લીલા નાળિયેરનો આ હલવો ઘરમાં બનશે કે સફાચટ થઈ જશે, ભુલી જશો બીજી મીઠાઈનો સ્વાદ
મહાશિવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે અને આ દિવસે વ્રત કરવાનું હોય છે. વ્રત દરમિયાન જો તમે મીઠાઈ ખાતા હોય તો આજે તમને નાળિયેરનો હલવો બનાવવાની રીત જણાવીએ. એકવાર જો તમે આ હલવો ઘરે બનાવ્યો તો ઘરના લોકો વારંવાર આ હલવો ખાવાની ડિમાંડ કરશે.
નાળિયેરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. ખાસ અવસર હોય ત્યારે નાળિયેરની મીઠાઈ પણ બને છે. પરંતુ શું તમે લીલા નાળિયેરનો હલવો ક્યારેય ખાધો છે ? એકવાર જો તમે આ હલવો ચાખી લીધો તો તેનો સ્વાદ તમને દાઢે વળગી જશે. મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે ત્યારે વ્રત દરમિયાન તમે આ મીઠાઈ બનાવી શકો છો. ઘરમાં આ મીઠાઈ એકવાર બની તો પછી વારંવાર તેની ડિમાંડ થશે.
નાળિયેરનો હલવો બનાવવા માટેની સામગ્રી
1 તાજા નાળિયેરનું ખમણ
100 ગ્રામ માવો
ઝીણી સમારેલી બદામ
ઝીણા સમારેલા કાજુ
2 ચમચી ઘી
1 કપ દૂધ
1 ચપટી મીઠું
અડધી ચમચી લીલી એલચી
3\4 કપ ખાંડ
નાળિયેરનો હલવો બનાવવાની રીત
નાળિયેરને મોટી ખમણીમાં ઘસી લેવું. ત્યારબાદ એક જાડા તળીયાના પેનમાં ઘી ગરમ કરવું અને તેમાં નાળિયેરના ખમણને બરાબર શેકવું. નાળિયેર બરાબર શેકાઈ જાય પછી તેમાં માવો ઉમેરી 2 મિનિટ કુક કરો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી બરાબર પકાવો. જ્યારે દૂધ બળી જાય અને નાળિયેર ઘટ્ટ થવા લાગે તો તેમાં એલચી પાવડર ઉમેરી 2 મિનિટ પકાવો. આ સ્ટેજ પર તમે હલવામાં કિસમિસ પણ ઉમેરી શકો છો.
છેલ્લે તેમાં ખાંડ ઉમેરી અને ત્યાં સુધી કુક કરો જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય. છેલ્લે તેમાં 1 ચપટી મીઠું ઉમેરો અને 4 થી 5 મિનિટ પકાવો. ત્યારબાદ હલવાને ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી તેના ઉપર કાજુ અને બદામની કતરણ ઉમેરો અને હલવાને ઠંડો થવા દો. હલવો ઠંડો થઈ જાય પછી તેના ટુકડા કરી સર્વ કરો.