India Bans Bangladesh Imports: ભારતે બાંગ્લાદેશમાંથી આવતાં તૈયાર કપડાં, ફ્રૂટ અને ફ્રૂટની સુગંધવાળાં ‘સોફ્ટ-ડ્રીંક્સ’ તેમજ કાર્બોનેટેડ ડ્રીન્કસની આયાત પ્રતિબંધિત કરી છે. જમીન માર્ગે તેમજ સમુદ્ર માર્ગે પણ આવતો બાંગ્લાદેશનો માલ હવે ભારતમાં મળી નહીં શકે.
મૂળ મુદ્દો તે છે કે બાંગ્લાદેશના વ્યાપાર વાણિજય ઉપર ભારતે મુકેલા પ્રતિબંધોની અત્યંત ગંભીર અસર થઈ રહી છે, કારણ કે બાંગ્લાદેશની કુલ નિકાસ પૈકી ૭૦ ટકાથી વધુ નિકાસ તો ભારતમાં જ થાય છે. તેમજ તેની આયાત પૈકી ૪૨ ટકા આયાત ભારતમાંથી થાય છે. પરિણામે ભારતે મુકેલા પ્રતિબંધોને લીધે બાંગ્લાદેશને ૭૭૦ મિલિયન ડોલર્સનો વ્યાપારી ફટકો પડે તેમ છે.
બાંગ્લાદેશના ભૂમિ ઉપરના ‘પોર્ટસ’, ‘ડ્રાય-પોર્ટસ’ પૈકી અખૂરા અને ડાવકી ‘પોર્ટસ’ ઉપરથી બાંગ્લાદેશનો માલ ભારતમાં આવે છે. હવે ભારતે આયાત બંધ કરતાં બાંગ્લાદેશને ઓછામાં ઓછો ૭૭૦ મિલિયન ડોલર્સનો વ્યાપારી ફટકો પડે તેમ છે.
આ પૂર્વે બાંગ્લાદેશે ભારતમાંથી આયાત કરાતું ‘યાર્ન’ (ભૂમિ માર્ગે આવતું) બંધ કર્યું હતું. ભારતે બાંગ્લાદેશને અપાતી ‘ટ્રન્શિપમેન્ટ ફેસિલીટી’ પણ બંધ કરી છે. હવે બાંગ્લાદેશ આ આર્થિક ઘેરાબંધીથી ખરેખરૃં મુંજાયું છે તેથી જ તેના વ્યાપાર-વાણિજય મંત્રીના વાણિજય સલાહકાર શેખ બશરૂદ્દીને પત્રકારોને કહ્યું હતું કે, ‘આ ગૂંચ ઉકેલવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.’
તે સર્વેવિદિત છે કે ગત વર્ષનાં ઓગસ્ટમાં બાંગ્લાદેશનાં ભારત તરફી વડાપ્રધાન શેખ હસીનાને ત્યાંના પાકિસ્તાન તરફી રમખાણકારોએ પદભ્રષ્ટ કર્યા હતા તે પછી બંને દેશો વચ્ચે તંગદિલી વધતી જ રહી છે. બીજી તરફ બાંગ્લાદેશને ભારત સાથે બગાડવું પોષાય તેમ નથી.