Shambhu Border News: પંજાબ પોલીસે શંભૂ બોર્ડર પર એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોને હટાવવા માટે બળપ્રયોગ અને બુલડોઝરનો ઉપયોગ કરાતા ભારે રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. આ મામલે એકતરફ કોંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે, તો બીજીતરફ આમ આદમી પાર્ટી ભાજપને બાનમાં લઈ રહી છે. આ સમગ્ર મામલા વચ્ચે પંજાબ સરકાર બેકફૂટ આવી જતાં, છેવટે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સ્પષ્ટતા કરવી પડી છે.
વેપારીઓ-યુવાઓ પરેશાન થતા ખેડૂતોને હટાવાયા : AAP
શંભૂ બોર્ડર પરથી ખેડૂતોને હટાવવા મુદ્દે આમ આદમી પાર્ટીએ કહ્યું કે, ‘બોર્ડર પર ખેડૂતો દ્વારા થઈ રહેલા વિરોધ-પ્રદર્શનને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, જેના કારણે શંભૂ અને ખનૌરી બોર્ડર બંધ છે. આંદોલન તેમજ બોર્ડર બંધ હોવાના કારણે અનેક વેપારીઓ, યુવાઓ પરેશાન થયા છે, તેથી સરકાર દ્વારા ખેડૂતોને હટાવવામાં આવ્યા છે.
બોર્ડર પર સ્થિતિ બગાડવા પાછળ કેન્દ્ર સરકાર જવાબદાર : સંજય સિંહ
AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે, ‘તમામ સ્થિતિ બગાડવા પાછળ કેન્દ્ર સરકાર જવાબદાર છે. આખો દેશ જાણે છે કે, જ્યારે કેન્દ્ર સરકાર ત્રણ કાળો કાયદો લાવી હતી, ત્યારે અમે લોકોએ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં મને તો ખેડૂતો મુદ્દે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયો હતો. મને ખેંચીને બહાર કાઢવામાં આવ્યો હતો. ખેડૂતોનો મુદ્દો MSP છે, જો કેન્દ્ર સરકાર ઈચ્છે તો એક કલાકની અંતર તેનો નિવેડો લાવી શકે છે. આ મુદ્દાના કારણે ખેડૂતોએ અનેક મહિનાઓ સુધી રસ્તા રોકીને રાખ્યા હતા, તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી, જે યોગ્ય બાબત નથી. અમે લોકોએ ખેડૂતોને સાથ આપ્યો. જ્યારે અરવિંદ કેજરીવાલે સ્ટેડિયમ માંગવામાં આવ્યું ધરપકડ કરવા માટે તો તેમણે ઈન્કાર કરી દીધો હતો.’
પંજાબ પોલીસે ગઈકાલે શંભૂ બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા
ઉલ્લેખનીય છે કે, પંજાબ અને હરિયાણા વચ્ચે આવેલી શંભૂ બોર્ડર પર એક વર્ષથી ખેડૂતો ધરણા પ્રદર્શન પર બેઠા હતા, જેમને પંજાબ પોલીસે ગઈકાલે (19 માર્ચ) હટાવી દીધા છે. પંજાબ પોલીસે ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલ અને સરવનસિંહ પંધેરની અટકાયત કરી હતી. ખેડૂતો ખનૌરી અને શંભૂ બોર્ડર પર માર્ચ કાઢવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આશરે 200 ખેડૂતોની પણ અટકાયત કરાઇ હતી. હાલ ખેડૂતોને દિલ્હી જતા અટકાવવા તેમજ ધરણા સ્થળેથી હટાવવા માટે બન્ને સરહદે ત્રણ હજાર પોલીસ જવાનોને તૈનાત કરાયા છે.
બોર્ડર પર પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયું
ખનૌરી સરહદે માર્ચ કાઢવા જઈ રહેલા આશરે 200 ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ફરી ઘર્ષણ થતા સંગરુર અને પટિયાલા તેમજ ખનૌરી સરહદ આસપાસ ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પંજાબના કેટલાક વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ રખાઇ છે.
ખેડૂતો ફેબ્રુઆરી-2024થી કરી રહ્યા હતા આંદોલન
ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગો સાથે પંજાબથી હજારો ખેડૂતો દિલ્હી કૂચ માટે નિકળ્યા હતા, જેમને હરિયાણાની પોલીસે શંભૂ અને ખનૌરી સરહદે સિમેન્ટના બ્લોક અને ખિલા ધરબીને અટકાવી દીધા હતા. આ દરમિયાન ખેડૂતો પર ખુબ આંસુ ગેસનો મારો ચલાવાયો હતો. જે બાદ ખેડૂતો ત્યાં જ ધરણા પર બેઠા છે. હવે આ ખેડૂતોને હટાવવામાં પંજાબ સરકાર પણ જોડાઇ છે. પંજાબ પોલીસે હાલ ખેડૂતોના તંબુને જેસીબીની મદદથી ઉખાડી નાખ્યા છે. જ્યારે અનેકની અટકાયત કરીને જેલમાં પુરી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસે પંજાબ સરકાર પર કર્યો આક્ષેપ
આ સ્થિતિ વચ્ચે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું હતું કે કાવતરાના ભાગરુપે ખેડૂતો પર હુમલા કરાઇ રહ્યા છે. ખેડૂતોએ નહીં પણ સરકારે રોડ બ્લોક કર્યા છે. ખેડૂતો દિલ્હી આવવા માગે છે, તેમને અટકાવવા પોલીસે રોડ બ્લોક કરી દીધા છે.