Ahmedabad Civil Hospital: સિવિલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી 38% દર્દીઓએ ગુમાવ્યું જીવન, વિધાનસભામાં સરકારનો ખુલાસો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Ahmedabad Civil Hospital: અમદાવાદની સિવિલ મેડિસિટી ખાતે આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC) ખાતે બે વર્ષમાં કિડનીના 848, લીવરના 140 ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ ટ્રાન્સપ્લાન્ટ બાદ કિડનીના 28, લીવરના 54 દર્દીઓના હોસ્પિટલમાં જ મૃત્યુ થયાનું સરકારે  સ્વીકાર્યું છે. આમ બે વર્ષમાં સિવિલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 38 ટકા દર્દીના મૃત્યુ થયા છે.

બે વર્ષમાં 54 દર્દીએ હોસ્પિટલમાં જ જીવ ગુમાવ્યો

- Advertisement -

આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે (26મી માર્ચ) વિધાનસભામાં માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાતમાં વર્ષ 2023માં 196, 2024માં 205 એમ કુલ 401 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ પૈકી 2023માં 71, 2024માં 66 એમ કુલ 137 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. આ ઉપરાંત 3 દર્દીના લાઇવ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ બે વર્ષમાં 54 દર્દીએ હોસ્પિટલમાં જ જીવ ગુમાવ્યો છે.

આ અંગે આરોગ્ય વિભાગે કહ્યું છે કે, ટ્રાન્સપ્લાન્ટ બાદ થયેલ દર્દીઓના મૃત્યુ સંદર્ભે કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા આંતરિક કમિટી બનાવી મૃત્યુના રીવ્યું કર્યા છે. જેમાં ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીને ન્યુમોનિયા, શરીરમાં ચેપ ફેલાઇ જવો, મળેલા અંગ યોગ્ય રીતે કામ ન કરવા, ઈન્ફેકશન ફ્રોમ લીવર ડોનર, સ્ટોન ઈન ગોલ બ્લેડર, ટી.બી થવી, કેન્સર એટેક, પોર્ટલ વેઇન થ્રોમ્બોસિસ, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, લોહીના પરિભ્રમણમા ખામી, કાર્ડયાક અરેસ્ટ, નાજુક તબીબી સ્થિતિ, માલન્યુટ્રીશન, સ્નાયુઓની તકલીફ, રિકરન્ટ એક્યૂટ કિડની ઈંજરી જેવા મહત્ત્વના કારણો જવાબદાર હોવાનું તારણ બહાર આવ્યું છે.

કોંગ્રેસના નેતા અમીત ચાવડાએ કિડની હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટના વધારે મૃત્યુ અને કેગના ઓડિટ રીપોર્ટને લઇ વિરોધ કરતાં પારદર્શિતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે આરોગ્ય મંત્રીએ જવાબ આપ્યો હતો કે કેગ દ્વારા હાફ ઓડિટ પેરા આપવામાં આવ્યા છે, જેમાં સરકાર દ્વારા તમામ પેરાના જવાબ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ગુજરાતમાં અંગોના રીટ્રાઇવલ માટે 112 હોસ્પિટલ 

ગુજરાતમાં રીટ્રાઇવલ કરતી કુલ 122 હોસ્પિટલો છે. જે પૈકી 15 સરકારી હોસ્પિટલો છે. આ ઉપરાંત રાજ્યમાં રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ બંને કરતી કુલ 33 જેટલી હોસ્પિટલ છે. આ ઉપરાંત લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે 11 હોસ્પિટલ છે. આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે ગુજરાતમાં બ્રેઈનડેડ કે લાઇવ અંગદાતા તરફથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદશી છે. અંગદાનમા મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં લાગવગ ચલાવવાની નીતિને અવકાશ નથી.

સિવિલમાં દર મહિને સરેરાશ 35 દર્દીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ 

કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારાનું પ્રમાણ પણ ચિંતાજનક વધી રહ્યું છે. સિવિલમાં બે-વર્ષમાં 848 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આમ, દર મહિને સરેરાશ ૩૫ દર્દીના કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે.

Share This Article