Flydubai Copilot Inspired By 9 11: ફ્લાયદુબઈની ફ્લાઇટ હાઇજેક કરવાના પ્રયાસમાં મોટો ખુલાસો, 9/11ના આતંકી હુમલાથી પ્રેરિત હતો કો-પાઇલટ

Arati Parmar
3 Min Read

ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર આત્મઘાતી હુમલાનું કાવતરું, ભારતીય કેપ્ટન પર હુમલો કરનાર પાઇલટની પૂછપરછમાં ખુલાસો

Flydubai Copilot Inspired By 9 11: દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટને હાઇજેક કરવાનો પ્રયાસ કરવાના આરોપી કો-પાઇલટ હમામ અલ-હમ્મામીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. UAEના અધિકારીઓ અનુસાર, હમ્મામી 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકામાં થયેલા આતંકી હુમલાઓથી પ્રેરિત થઈને ઉડ્ડયન ક્ષેત્રમાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન હમ્મામીએ કબૂલ્યું કે કોમર્શિયલ પાઇલટની તાલીમ લેતાં પહેલાં જ તેના મનમાં આ પ્રકારના હવાઈ હુમલા કરવાની ઇચ્છા મક્કમ થઈ ગઈ હતી.

ભારતીય પાઇલટ પર કર્યો હતો હુમલો

હમ્મામીએ ગત 30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર પર કૉકપિટની અંદર હુમલો કર્યો હતો. આ હુમલામાં મચ્છારને ગંભીર ઈજાઓ થઈ હતી, પરંતુ તેમણે બહાદુરીપૂર્વક સામનો કરીને કૉકપિટનો દરવાજો ખોલી દીધો હતો. ત્યારબાદ ફ્લાઇટમાં સવાર મુસાફરોએ હુમલાખોર કો-પાઇલટને કાબૂમાં લઈ લીધો હતો.

- Advertisement -

ઇઝરાયલના હવાઈમથક પર વિમાન તોડી પાડવાની યોજના

ત્યારબાદ વિમાનનો માર્ગ બદલીને સાઉદી અરેબિયાના તબુકમાં ઉતારવામાં આવ્યું હતું, જ્યાં હમ્મામીને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. બાદમાં તેને અબુ ધાબી મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસકર્તાઓને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે 29 વર્ષના હમ્મામીએ વિમાન પર કબજો મેળવવાની અને તેલ અવીવના બેન ગુરિયન હવાઈમથકના મુસાફર ટર્મિનલને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો કરવાની યોજના બનાવી હતી. તેનો હેતુ ઇઝરાયલના આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર શક્ય તેટલા વધુ લોકોના જીવ લેવાનો હતો.

ઓમાન એરએ ઉડાન ભરવાથી રોક્યો હતો

અહેવાલ અનુસાર, અલ-હમ્મામીએ અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વિમાન ઉડાડવાની તાલીમ પૂર્ણ કરી હતી. ફ્લાયદુબઈમાં જોડાતાં પહેલાં તેણે ઓમાન એર માટે કામ કર્યું હતું, જ્યાં ઉગ્રવાદી વિચારોને કારણે તેને વિમાન ઉડાડવાથી રોકી દેવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તેને બીજા વિભાગમાં કામે રાખવામાં આવ્યો હતો. ફ્લાયદુબઈમાં તેણે માત્ર આઠ મહિના પહેલાં જ કામ શરૂ કર્યું હતું.

- Advertisement -

બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની આતંકવાદ વિરોધી એજન્સીઓ હમામ અલ-હમ્મામીની પૃષ્ઠભૂમિ અને મુસાફરીના ઇતિહાસની તપાસ કરી રહી છે. આ ખુલાસાઓ બાદ વિશ્વભરના ઉડ્ડયન સત્તાધિકારીઓ અને સુરક્ષા નિષ્ણાતોએ પાઇલટોની પૃષ્ઠભૂમિની તપાસ માટે વધુ કડક વ્યવસ્થાની માગ કરી છે. તેમાં વધુ સારી દેખરેખ અને દેશોની સરહદો પાર માહિતીની આપ-લેની વ્યવસ્થામાં સુધારો કરવાની માગનો પણ સમાવેશ થાય છે, જેથી ભવિષ્યમાં આવી સુરક્ષાકીય ક્ષતિઓ અટકાવી શકાય.

- Advertisement -
Share This Article