Gujarat Farmers Protest: ગુજરાતના જગતના તાતની વેદના અને અધિકારોને વાચા આપવા માટે ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત નેજા હેઠળ એક વિશાળ ‘કિસાન અધિકાર યાત્રા’નું રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી અત્યંત આક્રમક મૂડમાં શરૂ થયેલી આ ખેડૂત કૂચ ગાંધીનગર વિધાનસભા ઘેરવા તરફ આગળ વધી રહી હતી. જોકે, કાયદો અને વ્યવસ્થાના બહાને પોલીસ તંત્ર દ્વારા આ ટ્રેક્ટર રેલીને અમદાવાદના ઓગણજ ટોલનાકા પાસે જ બેરિકેડ્સ લગાવીને બળજબરીપૂર્વક રોકી દેવામાં આવી હતી. યાત્રા અટકાવી દેવાતાં આક્રોશિત ખેડૂતોએ ટોલનાકા પર જ એક મોટી વિરોધ સભા ગજવી હતી અને ભાજપ સરકાર સામે આરપારની લડાઈનું એલાન કર્યું હતું.
મુદ્દાઓનો ઉકેલ નહીં આવે તો ૩૦ જૂને આખું ગુજરાત ચક્કાજામ: લાલજી દેસાઈ
કિસાન અધિકાર યાત્રાનું નેતૃત્વ કરી રહેલા વરિષ્ઠ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ (Lalji Desai) સરકારને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ખેડૂતોના સળગતા પ્રશ્નોનું વહેલી તકે વાટાઘાટો દ્વારા નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી ૩૦ જૂને સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેડૂતો દ્વારા ઉગ્ર ચક્કાજામ આંદોલન કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ખેડૂતો પહેલા ૨૬ જૂને જ હાઈવે જામ કરવાના હતા, પરંતુ તે દિવસે ધાર્મિક તહેવાર અને જાહેર રજા હોવાથી સામાન્ય જનતાને હાલાકી ન પડે તે માટે તમામ સંગઠનોએ સર્વસંમતિથી ૩૦ જૂનની તારીખ નક્કી કરી છે. પ્રજાના ટેક્સથી ચાલતું તંત્ર જો હજી પણ કુંભકર્ણની નિંદ્રામાં રહેશે, તો પ્રચંડ જનઆક્રોશનો સામનો કરવા તૈયાર રહે.
સુરેન્દ્રનગર અને કચ્છથી ૧૧૧૧ ખેડૂતો ૩૦૦ ટ્રેક્ટરો સાથે કૂચ પર નીકળ્યા
આ આંદોલન પાછળનું મુખ્ય કારણ સુરેન્દ્રનગર, કચ્છ અને જામનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં કોર્પોરેટ વીજ કંપનીઓ દ્વારા કરાતી દાદાગીરી છે. ખેડૂતોનો ગંભીર આરોપ છે કે, કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી કે યોગ્ય આર્થિક વળતર આપ્યા વિના જ ખાનગી કંપનીઓ તેમના ઊભા પાકવાળા ખેતરોની વચોવચ હાઈટેન્શન વીજ લાઈનના મોટા થાંભલા ઊભા કરી રહી છે. આ અન્યાય સામે સુરેન્દ્રનગર પંથકમાંથી જ આશરે ૩૦૦ જેટલા ટ્રેક્ટરોમાં સવાર થઈને ૧૧૧૧ થી વધુ ખેડૂતો ગાંધીનગર પોતાની વેદના રજૂ કરવા નીકળ્યા હતા, પરંતુ લોકશાહી ઢબે થતા આ વિરોધને પણ સરકારે કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે.
ભાજપ સરકાર અંગ્રેજોની નીતિ પર ચાલીને પ્રજાને લૂંટી રહી છે: અમિત ચાવડા
વિરોધ સભામાં હાજર રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “આજે ગુજરાતમાં અદ્રશ્ય રીતે અંગ્રેજોનું શાસન ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. જે રીતે બ્રિટિશ શાસકો ભારતના ખેડૂતો પર અત્યાચાર ગુજારતા હતા, બિલકુલ તે જ નીતિ પર ચાલીને ભાજપ સરકાર પણ ખેડૂતોને લૂંટી રહી છે.” તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે પોતાની જમીન બચાવવા માંગતા ગરીબ ખેડૂતોને પોલીસના જોરે ડરાવવામાં આવે છે, લાઠીઓ મારવામાં આવે છે અને અવાજ દબાવી દેવાય છે. પરંતુ, આ અન્યાય સામે કિસાન સંગઠનો ઝૂકશે નહીં અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
કિસાન અધિકાર યાત્રામાં સરકાર સમક્ષ રજૂ કરાયેલી ખેડૂતોની મુખ્ય ૫ માંગણીઓ
આ આંદોલન દરમિયાન કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સરકાર સમક્ષ મુખ્ય પાંચ ન્યાયિક માંગણીઓ લેખિત સ્વરૂપે મોકલવામાં આવી છે:
જમીન માપણીમાં થયેલા વ્યાપક કોમ્પ્યુટર દોષોને તાત્કાલિક નિવારવા અને વિકાસના નામે સસ્તા ભાવે થતું ખેડૂતોની જમીનનું ફરજિયાત અધિગ્રહણ અટકાવવું.
દેવાના બોજ તળે દબાયેલા ગુજરાતના તમામ નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોના કૃષિ દેવા સંપૂર્ણપણે માફ કરવા.
તમામ ખેત ઉત્પાદનો તેમજ પશુપાલકોની દૂધ પેદાશોના ચોક્કસ ટેકાના ભાવ (MSP) નક્કી કરી તેની કાનૂની ગેરંટી આપવી.
નકલી દવાઓ અને બિયારણના કાળાબજાર અટકાવીને ખાતર-બિયારણ પ્રજાને વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા.
ખેતી માટે ખેડૂતોને દિવસે ૮ કલાક સીધી અને અવિરત વીજળી આપવી તેમજ ખેતરોમાં લાદવામાં આવેલી વિવાદાસ્પદ સ્માર્ટ મીટર પ્રથા તાત્કાલિક બંધ કરવી.

