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કંપનીને અગાઉથી જ લાખો યુરોનું ચુકવણી કરવામાં આવ્યું હતું. કુલ ઍડવાન્સ પેમેન્ટ લગભગ 7 કરોડ યુરો સુધી પહોંચી ગયું હતું.

- Advertisement -

યુક્રેનને ક્યારેય મળ્યા નહીં હથિયારો

શરૂઆતમાં આશા હતી કે દારૂગોળો થોડા મહિનામાં યુક્રેન પહોંચી જશે, પરંતુ ઉત્પાદનની સમસ્યાઓને કારણે વારંવાર વિલંબ થયો. ઈસ્સ્તી એક્સપ્રેસના અહેવાલ અનુસાર, જ્યારે 2025માં દારૂગોળો મળ્યો ત્યારે તે ખરાબ હોવાનું જાણવા મળ્યું. આ ગોળા ક્યારેય યુક્રેન મોકલવામાં આવ્યા નહોતા. એસ્ટોનિયાએ કૉન્ટ્રાક્ટ રદ કરી દીધો અને નાણાં પરત મેળવવા માટે મામલો આર્બિટ્રેશન કોર્ટમાં લઈ ગયો. એસ્ટોનિયાની પ્રોસિક્યુટર ઑફિસ દ્વારા ખરીદી પ્રક્રિયાની ફોજદારી તપાસ શરૂ થયા બાદ પેવકુર પર રાજીનામું આપવાનું દબાણ વધ્યું હતું.

ડેટાસેલ SRLએ આરોપો નકારી કાઢ્યા

ભારતીય કંપની ડેટાસેલે આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે કૉન્ટ્રાક્ટ રદ થાય તે પહેલાં તેણે સરકારને 59 મિલિયનની કિંમતનો દારૂગોળો સપ્લાય કર્યો હતો. કંપનીએ ઈસ્સ્તી એક્સપ્રેસને જણાવ્યું કે આ સપ્લાય કૉન્ટ્રાક્ટમાં વાસ્તવમાં તેને નુકસાન થયું છે. કંપનીના વકીલે અખબારને કહ્યું કે એસ્ટોનિયાએ સોદો અચાનક રદ કરવા માટે જે કારણો આપ્યા છે, તે વિરોધાભાસી અને વાહિયાત છે.

- Advertisement -
Share This Article