GeM Portal: વિવિધ સરકારી વિભાગોની ખરીદી માટે સરળતા રહે એ માટે સરકાર દ્વારા ગર્વમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ પોર્ટલ (GeM) બનાવાયું છે. સ્થાનિક કક્ષા કરતાં તેમાં વસ્તુ મોંઘી હોવા છતાં સરકારી વિભાગોને આ પોર્ટલ પરથી જ ખરીદી કરવી પડે છે. એટલું જ નહીં પણ આ પોર્ટલ પર વસ્તુને ચડાવવા માટે અધિકારી સાથે વહીવટ કરવો પડે છે. જો એમ ન થાય તો પ્રોડક્ટ ‘GeM’ પર ઉપલબ્ધ થતી નથી. પ્રોડક્ટના ભાવ વધુ હોવાથી સરકારના પોર્ટલ પર સરકારને જ વસ્તુ બજાર કરતાં મોંઘી મળે છે. આમ સારા ઉદ્દેશ સાથેનું આ પોર્ટલ પણ ભ્રષ્ટાચારથી અલિપ્ત ન રહ્યા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે.
સ્થાનિક કક્ષા કરતાં વસ્તુ મોંઘી છતાં સરકારી વિભાગોને ફરજિયાત ખરીદી કરવાની
સરકારના કોઈ પણ વિભાગ માટે ખરીદી કરવી હોય તો અગાઉ ટેન્ડર મંગાવવા પડતા હતા. તેમાં ત્રણ ભાવમાં જે ઓછા હોય તેની પાસેથી ખરીદી કરવામાં આવતી હતી અથવા ગ્રામોદ્યોગ કે અન્ય સહકારી સંસ્થા પાસેથી વસ્તુ ખરીદ કરાતી હતી પરંતુ તેની પાસે તમામ વસ્તુ ઉપલબ્ધ ન હોય તો ફરજિયાત ટેન્ડર કરવું પડતું હતું. આ પ્રક્રિયા લાંબી ચાલતી હતી એટલે અધિકારીઓના કહેવાથી સરકારે 2016માં ગર્વમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ ‘જેમ’ પોર્ટલ લોન્ચ કર્યું હતું.
પોર્ટલ પર પ્રોડક્ટ ચડાવવા માટે પણ અધિકારીઓ સાથે વહીવટ કરવા પડે છે
સરકારના કોઈ વિભાગને કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો આ પોર્ટલ પરથી જ કરવી પડે છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સરકારના ઈ-માર્કેટ પોર્ટલ પર પ્રોડક્ટ ચડાવવા માટે પણ અધિકારીઓ સાથે વહીવટ કરવા પડે છે. આ ઉપરાંત મુક્ત બજારમાં જે કિંમત મળે છે તેના કરતા આ પોર્ટલ પર કિંમત વધુ હોય છે છતાં પણ તેના પરથી જ ખરીદ કરવી પડે છે. ઉદાહરણ તરીકે કેમેરા ખરીદવાના થાય તો તેની બજાર કિંમત કરતાં આ પોર્ટલ પર વધુ ભાવ હોય છે.
સારા ઉદ્દેશ સાથે શરૂ થયેલાં પોર્ટલમાં પણ ભ્રષ્ટાચાર
ખરીદી કર્યા બાદ સર્વિસનો પ્રશ્ન આવે છે. અમુક પ્રોડક્ટ રાજ્ય બહારની એજન્સીની હોય તો તેઓની સર્વિસ ઉપલબ્ધ થતી નથી તેથી મુશ્કેલી થાય છે. આ સંજોગોમાં સરકારી વિભાગોની ખરીદી કરવા માટે લાંબી પ્રક્રિયા ન કરવી પડે અને પારદર્શકતા જળવાય એટલા માટે શરૂ કરેલુ આ પોર્ટલ પણ ભ્રષ્ટાચારથી અલિપ્ત રહ્યું નથી અને છતાં પારદર્શકતાના નામે બધું ચાલે છે.
GeM પોર્ટલ શું છે?
GeM પોર્ટલ 9 ઓગસ્ટ, 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. GeMનું પૂરું નામ ગવર્મેન્ટ ઈ માર્કેટ છે, જે એક ઓનલાઈન માર્કેટ છે. જેમાં કોઇપણ વ્યક્તિ ઘરે બેસીને જોડાઈ શકે છે અને સરકાર સાથે વેપાર કરી શકે છે. આ માટે પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. જે પછી નાના વેપારીઓ સહિત અન્ય લોકો સરકારી વિભાગોની તેમની જરૂરીયાત મુજબ માલ સપ્લાય કરે છે