Gir Somnath Cyber Fraud Operation: ગીર સોમનાથ જિલ્લા પોલીસે ડિજિટલ યુગના સૌથી મોટા આંતરરાજ્ય સાયબર માફિયાઓ સામે લાલ આંખ કરીને એક અભૂતપૂર્વ સફળતા મેળવી છે. સાયબર ગુનેગારો અને મની લોન્ડરિંગ કરનારા નેટવર્કને જડમૂળથી ઉખાડવા માટે ગીર સોમનાથ પોલીસ દ્વારા ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ (Operation Mule Hunt 2.0) શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ પોલીસે આશરે ૩૧૦ કરોડ રૂપિયાના ચકચારી સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. અત્યંત જટિલ ટેકનિકલ તપાસ, ડેટા એનાલિસિસ અને બેંક ખાતાઓની કડીઓ જોડીને પોલીસે આ આખા સ્કેમમાં સંડોવાયેલા ૫ મુખ્ય આરોપીઓને અલગ-અલગ શહેરોમાંથી દબોચી લીધા છે.
ભાડે આપેલા બેંક ખાતાઓના આધારે પીઆઈ ઝણકાતની ટીમે કૌભાંડ પકડ્યું
આ કરોડોના કૌભાંડનો પર્દાફાશ ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એ. ઝણકાત અને તેમની બાહોશ ટીમની મહેનતથી થયો છે. પોલીસે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) અને કેન્દ્રીય ‘સમન્વય પોર્ટલ’ પર દેશભરમાંથી નોંધાયેલી ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું હતું. આ વિશ્લેષણ દરમિયાન કેટલાક એવા શંકાસ્પદ સ્થાનિક બેંક ખાતાઓ સામે આવ્યા, જેમાં અચાનક કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ ખાતાધારકો માત્ર કમિશન મેળવવાની લાલચમાં પોતાના અંગત બેંક એકાઉન્ટ્સ સાયબર ઠગોને ઓપરેટ કરવા માટે ભાડે આપી દેતા હતા.
માત્ર બે જ બેંક ખાતામાંથી ૩૧૦ કરોડના ટ્રાન્ઝેક્શન અને ૨૯૦ ફરિયાદો મળી
પોલીસે જ્યારે શંકાસ્પદ ખાતાઓની બેંક સ્ટેટમેન્ટ મંગાવીને તપાસ કરી ત્યારે ઉચ્ચ અધિકારીઓની પણ આંખો ચાર થઈ ગઈ હતી. તપાસમાં સામે આવ્યું કે ‘બેંક ઓફ ઇન્ડિયા’ના માત્ર એક જ ખાતા સાથે દેશભરની કુલ ૧૯૩ સાયબર ફરિયાદો જોડાયેલી હતી અને તે એકલા ખાતામાંથી જ અંદાજે ૨૮૨ કરોડ રૂપિયાના શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો થયા હતા. આ ઉપરાંત, ‘કેનરા બેંક’ના અન્ય એક ખાતા સાથે ૯૭ ફરિયાદો કનેક્ટેડ હતી, જેમાં ટૂંકા ગાળામાં ૩૭ કરોડ રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન નોંધાયું હતું. આમ, આ બંને બેંક ખાતાઓ મારફતે દેશના નિર્દોષ નાગરિકોને લૂંટીને કુલ ૨૯૦ ગુનાહિત ફરિયાદો સાથે જોડાયેલા ૩૧૦ કરોડ રૂપિયા સગેવગે કરાયા હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે.
વેરાવળ, રાજકોટ અને દ્વારકાથી ૫ સાયબર ઠગોની ધરપકડ કરાઈ
આ આંતરરાજ્ય રેકેટમાં શરૂઆતમાં માત્ર એક આરોપી પોલીસના હાથે ચડ્યો હતો, પરંતુ તેની આકરી પૂછપરછ અને ડિજિટલ પુરાવાઓના આધારે આખું નેટવર્ક ખુલ્લું પડી ગયું હતું. ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને વેરાવળ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા પંથકમાં દરોડા પાડ્યા હતા. ઓપરેશન દરમિયાન પોલીસે આકાશ ભરતકુમાર પાલા (રહે. વેરાવળ), હિરેન રાજગોર (રહે. રાજકોટ), આશુતોષ ઠાકર (રહે. ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા), અજય દાફડા (રહે. રાજકોટ) અને દીપકગીરી અપરનાથી (રહે. વેરાવળ) સહિત કુલ પાંચેય સાગરીતોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
રાજ્યની સૌથી મોટી સાયબર તવાઈ, બેંક ખાતા ભાડે ન આપવા પોલીસની અપીલ
ગીર સોમનાથ પોલીસની આ ઓલ-આઉટ કાર્યવાહીને ગુજરાત રાજ્યમાં સાયબર ગુનાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક સફળતા માનવામાં આવી રહી છે. પકડાયેલા આરોપીઓ ઓનલાઈન ગેમિંગ, ટાસ્ક ફ્રોડ કે ક્રિપ્ટોના નામે છેતરપિંડીના પૈસા આ ખાતાઓમાં મંગાવતા હોવાની શંકાથી પોલીસે વધુ તપાસ તેજ કરી છે. આ કૌભાંડના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે તે જાણવા રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ સાથે પોલીસે જનતાને કડક અપીલ કરી છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને લાલચમાં આવીને પોતાના બેંક ખાતા, એટીએમ કાર્ડ, મોબાઈલ નંબર કે ઓળખના દસ્તાવેજો (આધાર-પાન કાર્ડ) ક્યારેય ભાડે કે વાપરવા આપવા નહીં, અન્યથા સીધા જેલ ભેગા થવાનો વારો આવી શકે છે.

