ગુજરાતમાં તહેવારોના ટાળે મેઘરાજાએ પધરામણી ; ઉમરપાડામાં નવ ઇંચ

Reena Brahmbhatt
3 Min Read

અમદાવાદ, તા. 24 : તહેવારોના ટાળે મેઘરાજાએ પધરામણી કરતાં ઉત્તરથી લઇને દક્ષિણ, મધ્યથી માંડીને સૌરાષ્ટ્ર સુધી ગુજરાતના 182 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારથી જ ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો છે, તો ક્યાંક મધ્યમ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 9 ઇંચ અને મહેસાણાના વિજાપુરમાં 8 ઇંચથી વધુ નોંધાયો છે. 3 સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોનસૂન ટ્રફ, અૉફસોર ટ્રફ, લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જેના કારણે ફરી એકવાર ગુજરાતમાં ચોમાસું સક્રીય બન્યું છે. જેના લીધે ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી અને મધ્ય ગુજરાતથી માંડી સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 25મી અૉગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે અૉરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને રાજ્યમાં એનડીઆરએફ 8 અને એસડીઆરએફની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે.

- Advertisement -

rain cloud

એનડીઆરએફની 7 વધારાની ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે. વિશિષ્ટ વિસ્તારોમાં, જેમ કે દ્વારકા, જૂનાગઢ, કચ્છ, અને નર્મદા 1-1 ટીમ ઉપલબ્ધ છે. નવસારી, રાજકોટ, સુરત, અને વલસાડમાં પણ એનડીઆરએફ 1-1 ટીમ તૈનાત છે. એસડીઆરએફની ટીમોનો પણ વિશાળ પરિઘ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં 2 ટીમો અને આણંદમાં 1 ટીમ તૈનાત છે. બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, જામનગર, જૂનાગઢ, અને ખેડા જેવા વિસ્તારોમાં 1-1 ટીમો કાર્યરત છે. તેમજ મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, અને રાજકોટમાં 1-1 ટીમો તૈનાત છે. સુરત અને તાપી જિલ્લામાં 1-1 વડોદરામાં 2 ટીમો ઉપલબ્ધ છે. આ તૈયારી તંત્ર અને બચાવ કાર્યમાં સંકલન માટે મહત્વપૂર્ણ છે, જે હાલની દૈનિક સ્થિતિને અનુરૂપ સુરક્ષાનું સુનિશ્ચિત કરે છે.

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 26 અને 27 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઇ છે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તા.27 ઓગસ્ટ સુધી છુટાછવાયા સ્થાળોએ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ રાજ્યભરમાં પધરામણી કરી છે. આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, નવસારી, વલસાડ, તાપી, ડાકોર, આણંદ, સહિત અનેક જગ્યાએ ધોધમાર વરસાદના થયો છે.

Share This Article