Dinosaur Extinction Research: ડાયનાસોરનો અંત પૃથ્વીના ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંથી એક માનવામાં આવે છે, પરંતુ ડાયનાસોર કેવી રીતે લુપ્ત થયા તે પ્રશ્ન હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. સૌથી પ્રચલિત માન્યતા મુજબ લગભગ 6.6 કરોડ વર્ષ પહેલાં ડાયનાસોરનો વિનાશ કરનાર એસ્ટેરોયડ પૃથ્વી સાથે અથડાયો હતો. ઘણા દાયકાઓથી વૈજ્ઞાનિકો આ ઘટનાક્રમ કયા ક્રમમાં બન્યો તે અંગે ચર્ચા કરી રહ્યા હતા. હવે આ વિષય પર નવું સંશોધન સામે આવ્યું છે.
ડેલીમેલના અહેવાલ મુજબ, ઘણા લોકોનું માનવું રહ્યું છે કે એસ્ટેરોયડની ટક્કરના કારણે જ ડાયનાસોરનો અંત આવ્યો હતો. જ્યારે કેટલાકનું માનવું હતું કે તેમના વિનાશનું કારણ ટક્કર બાદ સર્જાયેલી બીજી અસરો હતી. હવે પર્ડ્યુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે આ ચર્ચાનો કાયમી ઉકેલ શોધી લીધો છે.
શું છે નવું સંશોધન?
પર્ડ્યુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની સંશોધન મુજબ એસ્ટેરોયડની ટક્કરથી ઊઠેલા ધૂળના વિશાળ વાદળે સમગ્ર દુનિયામાં આગ ફેલાવી દીધી હતી. તેના કારણે વિકરાળ આગ ભભૂકી ઊઠી અને થોડા જ કલાકોમાં મોટાભાગના પ્રાણીઓ બળીને મૃત્યુ પામ્યા હતા. જે પ્રાણીઓ બચી ગયા હશે, તેઓ પછી ગ્લોબલ વિન્ટર (સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કડકડતી ઠંડી) દરમિયાન મૃત્યુ પામ્યા હશે.
અભ્યાસના મુખ્ય લેખક પ્રોફેસર બ્રાન્ડન જૉનસનના જણાવ્યા મુજબ ધૂળના વાદળને કારણે ગરમી (થર્મલ રેડિએશન) અંદર જ અટવાઈ ગઈ હતી. જેના કારણે એવું લાગતું હતું કે પૃથ્વીની સપાટી અને તેના પર રહેલી દરેક વસ્તુને ખૂબ જ તીવ્ર તાપ પર શેકવામાં આવી રહી હોય. આ જ કારણસર માત્ર ડાયનાસોર જ નહીં પરંતુ અન્ય અનેક પ્રાણીઓ પણ મૃત્યુ પામ્યા હતા.
ચિક્સુલૂબ એસ્ટેરોયડ અંગે દાવો
વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી ચિક્સુલૂબ એસ્ટેરોયડ અંગે દાવો કરતા આવ્યા છે. તે આશરે છથી નવ માઈલ પહોળો અવકાશી પથ્થર હતો, જે લગભગ 6.6 કરોડ વર્ષ પહેલાં મેક્સિકોના યુકાતાન દ્વીપકલ્પ સાથે અથડાયો હતો. જોકે ટક્કર પછીની ઘટનાઓ કયા ક્રમમાં બની હતી તે હજુ સુધી સ્પષ્ટ નહોતું.
જ્યારે એસ્ટેરોયડ પૃથ્વી સાથે અથડાયો ત્યારે ધૂળ અને ખડકોની વરાળથી બનેલું વિશાળ વાદળ ખૂબ ઊંચાઈ સુધી વાતાવરણમાં ફેલાઈ ગયું હતું.
આ ખડકની વરાળનો એક ભાગ ઠંડો પડીને ખડકના નાના-નાના ટીપાંમાં ફેરવાઈ ગયો હતો, જેને સ્ફેરૂલ્સ કહેવામાં આવે છે. આ ટીપાં અથડામણના સ્થળ એટલે કે ક્રેટરથી દૂર સુધી ઉડી ગયા અને ત્યારબાદ ફરીથી પૃથ્વીની સપાટી પર આવીને પડ્યા. અગાઉના અભ્યાસોમાં જાણવા મળ્યું હતું કે આ સ્ફેરૂલ્સ એટલા ગરમ હતા કે ખુલ્લામાં રહેલા પ્રાણીઓને દાઝી શકે, પરંતુ એટલા ગરમ નહોતા કે છોડમાં તરત આગ લાગી જાય.
જૂની પહેલીનો મળ્યો ઉકેલ
ઘણા વૈજ્ઞાનિકોનું માનવું હતું કે મોટા પાયે થયેલા વિનાશ માટે ટક્કર પછી તરત સર્જાયેલી અસરો સંપૂર્ણપણે જવાબદાર નહોતી. નવી સંશોધનમાં પર્ડ્યુ યુનિવર્સિટીની ટીમનું માનવું છે કે તેમને આ પહેલીનો એક મહત્વપૂર્ણ ભાગ મળી ગયો છે.
ખડકોની વિવિધ સ્તરોમાંથી મળેલા નવા પુરાવાના આધારે હવે તેમનું માનવું છે કે ખડકની વરાળનો એક ભાગ સ્ફેરૂલ્સમાં પરિવર્તિત થવા માટે ઠંડો પડ્યો નહોતો, પરંતુ તે વાતાવરણમાં જ રહ્યો હતો.
ધૂળની આ ચાદરે પૃથ્વીની સપાટીનું તાપમાન લગભગ 3.5 ગણું વધારી દીધું હશે. તેના કારણે સ્ફેરૂલ્સ એટલા ગરમ બની ગયા કે તેમણે માત્ર તેમના માર્ગમાં આવેલા પ્રાણીઓને જ નહીં પરંતુ જંગલોમાં પણ અચાનક આગ લગાવી દીધી.
પ્રોફેસર જૉનસનના જણાવ્યા મુજબ જો આ બારીક ધૂળ ન હોત તો પણ ડાયનાસોર માટે તે દિવસ સારો ન હોત. કેટલાક ડાયનાસોર તો તેમ છતાં મૃત્યુ પામ્યા હોત, પરંતુ કદાચ એટલી મોટી આગ ન લાગી હોત કે સમગ્ર જંગલોમાં ફેલાઈ જાય.
યુનિવર્સિટી કોલેજ લંડનના પેલિયોન્ટોલોજિસ્ટ અલ્ફિઓ એલેસેન્ડ્રોએ જણાવ્યું કે અથડામણના સમયે કયા પ્રાણીઓ બચી ગયા અને તેમની શારીરિક વિશેષતાઓ શું હતી તે જાણવા ખૂબ મહત્વપૂર્ણ રહેશે. તેનાથી આખરે એ સમજવામાં મદદ મળશે કે કેટલાક પ્રાણીઓ કેવી રીતે બચી ગયા જ્યારે ડાયનાસોર જેવા અન્ય પ્રાણીઓ બચી શક્યા નહીં.
બારીક ધૂળે પહોંચાડ્યું ભારે નુકસાન
બારીક ધૂળના કારણે ક્રિટેશિયસ યુગના પ્રાણીઓને માનવ માટે 100 ટકા જીવલેણ માનવામાં આવતી થર્મલ રેડિએશનની માત્રાથી લગભગ 17 ગણું વધુ રેડિએશન સહન કરવું પડ્યું હતું. આ તીવ્ર ગરમી ઘાસ, ચીડના પાંદડા, લાઇકન અને સંભવિત રીતે લાકડામાં પણ સીધી આગ લગાવવા માટે પૂરતી હતી.
વાદળોએ સૂર્યપ્રકાશને પણ અવરોધી દીધો હતો. તેથી મનુષ્ય જેવા એવા કોઈપણ પ્રાણી માટે, જે ઇન્ફ્રારેડ પ્રકાશમાં દૂર સુધી જોઈ શકતા નથી, પૃથ્વીની સપાટી કદાચ સંપૂર્ણ અંધકારમય દેખાતી હશે.
વાદળો પર સંશોધન કરનાર એલેક્ઝાન્ડ્રિયા જૉનસને જણાવ્યું કે જો પ્રાણીઓ આગની ગરમીથી બચી પણ ગયા હોત તો પણ આ સૂક્ષ્મ કણોના કારણે તેમના આરોગ્ય પર લાંબા સમય સુધી ગંભીર અસર પડી હોત. જ્યારે ગરમીથી થતા નુકસાન અને શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશતા કણોથી થતા નુકસાનના સમયની સરખામણી કરવામાં આવે છે ત્યારે ગરમીથી થતું નુકસાન ખૂબ ઝડપથી થાય છે.

